તપેલી અંતરાત્મામાં દેવી ભારતદેશની,
સિદ્ધલોકે પહોંચીને મ્લાન કંગાળ વેશની,
દીન અશ્રુછલી આંખે ખિન્ન વાણી રહી વદી,
સિદ્ધેશ્વરો, મહાયોગી, મુક્તાત્માઓ, જુઓ ઘડી,
દશા મારી થઈ કેવી કાયા પ્રતિ જુઓ જરી,
શુશ્રૂષા ના થશે સારી ચેતના તો જશે મરી.
વિશ્વસંસ્કૃતિની જૂની જનની; માનવી તણો
મહિમા મધુ મેં ગાયો ઋચામાં વેદની ઘણો.
મહિમા એ મટ્યો આજે માનવી દાનવી થયો,
યુદ્ધઘેલો પ્રંપચી કે રક્તનો તરસ્યો બન્યો.
અસ્તવ્યસ્ત થઈ છું હું, મુક્તિનો મહિમા કવ્યો
મેં જ, બદ્ધ છતાં મારો દેહ બંધનથી થયો.
અસંખ્ય બંધ બંધાયા વીંટાઈ મુજને વળ્યા,
શાંતિસમૃદ્ધિના સ્વપ્નાં તોય મારાં નથી મર્યાં.
એટલે જ અહીં આવી પોકારું આર્તનાદથી,
તમે છો સિદ્ધ મુક્તાત્મા, જાગો આતુર સાદથી.
મારી જ ગોદમાં પામ્યા તમે મુક્તિતણી કળા,
ઉગારો મુજને આજે ઊગરે તો બધી ધરા.
તોડો બંધન તો મીઠો મુક્તિનો શ્વાસ હું લઉં,
સુખીસમૃદ્ધ સૃષ્ટિની શાંતિદાત્રી વળી થઉં.
જયકાર કરું વિશ્વે ફરી માનવતા તણો,
આકાંક્ષા એ જ આત્મામાં, કોડ એ મુજને ઘણો.
થોડી વાર તજીને આ ભોગ વૈકુંઠ સ્વર્ગના
દિવ્યલોક તણા આવો કરોડો દીન મધ્યમાં.
ફૂંકો ચેતન તે સૌમાં જડતા તેમની હરો,
મહીમાંગલ્યને માટે મહર્ષિ, કરુણા કરો.