Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અભય મઠ, દહેરાદુન
તા. ૫ ઓકટો. ૧૯૪૩

પરમ પ્રિય ભાઈશ્રી,

તારો પત્ર મને આજે જ મળ્યો. સર્વ વાત જાણી. પત્ર મોડો લખાય તેનું કાંઈ નહિ. અનુકૂળ સમયે લખતા રહેવું. આપણો સંબંધ કાંઈ અક્ષરોમાં ઓછો મર્યાદિત થઈ જાય છે ? એ તો અનેરો સંબંધ છે.

સત્યં શિવં સુંદરમ્ । સત્યં જ્ઞાનમનન્તં બ્રહ્મ । ..વગેરે. શ્રુતિઓ કહે છે કે ઈશ્વર પ્રેમમય, સત્યમય ને શુદ્ધિમય છે. એટલે જે કોઈ પ્રેમની, સત્યની કે પવિત્રતાની પૂજા કરે છે તે ઈશ્વરની જ પૂજા કરે છે, ને જેટલા પ્રમાણમાં જે પ્રેમ, પાવિત્ર્ય કે સત્યની સમીપ જાય છે તેટલા જ પ્રમાણમાં તે ઈશ્વરની પાસે પહોંચે છે. આપણે બારીકાઈથી જોઈશું તો પ્રેમ, સત્ય ને પાવિત્ર્ય રૂપે રહેલા ઈશ્વરને આપણે ઠેર ઠેર અનુભવી શકીએ છીએ. સંસારમાં રહેનાર માણસને પણ આવા અનેક અવસર મળી રહે છે. પરંતુ તેને સમજનારા થોડા જ હોય છે. ને આને લીધે જ મોહ ને દુ:ખની ઈન્દ્રજાળ ઊભી થાય છે. જે દિવસે આપણે સૌન્દર્ય, સત્ય ને પ્રેમને ઈશ્વરનાં સ્વરૂપ સમજતા થઈ જઈશું તે દિવસે આપણું જીવન પલટાઈ જશે. સંસારમાં પણ આપણે ઈશ્વરને અનુભવી શકીશું અને કૃતકૃત્ય થઈશું. કેમકે આપણે જાણીશું કે પ્રત્યેક પુરુષ કે સ્ત્રીમાં રહેલું સૌન્દર્ય, પાવિત્ર્ય ને સત્ય ઈશ્વરનું રૂપ છે ને તેને પૂજવામાં ઈશ્વરની પૂજા ને તેને મારવામાં કે વિકૃત કરવામાં ઈશ્વરનું કે આપણું જ અપમાન રહેલું છે. આ દૃષ્ટિ આવતાં આપણી ત્રુટિઓ ને વિકૃતિઓ ક્ષણમાત્રમાં ચાલી જશે ને આપણે ખરેખર આનંદનો અનુભવ કરી શકીશું. આ વિચારસરણી પ્રમાણે ‘સરસ્વતી એ જગદંબા કે ભગવતી છે, આદ્યશક્તિનું જ પ્રતિરૂપ છે, ને તેનામાં જે પવિત્રતા, સૌન્દર્ય કે પ્રેમનું તત્વ રહેલું છે તે તેની જ વિભૂતિ છે’ આમ મનન કરવાથી બ્રહ્મચર્યને ખૂબ સહાય મળશે. તારા પ્રયત્ન ખરેખર પ્રશંસનીય ને મહાન છે. સંસારી જીવનમાં રહીને તું જરૂર સંયમ રાખી શકીશ ને જીવનને ઊર્ધ્વગામી બનાવીશ. ઈશ્વર એ માટે બળ આપશે. હું એક સુંદર પરિચય આપું : અહીં એક જોશીજી કરીને વ્યક્તિ છે. ખૂબ પ્રેમી છે. નમ્ર પણ તેટલા જ છે. સારી સ્થિતિએ પહોંચેલા છે. મુખ્ય વાત તો એ છે કે તેઓ ગૃહસ્થી છે ને ગૃહસ્થ જીવનમાં રહીને તેઓ આવી સારી સાધના કરી રહ્યા છે. તેમનો પરિચય મને ઋષિકેશમાં થયેલો. ત્યારથી પ્રેમ પણ પારસ્પરિક થયેલો. ને આજે અમારો સંબંધ ઘણો જ મિત્રતાભર્યો છે. તેમના લખવાથી જ હું અહીં આવ્યો છું. એ તો બધું ઠીક, પરંતુ તેમની આવી સાધનાના મૂળમાં શું રહેલું છે તે ખબર છે ? તેમના કહેવા પ્રમાણે તેઓ લગભગ બાર વરસથી બ્રહ્મચર્ય પાળી રહ્યા છે ને આ સાધનામાં લાગ્યા છે. અલબત્ત, આવા આત્માઓ પર ઈશ્વર અનુગ્રહ કરે જ છે ને તેમને સ્ત્રી પણ તેવી જ સારી મળી છે. આમની સાથે મારે જે રહસ્યમય વાત થઈ છે તે હું તારી આગળ વ્યક્ત કરું છું :

