Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સાતમા અધ્યાયને અંતે ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, જે મને અધિભૂત, અધિદેવ ને અધિયજ્ઞ સાથે જાણી લે છે, તે મારામાં મનને જોડીને જ્યારે શરીર છોડવાનો વખત આવે છે, ત્યારે મને જાણી ને પામી લે છે. એમાં બિલકુલ સંદેહ નથી. ભગવાને આ બધું કહેવા માટે એક શ્લોકનો જ ઉપયોગ કર્યો છે. પણ તે શ્લોકમાં એક બીજા નવા અધ્યાયનું બીજ રહેલું છે. ભગવાનની કળા જ એવી છે. તે કળાને શબ્દોના સુંદર રૂપમાં રજૂ કરનાર મહર્ષિ વ્યાસની કળા પણ એટલી જ અજબ છે. તેનો પરિચય આપણને ગીતામાં અનેક જગ્યાએ થઈ રહે છે. અહીં પણ આપણને એ જ કળાનું દર્શન થાય છે. સાતમો અધ્યાય પૂરો થાય છે ત્યારે જે શ્લોક આવે છે તે અર્જુનને એકવાર ફરી વિચાર કરતો કરી મૂકે છે. કેમ કે તે શ્લોકમાં જે શબ્દો વપરાયા છે તે અર્જુનથી તદ્દન અજાણ્યા છે. તે શબ્દોનો અર્થ સમજવાનું અર્જુન માટે મુશ્કેલ થઈ પડે છે. એ મુશ્કેલીની ઝાંખી આઠમા અધ્યાયની શરૂઆતમાં સહેલાઈથી થઈ શકે છે.

પોતાની મુશ્કેલી દૂર કરવાની પ્રાર્થના કરતા અર્જુન પૂછે છે કે, હે પ્રભો, (૧) બ્રહ્મ શું છે ? (૨) અધ્યાત્મ શું છે ? (૩) કર્મ શું છે ? (૪) અધિભૂત કોને કહેવાય ? (૫) અધિદૈવ ને અધિયજ્ઞ પણ કોને કહેવાય ? ને (૬) પોતાની જાતનો સંયમ કરનારા માણસો શરીરને છોડતી વખતે તમને કેવી રીતે જાણે છે ? હે મધુસુદન, જેમ તમે અધર્મી ને અત્યાચારી માણસોનો નાશ કરવામાં કુશળ છો, તેમ ભક્તોના અજ્ઞાનનો નાશ કરવામાં પણ કુશળ છો. ભક્તોની વિપત્તિ ને મૂંઝવણને દૂર કરવાની કળા તમે સારી રીતે જાણો છો. ભક્તોને શાંતિ આપવી ને બધી જાતની શંકાથી મુક્ત કરવા એ તો તમારો સ્વભાવ છે, ને તમારો પ્રિય વ્યવસાય છે. માટે મારી મુશ્કેલી દૂર કરો ને મને ખુલાસો કરીને શાંતિ આપો. જોયું ? ગીતાનો વિચાર બરાબર સાવધાન રહીને કરો છો ને ? સાવધાન હશો તો તરત સમજી શકશો કે કુરૂક્ષેત્રના મેદાનમાં લડવા આવેલો અર્જુન જીવનના રહસ્યમય જંગને જીતવાની કળા શીખતો જાય છે, ને ભગવાનનો નમ્ર શિષ્ય થઈને જ્ઞાનવિજ્ઞાન ને ભક્તોની કોલેજમાં નવા નવા પાઠ લેતો જાય છે. તેના પાઠ માનવ જાતિને માટે કેટલા ઉપયોગી છે તે આપણે જાણીએ છીએ.

અર્જુનના પ્રશ્નોના ટૂંકા ઉત્તરમાં ભગવાન કહે છે કે (૧) જે પરમ અવિનાશી પરમાત્મા છે તે બ્રહ્મ કહેવાય છે. (૨) તેમનો જે સહજ સ્વભાવ તે અધ્યાત્મ કહેવાય છે. (૩) જે વિનાશી વસ્તુ છે તે અધિભૂત કહેવાય છે. (૪) અવિનાશી આત્મા અધિદૈવ છે. તે જુદા જુદા શરીરધારીઓનાં શરીરમાં હું અધિયજ્ઞ થઈને રહેલો છું. તે પછી, શું કરવાથી માણસને મૃત્યુ પછી ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય તે વિશે થોડો પ્રકાશ ફેંકે છે.

- શ્રી યોગેશ્વરજી