Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

શુભાશુભ અને સત્યાસત્યે આવૃત્ત વિશ્વમાં
ત્રિગુણાત્મિકા રમે રંગે રાસ પ્રકૃતિ આદિથી,
તાપ સાથે રહે છાયા, દિનથી સાથ રાતની
લીલા થતી હંમેશાની, સુધા ને વિષ વાસતાં,

ગુલાબો કંટકો સાથે પ્રકટે પદ્મ પંકમાં
રેલતાં રસ, અંધારા અભ્રથી સૂર્ય ખીલતો.
સ્વર્ગ સંગે જ દેખાતી નિશાની નરકો તણી
ભરતી ઓટથી યુક્ત જોડલી જન્મમૃત્યુની.

વિરોધાભાસ વિશ્વે છે સ્વાભાવિક યુગો થકી,
મને ભીતિ નથી એથી વિચાર્યે લેશ લાગતી;
કામના એટલી છે કે ભિન્ન સૌ દ્વંદ્વની મહીં
વસતાં શાંતિ ને શ્રદ્ધા ગુમાવું આત્મની નહીં;

વિવેકધનને રાખું સદા અક્ષય વર્ષતી
વિપત્તિવેદનાઓને સહવા શક્તિ સાંપડે,
પ્રલોભનો ચળાવે ના ડગાવે ભયસ્થાનની
ભૂતાવળો નહીં લેશે; એ જ આશિષ દો મને.