ચાર જાતના ભક્તોની વાત કરીને ભગવાન હવે એક બીજી વાત તરફ આપણું ધ્યાન ખેંચે છે. તે વાતને સમજવા માટે બીજી એક વાતનો વિચાર કરીએ. ધારો કે એક માબાપના ચાર પુત્રો છે. ચારે બુદ્ધિમાન છે પણ ચારેના સ્વભાવ જુદા જુદા છે. ચારે માબાપથી જુદા રહે છે. એકનો સ્વભાવ એવો છે કે જ્યારે દુઃખ પડે ત્યારે તે માબાપને વધારે યાદ કરે છે, ને માબાપ પાસે દોડી આવે છે. માબાપ ખૂબ માયાળુ છે, એટલે દુઃખના વખતમાં તેને બનતી મદદ કરે છે, ને ધીરજ તથા હિંમત પણ આપે છે. બીજો પુત્ર સુખી છે. તે પણ કોઈ કોઈવાર માબાપની મુલાકાત લે છે. પણ તેનું કારણ જુદું હોય છે. વાત એમ છે કે તેને નવું નવું જાણવાનો ને નવી નવી વાતો સાંભળવાનો શોખ છે. તેથી તે માબાપ પાસે આવે છે, ને નવી નવી માહિતી મેળવીને વિદાય થાય છે. ત્રીજો પુત્ર વળી જુદી જ જાતનો છે. તે પણ કોઈવાર માતાપિતા પાસે આવે છે પણ શા માટે તે જાણો છો ? દરેક વખતે કોઈ ને કોઈ વસ્તુ લઈ જવાની ઈચ્છાથી તે આવે છે. ખાવા, પીવા, લ્હેર કરવા ને જાય ત્યારે કોઈને કોઈ કામની વસ્તુ લઈ જવા માટે જ તે આવે છે. આ ત્રણે પુત્રો માબાપની સંભાળ લેતા નથી. ફક્ત પોતાના કામને માટે માબાપ પાસે આવે છે. માબાપને શું જોઈએ છે ને શી તકલીફ છે તેનો ખ્યાલ પણ રાખતા નથી ને તેમને કોઈ ખાસ કામ હોય, કે કોઈવાર બિમારી થઈ હોય, તો તે મોં જ બતાવતા નથી. પણ ચોથા પુત્રનો સ્વભાવ જરા જુદો છે. તે ગમે તેવું ભારે કામ આવી પડ્યું હોય, તો પણ માબાપ પાસે આવે છે. જોઈતી વસ્તુ લાવવી, ઘરમાં ગોઠવવી બધી જ જવાદારી તે ઉપાડે છે. તે કહે છે કે માબાપની સેવા ના કરીએ તો કોની કરીએ ? માબાપ તો દેવતા છે. તેમની સેવા કરવાનો બાળકનો ધર્મ છે. મારૂં જીવન ગમે તેટલું વૈભવી ને સુખી હોય, તો પણ માબાપની સેવા વિના નકામું છે. તેમની સેવાનો મંત્ર તો મને છેક બાળપણથી વારસામાં મળેલો છે. તેને કેમ ભૂલાય ? શ્વાસ રહેશે ત્યાં સુધી તેને ભૂલવાનું કામ તદ્દન અશક્ય છે.
હવે તમે વિચાર કરો કે એક માબાપના આ ચાર પુત્રોમાં સૌથી સમજદાર કોણ છે ? માબાપની પ્રત્યે વધારે ભક્તિભાવ કોનો છે ? માબાપની અંદર કોની નિષ્ઠા વધારે છે ને સૌથી શ્રેષ્ઠ પુત્ર કોણ છે ? માબાપની નજર તો સમાન છે. પોતાના બધા જ બાળકો પર તેમને સરખું હેત હોય એમ સમજી શકાય તેવું છે. પણ તેમના હૃદયને વધારે પ્રમાણમાં કોણ જીતી લેશે ? તેમનો પ્રાણ કોણ કહેવાશે ? કયા પુત્રનો પ્રાણ તેમનામાં વધારે ને નિયમિત લાગેલો રહેશે ? કયા બાળકને માટે તેમના અંતરમાં ઉમળકો આવશે ? કોને જોઈને તેમનો આનંદ વધારે પ્રમાણમાં ઊભરાશે ? તેમના પ્રેમનાં છાંટાં વધારે પ્રમાણમાં કોના પર પડશે ? કોણ તેમના દિલમાં સ્થાન કરશે ને તેમની સેવા ને કૃપાનો વધારે લાભ કોને મળશે ? તમે જરૂર કહેશો કે કેમ ? એમાં પૂછવા જેવું છે જ શું ? વધારે ચિંતા કરવાની પણ શી જરૂર છે ? કોઈ પણ જાતની કામના વિના સુખમાં ને દુઃખમાં સમજપૂર્વક માબાપની સેવા કરનારો છેલ્લો પુત્ર જ માબાપના દિલમાં ઘર કરશે, ને તેમના હૃદયને જીતી લેશે. છેલ્લો પુત્ર જ સૌથી શ્રેષ્ઠ છે. માબાપ પ્રત્યે તેની ભક્તિ વધારે છે. તેને જોઈને માબાપની સેવા ને કૃપાનો વધારે લાભ તેને જ મળશે.
આ વાત સમજાઈને ? જો સમજાઈ હશે તો આપણે જેનો વિચાર કરીએ છીએ તે ભગવાનની વાત તમે સહેલાઈથી સમજી શકશો. ભગવાન કહે છે કે હે અર્જુન, મારા ચાર જાતના ભક્તો છે. તે ચારેમાં જે જ્ઞાની ભક્ત છે તે મને વધારે પ્રિય છે ને તે સૌથી શ્રેષ્ઠ છે. બીજા બધા ભક્તો સારા છે, તેની ના નથી, પણ મારામાં એકનિષ્ઠ ભક્તિવાળો જ્ઞાની ભક્ત તો સૌથી ઉત્તમ છે. તે મારા પર સૌથી વધારે પ્રેમ રાખે છે. તેનું મન મારામાં જ રમ્યા કરે છે. મારું સેવન કરવું ને મારી ભક્તિ કરવી એ તેનો સ્વભાવ જ છે. તે વિના તેને ચેન જ નથી માટે હું પણ તેને મારા પ્રાણ જેવો માનું છું ને ખૂબ પ્રેમ કરું છું.
- શ્રી યોગેશ્વરજી

