આશંકા ભાવિની ચિંતા અશ્રદ્ધા ભીતિભાવના
સતાવે ના મને કો દી, રામના અનુરાગમાં
વ્યતીત દિવસો સૌયે પર્વ શા શાંતિથી કરું,
થશે મંગલને માટે જે થશે તે સદા ગણું.
સેવો ચિંતા નહીં મારી સુરક્ષાની જરી તમે,
ભીતિભાવ ભજે તે તો ભારે ભ્રાંતિ મહીં રમે,
મને બ્રહ્માંડમાં ક્યાંયે કોઈનો ભય છે નહીં,
રાગ દ્વેષ નથી હૈયે, વાત સત્ય રહ્યો કહી.
તોપણ સરદારે ચેતીને મહાન એ જ્યોતિર્ધરની
સુરક્ષા તણી કરી વ્યવસ્થા અજ્ઞાતરૂપે ત્યાં સઘળી.
પોલીસો ત્યાં પ્રાર્થના સ્થળે સાદા પોશાકે ફરતા
શેષ સમય દરમ્યાન એમના નિવાસની ચોકી કરતા.
પરંતુ કાળ કરે છે મારગ મઢૂલી તેમજ મહેલ મહીં,
રક્ષક હો કે ના હો કોઈ પરાજિત ના થાય કહીં.
નિર્ધારિત પળ પાકે ત્યારે કામ કરી પોતાનું જાય,
અંતરાય એને ના એકે, વિલંબ વિપળ તણો ના થાય.
જાન્યુઆરી તણી ત્રીસમી ઓગણીસસો અડતાલીસ,
અસ્તાચળ પ્રતિ સૂર્ય જતો'તો મળવાને જાણે જગદીશ.
પ્રકાશવાને અન્ય પ્રદેશે વિદાય ધરતીની લેતો,
પ્રાજ્ઞજનોને પુણ્યવાન શો સેવાસંદેશો દેતો.
વાટ મહીં ત્યાં વાદળ કોઈ એકાએક ધસી આવ્યું,
રહ્યું સમાવી હૈયે એને, માર્ગ રૂંધવામાં ફાવ્યું.
ક્રંદન કરવા લાગી ધરતી શોકનિમગ્ના શ્યામ બની,
વ્યોમ વિષાદવિલાપ કરીને રહ્યું નિહાળી ભ્રાંત થઈ.
વાત કરતાં વખત વીત્યો વધારે આજે
એટલે ચાલ્યા ત્વરાથી પ્રાર્થના કાજે
શાંતિમૂર્તિ પ્રસન્ન ગાંધી સેવિકા સાથે
એમનો ટેકો લઈને હેતથી હાથે.
એટલામાં કો'ક આવી કાળદૂત સમો
નમી બોલ્યો બાપુ, મોડા આજ કૈંક તમો;
રહ્યા ગાંધી નમન ઝીલી એહનું ત્યારે
ત્યાં યુવાને કરી દીધો કેર શો ભારે !
ગુપ્ત રાખી કર મહીં પિસ્તોલને એણે
ચલાવી માંગલ્યમૂર્તિ સંતના પર એ,
અંગમાં ત્રણ એમના વાગી ગઈ ગોળી,
ઢળી ધરતી પર પડ્યા ‘હે રામ’ ને બોલી.
રક્તસ્ત્રોત થકી સમસ્ત શરીર રંગાયું,
અસુર હાથે દિવ્ય જીવનપાત્ર નંદાયું;
શર્વરી શી શોકની પ્રસરી રહી સઘળે,
પદ્મ શરથી અલગ કીધું કારમી લહરે.
અશ્રુમાળા સમર્પી એ માનવે સંતશ્રેષ્ઠને
પ્રાર્થી પોકારતાં પૂજ્યા, વિરોધી પણ એમને
અનેરી અર્પવા લાગ્યા મૂક અંજલિ પ્રેમની,
કરી કોણ શકે સાચી કદી કિંમત એમની ?
વિશેષ શુશ્રૂષાથીયે ઊગરી એ શક્યા નહીં
વિહંગ જેમ માળાને મૂકી ઊડી ગયા કહીં.
બીજે ક્યાં જાય ? પ્રેમે એ પરમાત્મ મહીં મળ્યા;
હિંદુને હાથ મૃત્યુના વચનો એમનાં ફળ્યાં.
યુવાન ગોડસેએ એ હત્યા નિર્દય શી કરી,
વસુધાની મહામૂલી યુગોની નિધિને હરી.
સમસ્ત વસુધામાં એ સમાચાર ફરી વળ્યા,
રાષ્ટ્ર આખું રહ્યું રોઈ, પિતાજી જેમ હો મર્યા.
કરાળ ઘટના બને પ્રતિપળે જગે કેટલી
પરંતુ ઘટના કરાળ નવ કો હશે એટલી
ઘટી સુભગ સાંજને સમય તે દિને જે ગઈ,
વ્યથાતુર દિલે કર્યું કરુણ કાવ્ય એનું જરી.