Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દેખી છે ના રસછલકતી દ્રષ્ટિને ત્યાં સુધી આ
યોગીન્દ્રો છો હૃદયકમળે ધારણા ધ્યાન ધારે,
પીધી છે ના પ્રણયરસની સ્વાદુ ધારા કટાક્ષે
છોને મીંચે નયન કુહરે ત્યાં લગી ને તપસ્વી.

છોને વાસે ગિરિકુહરમાં મંત્ર ને તંત્રવાદી
ભાગે છોને જનજગતથી દુર એકાંતવાસી
પ્રાણાયામી, પુનિત ગણતાં આત્મને આત્મજ્ઞાની
છોને બેસે સરિતતટની શાંતિદાતા કુટિરે.

મારી તો છે અભિનવ દશા; બ્રહ્મજ્ઞાની છતાંયે
ઘેલા જેવો વિચરું પગલી પૂજતાં એ પ્રિયાની,
ચાંપી દીધું હૃદય હૃદયે તો ભ્રમે શેં ભમાયે?
માણી એની મધુરસસુધા સોમલે શેં રમાયે?

એના દૈવી અમૃત સરખા સ્નેહના સાગરે છે
મારી સર્વે સુભગ સરિતા સાધનાની સમાઈ,
કોઈયે ના ત્રિભુવનમહીં શેષ એના વિના તો
સ્વપ્ને યે શી અવર કરવી સિદ્ધિ કેરી કમાઈ ?

- શ્રી યોગેશ્વરજી