જપ જપ જપ હરિનામ રે.
કાંઈ ન બેસે દામ રે. ... જપ જપ જપ.
ભ્રાંતિમાંહી શાને ભટકે,
ચંચળતામાં શાને લટકે,
કલેશકાલિમાં કેમ જ ખટકે
મેળવ ઉત્તમ ઠામ રે. ... જપ જપ જપ.
સર્વ કામનાસિદ્ધિસાધન
પતિતપાવન ને મનભાવન
શાંતિદાયક શોકનસાવન
મંગલ પૂરણકામ રે. ... જપ જપ જપ.
તર્કવિતર્ક તજી દે તારા,
બંધ કરી દે વિષાદમાળા,
ઉતાર સર્વ નિરાશાભારા
બંધન તોડ તમામ રે. ... જપ જપ જપ.
ભજ્યા વિના કૈં રહ્યા અભાગી.
જપી બન્યા જન સૌ બડભાગી,
લેહ લગાડી તૃષ્ણા ત્યાગી
બન્યા પૂર્ણ કૃતકામ રે. ... જપ જપ જપ.
- શ્રી યોગેશ્વરજી

