Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

લક્ષ્યાંક બધા સિદ્ધ થયા ના, માનવની મંગલમય
મહાસફર સર્વોદય કેરી પરિપૂર્ણ બની છે ક્યાં ?
અંધકારના ઓળા ઊતર્યા અવનીપટ પર આજે
તોપણ નૈરાશ્યવદન બનવું વિષાદગ્રસ્ત ન છાજે.

ગાંધીસરખા સત્પુરુષોને દાન સિદ્ધિનાં દીધાં
દેશે દાન એ જ આપણને વિષમાં દિવ્ય અમીનાં,
પ્રકાશ રેલ્યો જીવનપથ પર અનુકંપાથી જેણે
એ જ રેલશે પ્રકાશ પાવન સૌના પથ પર પ્રેમે.

ગાંધીજીવન કેરી પ્રેરક બની પળપળ ન્યારી
શાશ્વત શક્તિ માતૃહૃદયની મમતાથી પણ ભારી
મમત્વ ધારી, પ્રેરક બનશે આપણીય સફરે આ,
ચિંતા શાને પછી વેદના વિષાદ સ્વલ્પ નિરાશા ?

આધાર બન્યા કોણ એમના ? કોણે બક્ષી દૃષ્ટિ ?
જ્યોતિ જગાવી કોણે ? જીવન કોણ રહેલું રક્ષી ?
કોણે સોમલ પચાવવાની સુયોગ્યતાને અર્પી ?
કોણ વિષાદવ્યથામાં નિશદિન અનુગ્રહવર્ષા વર્ષી

રહ્યું રક્ષતું જીવનનું ધન સુણી પ્રાર્થના પ્રેમે
સંવેદન શાંત કર્યાં કોણે સંતાપ હર્યા રે'મે ?
એ જ પરમશક્તિ સર્જનની પરમસ્વામિની ધાત્રી
મહાવિધાત્રી અહર્નિશ રહી જીવન સૌનું રક્ષી,

શરણ એહનું સ્નેહે લેતાં પુરુષાર્થ થકી પ્રેમે
ધપશું આગળ સાફલ્યતણા રસાસ્વાદની નેમે,
કૃતાર્થતાનો મહોત્સવ તણો મળશે તો ઉલ્લાસ,
નથી હતાશ થવું સ્વપ્નેયે, અમર રાખવી આશ.