કસ્તૂરબાએ વિદાય લીધી તોપણ હિંમત ના તૂટી,
એકલવાયા જીવનમાંયે શ્રદ્ધાની સરિતા ફૂટી.
પ્રવાસ કરવો પડે એકલા થાય નિરાશા તો પણ કેમ ?
ઈશ્વર છે શાશ્વત સાથી શા, એમની રહી વરસી રે'મ.
સાથ છોડશે નહીં કદી એ જતન કરીને જનની જેમ
જશે પ્રેમથી આગળ દોરી વહન કરીને યોગક્ષેમ.
વિદાય આખર સર્વ થવાનું આજ કોક કોઈ કાલે,
હમેશ માટે હસી રહેતાં ફૂલ નથી દ્રુમની ડાળે.
સુકાય છેવટ સ્ત્રોત સ્વાદુ સૌ રણ કે સરિતા મહીં મળે,
સિતારના સ્વર સુધાછલેલા પ્રકટ થઈ બ્રહ્માંડ ભળે.
પરમપ્રતાપી સૂર્ય છતાંયે આખર અસ્ત થઈ જાયે,
ચપલાઓ ચમકીને ચાલે, વિલીન તારક પણ થાયે.
એમ સમજતાં કર્તવ્ય થકી નાસીપાસ થવું ન કદી,
શ્રેય સાધવું જીવન કેરું પ્રમાદપંક જવું ન પડી.
વિચાર એમ કરી ગાંધીએ નવી પ્રેરણા પ્રાપ્ત કરી,
વરસાદ પછી વન જે રીતે નવલ બને સૌંદર્ય ભરી.
એવા વિભિન્ન ભાવો વચ્ચે ગાંધીજી બેઠેલાં શાંત,
ઘોર વેદના અંતરમાં પણ મન તિલમાત્ર થયું ના ભ્રાંત.
પ્રાર્થના તથા પ્રભુસ્મરણમાં બની ગયા પ્રેમે ગુલતાન;
હતો વાસના આસક્તિથી મુક્ત એમનો પ્રેમળ પ્રાણ.
બીજે દિવસે જલી ચિતા એ સન્નારી કસ્તૂરબાની,
બળ્યું બધું પણ બચી બંગડી, થઈ ચમત્કૃતિ એ છાની.
વિસ્મયકારક કથા છતાંયે ઉલ્લેખ કરું એનો ખાસ;
કોઈ બોલ્યા એ પેખીને પામ્યાં એ વૈકુંઠે વાસ.
વૈકુંઠ તથા સ્વર્ગ એમનું સ્વામી સંગ સદાય રહ્યું,
શાશ્વત સેવા સુખના સ્વાદે જીવનનું સાર્થક્ય લહ્યું.
મહાદેવની છેક બાજુમાં અંગ એમનું ભસ્મ કર્યું;
સમાધિ કેરું સાધારણ શું સ્થાન બન્યું ત્યાં ભાવભર્યું.
ગાંધીની ના હતી લાલસા મંદિરની રચના કરવા,
મંદિર મંગલમય નિર્માયું શાશ્વત મહિમામય ઉરમાં.
ખંડિત કરે કાળ ના એને જરાજીર્ણ ના થાય જરી,
નિત્યનિરંતર ધરે પ્રેરણા, પ્રલયાંતે ના જાય મરી.