તોય પારધી શી બની દંભ ને ભારે કરી
હણી તમને માનવે નીચતા કેવી કરી ?
વીરતા ક્યાં ખૂનમાં તમારા ક્યાંયે રહી ?
કથા દુર્ઘટના રહી શરમની સઘળી કહી.
નીચતા જડતા તણો દુષ્ટ કર્મ તણો કશે
વિશેષ નહીં આ થકી પુરાવો કોઈ હશે.
કેમ ગોળી મારતાં કર કપાઈ ના ગયા ?
વિચાર જ હિંસા તણા પ્રકટ રે, શાને થયા ?
હણી તમને વિશ્વની કુસેવા કેવી કરી ?
જ્યોતિ જીવનદાયિની જન હજારોની હરી.
સહસ્ત્રોને સાંપડી શાંતિ મંગલ પ્રેરણા;
મૂકની વિરમી કથા મટી જડની ચેતના.
રણે શુષ્ક વનસ્થલી મિષ્ટ નષ્ટ થઈ ગઈ,
છાંય શીતળ તાપની શાંતિદા છેવટ શમી.
વ્યથા ભારત માતને સકળ સૃષ્ટિને થઈ,
ક્ષતિ તણી પૂર્તિ થશે કરોડો યત્ને નહીં.
ટમકશે તારક છતાં ચંદ્ર અધુના તો નથી,
પ્રકટશે સ્ફુલ્લિંગ પણ ચંડ અગ્નિશિખા મટી.
મરણ મંગલ ધન્ય બની ગયું
નીરખતાં તમને નિજમંદિરે,
મધુ મહોત્સવમસ્ત હશે થયું
સુખસ્વરે સ્તવતાં કિરતારને.
નવ હણી તમને કદી એ શકે
અક્ષય અમૃતરૂપ તમે થયા,
તન તજ્યું પણ સૂક્ષ્મ સ્વરૂપમાં
વિહરતાં વિભુમાં જ મળી ગયા.
સ્વર શમે રસપૂર્ણ સિતારનો
મધુરતા રસ કે સુખને દઈ,
મધુમયી પરમાત્મસિતારમાં
ત્યમ વિલીન પ્રશાંત રહ્યા થઈ.
તન ધરી કૃતકૃત્ય થયા તમે,
મરણ દિવ્ય મહોત્સવ શું કર્યું,
મરણનો નવ શોક ઘટે છતાં
પ્રણયથી ઉર અશ્રુ થકી ભર્યું.
ભ્રમર સૌરભ પુષ્પતણી ગ્રહી
ગમન પુષ્પ પરે કરતો કહીં,
પણ વિષાદ કરે કદી પુષ્પ તો
નવ નિરર્થક કો શકશે કહી.
ફરજ મૃત્યુ, તેં તો અદા કરી
કરુણ કિન્તુ દેખાવ શો કર્યો,
કુસુમકોમળ દિવ્યદેહને
અતિ કઠોર ગોળી થકી હણ્યો !
નવ વિચાર આવેગમાં કર્યો
ક્ષણ કરું સુખી શાંત આખરી,
નવ દીસે છતાં દોષ એ મહીં,
અવરની કહે તુંય ચાકરી.
નિયમ વ્યાપ્ત સર્વત્ર કર્મનો
વિભુતણી ફળે યોજના વળી;
અનુસરે સદા સંત એહને
જન વિશિષ્ટ સૌ શાંતિને વરી.
સહુ અમૂલ્ય કર્મો કહ્યાં છતાં
અતિ અમૂલ્ય છે કર્મભાવના,
વિવિધ કર્મની મૂલ્યવાન સૌ
પ્રતિક્રિયા સ્પૃહા તેમ વાસના.
શર કૃતાંતશું કૃષ્ણને થયું
ઈશુ ચઢ્યા વધસ્તંભપે વળી
મનુજશ્રેષ્ઠ કૈં વ્યાધિથી મર્યાં
વિષ ગયું દયાનંદને હરી.
તદપિ ભાવના ઉચ્ચ ના મરી
પ્રતિક્રિયા વિરોધી થઈ નહીં,
મન રહ્યું પરબ્રહ્મમાં રમી,
સરિત શા રહ્યા સાગરે વહી.
ચલિતચિત્ત સ્વલ્પે થયા નહીં
નવ તમેય ગોળી થકી ડર્યાં,
મધુર માત્ર ‘હે રામ’ ઉચ્ચરી
પરમ શ્રેષ્ઠ શ્રીરામમાં મળ્યા.