Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સંસારના મંગલને માટે આ પ્રમાણે કર્મ કરવાની જરૂર છે. લોકકલ્યાણની ભાવનાથી કર્મ કરતા રહેવાની જરૂર છે. ગીતાનો એવો આદેશ છે. જેને પૂર્ણતાની પ્રાપ્તિ નથી થઈ, તેને તો કર્મ કર્યા વિના ચાલે જ કેમ ? તેને તો આળસુ થઈને બેસી રહ્યે કેમ પાલવે ? બધાં જ પ્રકારના પ્રમાદનો ત્યાગ કરીને તેણે કર્મપરાયણ બનવું જોઈએ, પુરૂષાર્થી થવું જોઈએ. જીવનના ધ્યેયની સિદ્ધિ એદી બનીને ઊંઘ્યા કરવાથી કેવી રીતે થઈ શકશે ? આ સંસારમાં જે પણ મહાન બની ગયા, તે સતત પુરૂષાર્થ કરવાથી જ તેવા થઈ શક્યા છે. પળેપળનો હિસાબ રાખીને કામ કરવું જોઈએ, તો જ સિદ્ધિ પ્રાપ્તિ થઈ શકે. એટલે જ ભગવાન કહે છે કે હે અર્જુન, તું કર્મ કર. આજે તો તું સાધક છે. પણ પૂર્ણ, મુક્ત ને સિદ્ધ થઈ ગયા પછી પણ કર્મને ના છોડતો. ઉત્તમ પ્રકારનાં કર્મો કરીને તું સૌનું હિત કરી શકીશ. જીવનના કેટલાય પ્રવાસી તારે પગલે ચાલશે, ને પોતાનું જીવન ઉજ્જવલ કરશે.

ઉપદેશકનું પોતાનું જીવન તેના ઉપદેશ પ્રમાણે ના હોય, તો તેની અસર કેવીક થાય ? કેટલાક માણસો સભામાં ધર્મ ને નીતિના મહત્વ પર ભાર મૂકે છે, પણ તેમનું જીવન અધર્મથી ભરેલું હોય છે તેથી તેમનું કથન ભાગ્યે જ અસરકારક બને છે. શ્રીકૃષ્ણ ભગવાનના ઉપદેશની વિશેષતા જ એ છે કે તે તેમના જીવન સાથે ઓતપ્રોત થઈ ગયેલી વસ્તુ છે. ભગવાન પોતે પૂર્ણ પુરૂષોત્તમ હતા. તેમને કર્મ કર્યા વિના ચાલે તેમ હતું, જીવનના પાછલા કાળમાં તે જંગલમાં જઈને બેસી શકે તેમ હતું, છતાં તેમ કરવાને બદલે તે અર્જુનનો રથ હાંકવા તૈયાર થયા હતા તે શું બતાવે છે ? એ જ કે જીવન દ્વારા બીજાના મંગલ માટે કામ કરવામાં તે સાચેસાચ માનતા હતા. જે વાતમાં તે માને છે, તે જ વાતનો ઉપદેશ તે અર્જુનને આપી રહ્યા છે. તેથી તે ઉપદેશ આટલો બધો અસરકારક બને છે.

ત્યારે જ્ઞાની ને અજ્ઞાનીના કર્મમાં કૈં ફેર ખરો ? ગીતા કહે છે કે અજ્ઞાની અહંભાવથી કર્મ કરે છે; પણ જ્ઞાનીને અહંભાવ નથી. અજ્ઞાની કર્મના ફલથી સુખી ને દુઃખી થાય છે; પણ જ્ઞાની કર્મના ફલમાં સમતા રાખે છે. અજ્ઞાની સંસારમાં ભાન ભૂલી કે ડૂબી જાય છે. જ્ઞાની તેમાં ડૂબતો નથી, પણ કમલની જેમ અલગ ને અલગ રહે છે. અજ્ઞાની કર્મના નશામાં આવી જઈને ભાન ભૂલી જાય છે. કર્મ શાને માટે છે તેને તે ભૂલી જાય છે. જીવનના ધ્યેયની તેને વિસ્મૃતિ થાય છે. જ્ઞાનીને કર્મનો કેફ ચડતો નથી. કર્મના નશામાં તે કદાપિ ભાન ભૂલતો નથી. આ સંસારમાં પોતાનું જીવન શાને માટે છે, ને પોતે શું કરવાનું છે, તેને તે યાદ રાખે છે. જીવનની સિદ્ધિ કે ઈશ્વરની પ્રાપ્તિ માટે તે કર્મ કરે છે, ને યોગ્ય કર્મ કરીને જીવનની સિદ્ધિ કરી લે છે. અજ્ઞાની કોઈ લૌકિક કામનાને પૂરી કરવા કર્મ કરે છે; પણ જ્ઞાનીનાં કર્મ ઈશ્વર માટે થતાં હોય છે. જ્ઞાની પ્રભુ પ્રીત્યર્થે જ કર્મ કરે છે. માણસ કર્મ કરે છે તેની ના નથી પણ તેણે જ્ઞાની બનીને કર્મ કરવાનાં છે, વિવેકને જાગ્રત રાખીને જ કર્મ કરવાનાં છે, માણસો કર્મ કરે છે, પણ વિવેકને ગીરો મૂકીને, ના કરવાના જેવા કામ પણ તે કરે છે. પરિણામે તેમને ને બીજાને તે કર્મો ક્લેશકારક થાય છે. માણસને તે મજબૂત બંધનમાં બાંધી દે છે, ને દુઃખ આપે છે. એટલે ગીતા કહે છે કે વિવેકપૂર્વક કર્મો કરો. જ્ઞાની પણ અજ્ઞાનીની પેઠે કર્મો કરશે, પણ તેનામાં વિવેક હોવાથી, કર્મો તેને બાંધી નહિ શકે. કર્મોની મદદથી તે કોઈ બંધન હશે તો તેને પણ કાપી નાખશે.

- શ્રી યોગેશ્વરજી