Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગાંધીવાદ વિષે ચાલી ચર્ચા ત્યારે વળી કહ્યું,
ગાંધીવાદ સમું કાંઈ નથી નૂતન મેં ધર્યું,
નવો ધર્મ નથી સ્થાપ્યો પંથ કે સંપ્રદાય ના,
ધર્યાં મૂલ્યો પુરાણાં મેં ઘડી નૂતન ઘાટમાં.

અતીત કાળથી અર્પ્યો શાસ્ત્રોએ ઉપદેશ જે
મહાન પુરુષોએ ને પ્રકટાવ્યો પ્રકાશને
રોજિંદા જીવને તેને પ્રયત્નો વણવા કરું
ઝીલતાં નમ્રતાથી એ સત્ય શાશ્વતને ધરું.

અભિનવ મનુ જેવા ના થવાની અપેક્ષા,
કદી નવ ઉપમા એ અર્પતા ઘેલછામાં;
પરમ વિમલતા ને નમ્રતાયુક્ત એવાં
વચન મધુર બોલે સંત આશ્ચર્ય એમાં ?

બોલ્યા : અનિત્ય પરિવર્તનશીલ વિશ્વે
મારું પ્રશાંત તન થાય સમાપ્ત ત્યારે
કોઈય સ્મારક નહીં કરતા કહીં કે
એકેય મંદિર નહીં રચતા વધારે.

કર્તવ્ય શ્રેષ્ઠ મુજ સ્મારક લોકસેવા
સિદ્ધાંતપાલન; કર્યો ઉપદેશ જે મેં
તેનો સમન્વય કરો નિજ જિંદગીમાં,
સ્વપ્ને ન હો વિસ્મૃતિ લેશ કદા ઉપેક્ષા.

લાખો તણાં હૃદય સ્મારક સત્ય મારાં
સદભાવના જન તણી શુચિ સ્નેહ સૌનો
સૌની સમુન્નતિ, ચહું સવિશેષ કૈં ના,
રેલું પ્રકાશ નિત માનવનાં મનોમાં.