Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જેના અંતરમાં અંધાર એની જ્યોત બની જા તું !

ચોરેકોર તિમિરદળ છાયાં, ના નીરખાય કશું,
કંટક કંકરથી ભર મારગ નિર્મળ ના જ તસુ;
સૂરજચંદ્રકિરણ ના સ્પર્શે, સ્પર્શ કરી જા તું !... જેના અંતરમાં


આર્ત સ્વરે કરતાં કૈં પુકારો, રોદન કોક કરે
કોક અનાથસમાન ભમે, ના કોઈને માર્ગ મળે;
એકલદોકલ આર્તનો એવો આપ્ત બની જા તું ! ... જેના અંતરમાં


મૂકનો સ્વર થા, પતિત જનોની પીડા ભરી લે પ્રાણ,
અશ્રુ લૂછી લે પરહિતકાજે કાયા કર કુરબાન
જન્મીને બીજા જનકાજે શ્વાસ લઈ લે તું ... જેના અંતરમાં


એકાદ અશ્રુ લૂછી જો શકે ને આશ્રય કોઈને દે,
એકાદ પીડિત પ્રાણને પાટો પ્રેમનો બાંધી લે,
એકાદ બંધન તોડે તો સાર્થક જીવન શું ! ... જેના અંતરમાં


એકાકી કર કૂચ ભલેને, સત્યને ના કદી છોડ,
વેઠે વિપત્તિવ્યથા તોય જીવન સ્નેહના સૂત્રે જોડ;
કર્તવ્યથી વિમુખ કદી ના, આકાંક્ષા સેવું હું ... જેના અંતરમાં