હઠો હઠો ઓ યુદ્ધખોર, અન્યના પ્રદેશ-ચોર,
ચાહતા હો જિંદગી, વધો નહીં અમારી ઓર !
દેશ ભવ્ય ભારતે અમે ધર્યો પવિત્ર જન્મ,
યાદ છે અમારો ધર્મ, રાષ્ટ્રચેતનાનો મર્મ,
કરોડ માનવી મળ્યા, સશસ્ત્ર મોરચે વળ્યા,
નથી તમારી ખેર, શેરશા અમે બધા બન્યા.
ના પ્રદેશ-લાલસા અમે જરા ય સેવતા,
શસ્ત્રનાચ નગ્ન ના અમે ખરે જ ખેલતા,
છતાં તમે જ સૂત્રધાર શસ્ત્રયુધ્ધના થયા,
પરંતુ જાણતા નથી, અને જઈશું ના ડર્યા. ... હઠો હઠો
પ્રજા અમારી શાંતિવાદી, ના પરંતુ તે ડરે,
સમસ્ત એક છે થઈ કટોકટીતણી પળે,
ન ઝંપશે જરીય એ, હઠો તમે ન જ્યાં લગી,
હઠાવશે, ન યંત્રણા કે વિઘ્નથી જશે ડગી. ... હઠો હઠો
દેશદાઝની અનંત આગમાં તમે નહીં,
બચી શકો, રહી શકો, જલી જશો બધા કહીં,
વીર છે પ્રજા અમારી, રોષમાં ઉભી થઈ,
ચહો જો ક્ષેમ તો છુપાવ દોડતા હવે જઈ ! ... હઠો હઠો.
દ્રઢ-પ્રતિજ્ઞ રક્ષવા અમારા દેશને અમે,
જરૂર જાણજો, ન ફાવશે કે જંગમાં તમે,
દિવાલ વજ્રની અભેદ્યશી અમે બની રહ્યા,
મરી જશો, પ્રચંડ કાળરૂપ સૌ બની ગયા ! ... હઠો હઠો.
- શ્રી યોગેશ્વરજી

