હો ભિન્નતા રુચિ તણી સુવિચારભેદો
સિદ્ધાંતની પૃથકતા બહુ ભિન્નભાષી
ને ભિન્ન વેશ જનતા સહુ રાષ્ટ્ર કેરી
કિન્તુ જણાય કટુતા નવ સ્વાર્થખોરી.
ધિક્કાર શોષણ જડે નવ ત્યાં જરાય,
ગૂંથે સમસ્ત ઉરને શુચિ સ્નેહદોરી;
વિદ્વેષના પવન જ્યાં પ્રસરે કદી ના,
હૈયે કરાય મમતા મદ ભીતિ હોળી :
વિભિન્ન વાદ્યથી મીઠા સૂર સંયુક્ત નીકળે
એમ ભેદ મહીંયે જ્યાં સ્વર સંવાદના સરે;
અનેક ધર્મપંથોની વચ્ચે એકત્વ ના મટે,
દેશગૌરવ ને દાઝ પ્રજાનો પ્રેમ ના ઘટે :
શાંતિથી સરિતાસ્ત્રોત સમાતાં સાગરે વહે
પ્રજા તેમ બધી જેમાં સુખ ને શાંતિ લહે :
સ્વમાન હોય જ્યાં કિન્તુ મદમિથ્યાગુમાન ના
દયા હોય, નહીં દંભ, યાતના અપમાન ના
પીડવામાં નહીં પીડા ટાળવામાં સદાય જ્યાં
સાર્થક્ય સમજે લોકો ત્યાગ કે બલિદાનમાં :
સોહે સ્વતંત્રતા જેમાં કિન્તુ સ્વચ્છંદતા નહીં,
જતાં જીવનનાં નેહેભર્યા નિર્ઝર જ્યાં વહી;
શ્રમનો મહિમા જાણે માનવી વ્યસનો તજી,
લેવાને બદલે માણે દેવામાં સુખશાંતિને :
કાનૂન જ્યાં વધુ ન હો વધુ કોર્ટ તેમ
પોલીસ-દાક્તર-વકીલ-દવા તણીયે
ઓછી અગત્ય ઠરતી, તન ને મને જ્યાં
આરોગ્ય-શાંતિ-સુખની મધુરી પ્રભા હો :
પાળે પ્રશાસન પ્રજા નિજ આત્મ કેરું,
હિંસા-અસત્ય-છળ-શોષણ ના જણાય,
ચોરી કરાય નિત જ્યાં નિજ દુર્ગુણોની,
સાફલ્ય જીવનતણું ગુણથી ગણાય :
જેમાં ન હોય ધન ને બળની પ્રતિષ્ઠા
આરાધના ન અધિકાર પદ પ્રતિષ્ઠા
ને રાજ્યનીય, મહિમા શુભકર્મ કેરો
ચારિત્ર્યનો વિમળ જ્ઞાન પ્રકાશનો હો :
ભયત્રાસ તથા સત્તાબળથી સત્યને વળી
દબાવાતું છુપાવાતું હોય ના છળથી જરી :
રાજકર્તા બધા જ્યાં હો સંરક્ષક પ્રજા તણા,
પ્રજાપાલક સ્નેહી ને હિતેચ્છુ સર્વના ઘણા;
સેવાભાવી સદા ચિંતા પ્રજાની કરતા વળી
સૂર્ય જેમ જરી લેતા રહેતા વધુ ને ધરી :
ગામડાં હો સુખી જેમાં કિસાનો શ્રમિકો રહે
શાંતિસમૃદ્ધિને પામી શુશ્રૂષા કરવા ચહે;
નિરક્ષર નહીં કોઈ અવિવેકી ન અજ્ઞ હો
સુરક્ષા સભ્યતા કેરી સમુન્નતિ સદૈવ હો :
ખેડૂતનોય શિશુ શ્રેષ્ઠ બની શકે છે
જ્યાં રાષ્ટ્રનો પતિ, સુખે સઘળાં વસે છે;
પર્યાપ્ત પ્રાપ્ત તક થાય વિકાસ કેરી,
પ્રાણો પ્રસન્ન બનતા, નયનો હસે છે :
એવા સ્વરાજને માન્યું સાચું પૂર્ણ સ્વરાજ મેં,
પામું પ્રસન્નતા પ્રાણે પ્રકટ્યે કદીકાળ એ.