હિમાલયમાં ઉત્તરકાશી નામે એક સ્થાન છે. થોડાં વરસો પહેલાં ત્યાં એક મહાત્મા રહેતા હતા. તેમણે ભારે તપ, વ્રત અને અનુષ્ઠાન કર્યાં હતાં. પણ તે છતાં તેમને શાંતિ મળી નહિ. છેવટે તેમને કંટાળો આવ્યો. શાંતિ વિનાનું જીવન એમને સાલવા લાગ્યું. તેમણે વિચાર કર્યો કે શાંતિ નહીં મળે ત્યાં સુધી ચેન નહીં વળે. હવે તો આ શરીરને ફગાવી દેવું જોઈએ. કાં તો શરીર પડી જાય, કાં તો શાંતિ મળે. બાકી અશાંતિની આ દશામાં જીવવાનું જરા પણ ઠીક નથી.
ઉત્તરકાશીથી તે ગંગોત્રી ગયા ને ગંગોત્રીથી લગભગ બે માઈલ દુર એક ગુફામાં એમણે આસન જમાવી દીધું. શાંતિ મળે કે પછી દેહ પડે, પણ અન્નજળ ન લેવાં એવો નિર્ણય કરીને, તે પ્રભુનું સ્મરણ કરતાં વખત વીતાવવાં માંડ્યા.
ત્રણ દિવસ થઈ ગયા, પણ શાંતિ ન મળી. મહાત્માજીની ચિંતા વધતી જતી હતી. શરીર છોડી જ દેવું હોય તો ક્યાં વાર લાગે એમ છે ? ગંગાજીમાં પડવાથી શરીર શાંત થઈ શકે - પણ એમના મનમાં આશા હતી. ભગવાનની દયા પર એમને વિશ્વાસ હતો. ભગવાન ને સંતોના શબ્દોમાં શ્રદ્ધા હતી. પોતાના ભક્તની રક્ષા કરી બધી કામના પુરી કરવી એ તો તેમનું વ્રત છે. એ વ્રતમાં એમને શ્રદ્ધા હતી.
અને આખરે એ શ્રદ્ધા સાચી ઠરી. ચોથે દિવસે સવારે ગુફામાં પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો. મહાત્માજીએ જરાક અચરજ ને આનંદ સાથે જોયું તો પોતાની સામે કોઈ દૈવી સંતપુરૂષ ઊભા હતા. તેમનું શરીર ખુબ તેજોમય ને મંગલ હતું. કેટલું સુંદર દર્શન ? મધથી પણ વધારે મીઠી વાણીમાં તે બોલ્યા : ‘બેટા, આ એકાંત જંગલની ગુફામાં આમ ભુખે ને તરસે કેમ બેઠો છે ?’
મહાત્માજીએ ઉત્તર આપ્યો : ‘મારે શાંતિ જોઈએ છે.’
‘શાંતિ ?’ તે દૈવી પુરુષે કહ્યું, ‘તું શાંતિ સ્વરૂપ જ છે. આ સ્થળમાંથી તું જલદી નીચે ચાલ્યો જા ને ઉત્તરકાશીમાં વાસ કર. તને શાંતિ જરૂર મળી જશે.’
એટલું કહીને એ મહાપુરૂષ અંતર્ધાન થઈ ગયા. મહાત્માજીની સાધના ફળી. એમના આનંદની અવધી ન રહી.
એ ઉત્તરકાશી આવ્યા. ત્યાં થોડા વખતમાં એમને નિર્વિકલ્પ સમાધિ થઈ. બાકીનું જીવન તેમણે શાંતિમાં પુરું કર્યું.
આ અનુભવ સાચો છે. તમે પણ જો એક અથવા બીજી જાતના અનુભવની ઈચ્છા કરતા હશો, ને તે માટે બરાબર પ્રયાસ કરતા હશો તો તમને પણ અનુભવ થશે
એ વાતમાં વિશ્વાસ રાખજો. બધા સાધકોને એક જાતના અનુભવ નથી થતા. બધાના અનુભવ કેટલીક વાર જુદાજુદા હોય છે. પણ તમારી ગાડી સીધા પાટા પર ચાલતી હશે તો એક કે બીજી જાતના અનુભવ તમને જરૂર થશે. ઈચ્છા રાખવા છતાં અનુભવ ન થાય, તો સાધના મુકી ન દેતા, અશ્રદ્ધા ન કરતા. સાધનાની ગાડીને ચાલુ જ રાખજો. તેને આગળ ને આગળ ધપાવ્યે જ રાખો. બીજા મહાપુરુષોના આવા અનુભવ નજર સામે રાખીને, પ્રેરણાનું ભાથું ભરો ને ઉત્સાહ, આશા તથા હિંમત વધારો. જે મહાત્મા પુરૂષની વાત આપણે કરી ગયા, એમને શું એક જ દિવસમાં આવો દૈવી અનુભવ થયો હતો કે ? બાર વરસ તો એમણે આકરી તપશ્ચર્યા કરી. કેટલોક વખત ફલાહારી, તો કેટલોક વખત દુધ પર રહ્યા. કેટલાં બધાં વ્રત અથવા અનુષ્ઠાન કર્યા બાદ છેવટે શાંતિને માટે તેમનું હૃદય રોઈ ઉઠ્યું, ત્યારે એમને આવી રીતે શાંતિ મળી.
- શ્રી યોગેશ્વરજી