હોય લક્ષ્મી ભોગવૈભવ સુરસમાન વળી
પ્રખર પ્રજ્ઞા માનવીને રહે મુગ્ધ કરી,
બળ અનંત અસીમ હો ઐશ્વર્ય ને અદકું,
બંધનો સાલે નહીં તો શ્રેય એથી શું ?
હોય મધુમય વેશ કે સૌન્દર્યસૌરભ હો
પ્રતિષ્ઠાપદ સદગુણોની ગણતરી ના છો,
કિન્તુ ના દિલમાં વિકાસ તણી તમન્ના તો
એ સકળ ઉત્તમોત્તમ હેતુ સરશે શો ?
દીર્ઘજીવન હોય તપ ને વ્રત પ્રચંડ વળી
સાંપડે સિદ્ધિ કળા વિજ્ઞાનની સઘળી,
કાવ્યકૌશલ તર્કપટુતા શાસ્ત્રની મેઘા
કળાપ્રિયતા મળે મધુરા સ્વર્ગના સરખા
લોકભોગોથી ભરેલા અર્થ એનો શો
પૂર્ણતા કે મુક્તિની ઈચ્છા ન જાગે તો ?
અભિપ્સા આરાધના ના સત્યતત્વ તણી,
પામવા સુપ્રકાશ જાગ્રત જો ન બુદ્ધિ બની.
સુખછલેલું યશવરેલું ભલે જીવન હો
કિન્તુ ના કર્તવ્યયજ્ઞે પુનિત પ્રાણ થયો,
ઉચ્ચતાની ના અપેક્ષા અન્યનો ના પ્રેમ,
એ સમુન્નત સાર્થ જીવન કહેવાયે કેમ ?
મરણની આવૃત્તિ સરખું વ્યર્થ એ લાગે
જલે ના જે સતત અભ્યુદય તણી આગે,
પરિપ્લવિત ના બને આત્મા તણી જેની
સિતારી સ્વાતંત્ર્ય કેરા રસભર્યા રાગે.
સાફલ્ય જિંદગી કેરું સાધવા સર્વનાં મન
સ્વરાજ ઝંખતા ઝંખે ખેડૂતો મેઘને જ્યમ.