શાંત એકાંત દિલ્હીમાં વસેલા રાજઘાટમાં
મૃતદેહ લઈ આવ્યા નેતા ગાઢ વિષાદમાં.
પુષ્પ નાખ્યાં પ્રજાએ એ દેહે અંજલિ આપતાં,
નમસ્કાર કર્યા છેલ્લા કારમો ક્લેશ કાપતાં.
અનેક એકઠા લોકો સ્મશાને માર્ગમાં થયા,
પ્રવાહો પ્રેમના મીઠા જતા લોચનથી વહ્યા.
ફરી એ મુખ ના દૈવી મળશે અવલોકવા,
તેજસ્વી નેત્ર ને કાયા કરી રે'શે કૃતાર્થ ના.
માધુરી સ્મિતની વાણી અનેરી મળશે નહીં,
સ્વપ્ન જેમ બની સર્વે સમાયું સ્મૃતિની મહીં.
કઠોર કાળ કોઈને છોડે ના નિજપાશથી,
જન્મ દે શુભતત્વોને આનંદે ને વિનાશથી.
દિવસો મહિના વર્ષો પછી નિર્મિત જે થયો
ચિતાભસ્મ મહીં દેહ ક્ષણમાં તે ભળી ગયો.
ખરે નશ્વરતા આખી સૃષ્ટિની આમ છે કહી,
આજ દેખાય તે કાલે એ સ્વરૂપે રહે નહીં.
*
અવશેષ વહાવતાં પછી સરિતાસરતીર્થસાગરે
મધુ માનસરે વળી વિચર્યા જન કૈંક આદરે.
સ્મૃતિચિહ્ન કરી શુચિ સ્થળે બહુ અંજલિ એમને ધરી;
તન એમ બધી દિશા મહીં અતિ સૂક્ષ્મરૂપે રહ્યું મળી.
શુભ સુંદર રાજઘાટમાં રમણીય સમાધિ છે કરી
નીરખી સ્મૃતિ સંતની થતાં ક્ષણ કૈં મનડું રહે ઠરી.
સુમનો મધુસૌરભે ભર્યાં નિત અર્પિત ત્યાં થયા કરે,
જન કૈંક પવિત્ર પ્રેરણા રસથી ઉરતાપને હરે.