if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પૂનામાં ગાધીજીને રાખ્યા આગાખાન મહેલ મહીં;
બીજા નેતાઓને પૂરી સરકાર જુદી જેલ રહી.
મહાદેવ દેસાઈ મંત્રી ભક્તશ્રેષ્ઠ ગાંધીના ખાસ,
એમને અને કસ્તૂરબાને સેવા માટે રાખ્યાં પાસ.

કરુણાતિકરુણ કવિતા મારે એ દિવસો કેરી કરવી,
સ્મૃતિ કોમળ નાજુક ઘટનાની સંવેદન સાથે ધરવી.
આગાખાન મહેલે પહેલાં મહાદેવનું મૃત્યુ થયું,
પછી ખોટ ગાંધીને લાગી અંગ જ જાણે છૂટું પડ્યું.

પરમધામમાં કસ્તૂરબાએ કર્યું આખરે પુણ્યપ્રયાણ,
પંચભૂતપિંજર છોડીને ચાલ્યો મુક્ત બનીને પ્રાણ.
સંક્ષોભ મહાત્માના મનમાં અતીવ પ્રબળ થવા લાગ્યો,
વાવાઝોડાં થઈ રહ્યાં શાં દરિયો તોફાને જાગ્યો.

પડી વીજળી ઘોર વ્યથાની, કરાળ ધરતીકંપ થયો,
દિશા ડોલવા લાગી દિલની, પ્રારંભ થયો પ્રલયતણો.
થયો કુઠારાઘાત અચાનક કુણા કાળજા પર કેવો,
કુસુમકળી કાપી કો નાખે ઉલ્કાપાત હતો એવો.

શબ્દોમાં શે શકું સમાવી વિરહવેદના કેરી વાત,
કવિતા કેમ કરું કરુણાની, પકડું ક્યાંથી પ્રાણપ્રપાત !
શૂન્યમનસ્ક બનેલા ગાંધી વ્યથા મહીં પણ શાંત રહ્યા,
ભાવ એમને અંતર અગણિત તારક જેવા પ્રકટ થયા.

કસ્તૂરબાની સમીપ બેસી કરી રહ્યા એ સંત વિચાર,
કરે સુકાની શ્રમ જે રીતે નૌકા કરવા સાગરપાર.

મહાનનાં મન હોય વધારે કોમળ પ્રેમળ ભાવવિભોર,
શ્રીફળ સરખાં હૃદય રસભર્યાં ભલે લાગતાં ઉપર કઠોર.

ભાવ લાગણી ઊર્મિફુવારા ફૂટે એમાં અપરંપાર,
માખણ જેવાં મધુર મુલાયમ દ્રવી જાય અડતામાં ઝાળ.
અથવા શાંત સિતારી સરખાં, સુતીક્ષ્ણ સઘળા હોયે તાર;
સહજ સ્પર્શથી વાગી ઊઠે વિવિધ રેલતાં રસની ધાર.

શીતળ ચંદન જેમ સુવાસિત કિન્તુ જડનિષ્પ્રાણ નહીં;
ધારે ભૂગર્ભ રસના રેલા ધરિત્રી સમાં શાંત રહી.
પથ્થરને પણ ઘસી નાખતાં સાગરનાં પેલાં પાણી,
મહાનનાં દિલ દ્રવે દર્દથી એમાં તો અચરજ શાની ?

*

એવા વિભિન્ન ભાવો વચ્ચે ગાંધીજી બેઠેલાં શાંત,
ઘોર વેદના અંતરમાં પણ મન તિલમાત્ર થયું ના ભ્રાંત.
પ્રાર્થના તથા પ્રભુસ્મરણમાં બની ગયા પ્રેમે ગુલતાન;
હતો વાસના આસક્તિથી મુક્ત એમનો પ્રેમળ પ્રાણ.

કસ્તૂરબાએ વિદાય લીધી તોપણ હિંમત ના તૂટી,
એકલવાયા જીવનમાંયે શ્રદ્ધાની સરિતા ફૂટી.
પ્રવાસ કરવો પડે એકલા થાય નિરાશા તો પણ કેમ ?
ઈશ્વર છે શાશ્વત સાથી શા, એમની રહી વરસી રે'મ.

સાથ છોડશે નહીં કદી એ જતન કરીને જનની જેમ
જશે પ્રેમથી આગળ દોરી વહન કરીને યોગક્ષેમ.
વિદાય આખર સર્વ થવાનું આજ કોક કોઈ કાલે,
હમેશ માટે હસી રહેતાં ફૂલ નથી દ્રુમની ડાળે.

સુકાય છેવટ સ્ત્રોત સ્વાદુ સૌ રણ કે સરિતા મહીં મળે,
સિતારના સ્વર સુધાછલેલા પ્રકટ થઈ બ્રહ્માંડ ભળે.
પરમપ્રતાપી સૂર્ય છતાંયે આખર અસ્ત થઈ જાયે,
ચપલાઓ ચમકીને ચાલે, વિલીન તારક પણ થાયે.

એમ સમજતાં કર્તવ્ય થકી નાસીપાસ થવું ન કદી,
શ્રેય સાધવું જીવન કેરું પ્રમાદપંક જવું ન પડી.
વિચાર એમ કરી ગાંધીએ નવી પ્રેરણા પ્રાપ્ત કરી,
વરસાદ પછી વન જે રીતે નવલ બને સૌંદર્ય ભરી.

બીજે દિવસે જલી ચિતા એ સન્નારી કસ્તૂરબાની,
બળ્યું બધું પણ બચી બંગડી, થઈ ચમત્કૃતિ એ છાની.
વિસ્મયકારક કથા છતાંયે ઉલ્લેખ કરું એનો ખાસ;
કોઈ બોલ્યા એ પેખીને પામ્યાં એ વૈકુંઠે વાસ.

વૈકુંઠ તથા સ્વર્ગ એમનું સ્વામી સંગ સદાય રહ્યું,
શાશ્વત સેવા સુખના સ્વાદે જીવનનું સાર્થક્ય લહ્યું.
મહાદેવની છેક બાજુમાં અંગ એમનું ભસ્મ કર્યું;
સમાધિ કેરું સાધારણ શું સ્થાન બન્યું ત્યાં ભાવભર્યું.

ગાંધીની ના હતી લાલસા મંદિરની રચના કરવા,
મંદિર મંગલમય નિર્માયું શાશ્વત મહિમામય ઉરમાં.
ખંડિત કરે કાળ ના એને જરાજીર્ણ ના થાય જરી,
નિત્યનિરંતર ધરે પ્રેરણા, પ્રલયાંતે ના જાય મરી.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.