‘ભક્તિની સીમા તો દર્શનમાં જ છે, ખરું ને ?’

‘હા.’

‘તો તમને દર્શન થયું છે ?’

‘હા.’

‘કેવી રીતે ?’

‘પહેલાં તો જ્યોતિ દેખાઈ. પછી દર્શન થયું.’

‘પણ કેટલાકને તો કહે છે ને કાંઈ માગ. તમને તેવું કહ્યું ખરું ?’

‘હા મને કહ્યું.’

‘તમે શું માગ્યું ?’

‘મને કહ્યું, તારે શું જોઈએ ? મેં કહ્યું, કાંઈ નહિ. વળી પૂછ્યું, તારે શું જોઈએ ? મેં કહ્યું : મારે સર્વ કાંઈ જોઈએ.’

‘બસ ?’

‘હા. આ તમારી આગળ જ પહેલી વાર વ્યક્ત કરું છું. આવી રહસ્યમય વાત મેં કોઈને કરી નથી.’

‘સારું છે. ઈશ્વરનો અનુગ્રહ છે. તેની ઈચ્છા જ તમને બોલાવી રહી છે.’

‘તો તમને એક જ વાર દર્શન થયું ?’

‘ના. ત્રણ વાર.  પહેલાં ભગવતીનું, પછી કમલનું ને પછી કૃષ્ણનું.’

‘દર્શન વખતે તમારી સ્થિતિ કેવી હતી ?’

‘ખૂબ વ્યાકુળ. પહેલાં દેહથી પર ને પછી જાગૃત.’

થોડી વાર પછી મેં પૂછ્યું:

‘રામકૃષ્ણદેવ તો હર ક્ષણે કાલી સાથે વાત કરી શકતા, રહેતા, તમે તેમ કરી શકો છો ?

‘હું તેને પોકારું તો ઉત્તર મળે છે.’

‘બીજો કોઈ અનુભવ ?’

‘હું કહું ? કોઈને કહેશો નહિ. ગૌરાંગ પ્રભુ મને દેખાયા છે.’

‘જાગ્રતમાં ?’

‘હા. વિવેકાનંદ, મહમદ તથા ઈશુને પણ જોયા છે.’

‘રામકૃષ્ણદેવને જોયા છે ? તેઓ તો અલૌકિક હતા.’

‘ના. તેમને નથી જોયા. પણ ધ્યાનાવસ્થામાં કે જપ કરવા બેસતાં તેમની આકૃતિ આવે છે.’

થોડી વાર પછી તેઓ પાછા બોલ્યા પણ તમને સાચું કહું ? મને સંતોષ નથી. કેમ નથી કહું. મને ઈશુનું દર્શન થયું છે, બધું થયું છે, પણ મને થાય છે કે હું તેમના જેવો કેમ થઈ શકતો નથી. તેમને જોતી વખતે મારી જે ધ્યાનાવસ્થામાં સ્થિતિ હોય છે તે કાયમ કેમ નથી રહેતી ? હું જોઈ શકું છું કે જાગ્રતાવસ્થામાં મારી સ્થિતિ પડી જાય છે.

