બ્રહ્મા રચે જગતને બનતાં વિધાતા
દે જન્મ નૂતન પદાર્થ તથા બળોને,
માળી બની રસ સનાતન વિષ્ણુ રેલે
સ્નેહે ચરાચર મહીં નિજ રક્ષવાને
ઉદ્યાન ઉત્સુક રહે કરુણા કરીને;
ને કાળના પતિ રસેશ્વર રુદ્ર અંતે
સંહારરાસ રમતા જગમાં અખંડ;
એ દેવતાત્રયઅનુગ્રહ હો અનંત !
બ્રહ્મા બની જન રચે સુવિચારસૃષ્ટિ,
પોષે થઈ પરમવિષ્ણુ રસાળ રેલી
સત્કર્મનાં સલિલ અક્ષય રાખવાને
એને અખંડ પુરુષાર્થ કરે ઉમંગે,
કિલ્મિષ રુદ્ર બનતાં મળક્લેશ કાપે;
લાગે પ્રણમ્ય જનમાં ત્રિપુટી રહેલી.