Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એક દ્રષ્ટિપાત, કેવળ એક દ્રષ્ટિપાત ?
હા. તમારો મધુરમંગલ અમૃતઅદકો
ભાવનાની દિવ્ય ભરતી-સહજ-સરખો
પ્રેમપરિપ્લાવિત પુનિત શો પ્રાણ પડઘો
ચહું દ્રષ્ટિપાત કેવળ એક દ્રષ્ટિપાત.
તમે ના માહાત્મ્ય જાણો કદાચિત એનું
મને તો પ્રતિપળ અને પ્રતિસ્થળ રહેતું યાદ,
પૂર્ણતાને પામશે પામ્યે પૂજા ને પાઠ
સર્વ મારા, જિંદગીમાં શાંતિસુખ સંપૂર્ણતા
સ્વપ્નું થશે સાક્ષાત !
०००
એક દ્રષ્ટિપાત કેવળ એક દ્રષ્ટિપાત ?
વિચારો એવું નહીં; એમાં વસે સઘળું
વિશ્વનું ચૈતન્ય બળ જીવન અમીરસનું
મૂળ ઉદ્ ભવસ્થાન શ્રીસૌંદર્યનું સલુણું
ઊર્મિકાવ્ય પ્રતીચિનો વૈભવ વસે શાશ્વત,
એક તમને ભલે દીસે કિન્તુ મારે મન
સર્વ કાંઈ એ અને એમાં સમાય વિરાટ,
સજાવીને સ્વર્ગને વસાવી વૈકુંઠને,
એ ધન્ય કરશે જાત.
०००
એક દ્રષ્ટિપાત કેવળ એક દ્રષ્ટિપાત ?
એક શાંત જ કે પછી પરિપૂર્ણ પ્રેમ પ્રપાત
કિન્તુ તે તો તમારો; ઝંકૃત કરી દેશે
પ્રાણને અંગાંગમાં અનુરાગની ઊઠી
વીચિમાળા એ થકી રે’શે મહામૂલી;
એહની આગળ સકળ સામ્રાજ્ય તુચ્છ હશે,
સિદ્ધિઓ અણિમાદિ એથી વરસતાં વરશે,
લહાવો જીવ્યાતણો મળશે મહોત્સવનો
અનેરો આહ્ લાદ ધરશે  અંતરાત્મ વળી
એક દ્રષ્ટિપાત યુગયુગતણા પ્યાસી
પ્રાણને મળશે પરબ, સંગમ થશે ન્યારો
તીર્થ ત્યાં સંતૃપ્તિનું સાર્થક્યનું, ને રાત
ઘોર વીતી તિમિર જીતી જગવશે કૈવલ્યપ્રદ સુપ્રભાત
०००
એક દ્રષ્ટિપાત ?
શેષ શું હજુયે રહ્યું સમજાવવું તમને,
કે પછી કવિતા કરું એવું ચહેલ તમે ?
એક શાશ્વત યુગયુગોની સાર્થ કરતો વાત
તમારો ઝંખી રહ્યો છું એક દ્રષ્ટિપાત.

- શ્રી યોગેશ્વરજી