Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
ભારતમાની રક્ષા કાજે કરશું યત્ન તમામ,
આરામ તથા ભોગ ગણીને કાયમ કાજ હરામ.

ભલે છવાયાં ચારે પાસે,
વાદળ વ્યોમે વણચોમાસે,
વિખેરીને પ્રકટાવીશું સૂરજ લઈ દમામ ! ... ભારતમાની

લેશ નથી આફતથી ડરતાં,
અટ્ટહાસ છો વિઘ્નો કરતાં;
પોલાદી પ્રાણ બનાવીને ધપશું દિનને યામ ... ભારતમાની

માં ભલે ઉછાળા મારે,
કરાળ આવે તેમજ કાળે;
એ સૌના પર કૂચ કરીને જશું સ્થળે અભિરામ ... ભારતમાની

વિતી ગઈ સ્વપ્નની વેળા,
કરીએ હવે ચોકી પહેરા;
કોઈ કાળે, કોઈ અમને કરશે નહીં ગુલામ ... ભારતમાની

પ્યાલા ઘણા સુધાના પીધા,
જામ હવે સોમલના દીધા;
પાન કરીશું નીલકંઠશા બનતાં આતમરામ ... ભારતમાની

- શ્રી યોગેશ્વરજી