એ જ ખરું છે. હું ધારું છું કે એ જ સાધનાની પરિસીમા હશે. મનુષ્યમાંથી દેવત્વ અને પ્રભુત્વ. રામકૃષ્ણદેવની સ્થિતિ તેવી જ હતી. તેઓ ધારતા તે કરતા. તેમની વિશેષતાઓ અજબ હતી. કોઈ શિષ્ય તેમની પાસે પ્રાર્થના કરતો કે દેવ, મને સમાધિ આપો. તો તે તેને તે સ્થિતિ આપતા. વિવેકાનંદ ને બીજા ઘણા સાધકોના જીવન આની સાક્ષીરૂપ છે. એક વાર એક સાધકે તેમની પાસે સમાધિ માટે પ્રાર્થના કરી. તેનું મન સંસારી હતું. એટલે સમાધિ પ્રાપ્ત થતાં જ તે બૂમ પાડી ઉઠ્યો : ‘અરે, આ શું ? મારે તો છોકરા, બધું છે. હું આ અવસ્થાને શું કરું ?’ રામકૃષ્ણદેવે તેને તરત જ નીચે ઉતાર્યો. આવા અયોગ્ય માણસની પ્રાર્થના પણ તેમણે સાંભળી.

‘ઈશુની વાત પણ છે ને! એક વાર તે એક ઠેકાણેથી જતા હતા. કેટલાક કોઢિયા માણસો સમજ્યા કે ઈશુને અડવાથી અમારો કોઢ દૂર થઈ જશે. તે તેને અડ્યા. તેમનો કોઢ જતો પણ રહ્યો.’

‘એવી દિવ્યતા આવે ત્યારે જ ખરું. અરવિંદ પણ આ માને છે. એ સ્થિતિ ના આવે ત્યાં સુધી કોઈ પણ જાતની આશ્રમાદિક પ્રવૃત્તિનો વિચાર ન કરવો ઘટે. એ આવશે ત્યારે સાધકોને શીખવવું નહિ પડે. તેઓ તમારા અનુગ્રહ માત્રથી જ જોઈતું મેળવી લેશે.

‘ને એટલે જ મેં કહ્યું કે મને અસંતોષ છે. પણ મેં આટલું બધું આ પહેલી જ વાર કહ્યું છે.’

‘બહુ સારું છે. મને પણ તમારા જીવન વિષે બહુ જાણવા મળ્યું.’

અલબત્ત, એમનામાં થોડી નિવૃત્તિ લાગે તેવી વિચિત્રતાઓ પણ છે. તેનું કારણ એ છે કે તેમની સાધના તાંત્રિક જેવી વધારે છે. ને આ જ કારણથી એક ભક્ત હૃદયમાં જણાતી મસ્તી, તલ્લીનતા, ભક્તિ, આવું તેમનામાં ખાસ જણાતું નથી. જેઓ ભક્તિમાં આરૂઢ થઈને વધે છે તેમનું તો સારું કલેવર બદલાઈ જાય છે. પરંતુ તાંત્રિક કે મંત્રાદિ સાધન જે કરે છે તેમનું હૃદય પૂર્ણ પલટાયું હોય છે જ એમ નથી. આવી સારી સાધના તેઓ કરી શક્યા છે તેના મૂળમાં બ્રહ્મચર્ય ને ઈશ્વરને સર્વસમર્પણ એ બે રહેલાં છે એમ તેમનું કહેવું છે. પ્રસંગ નીકળતાં આટલું લખાયું છે.

પ્રાણાયામને માટે આ સમય અનુકૂળ છે. નવરાત્રી-કાર્તિકથી અનુકૂળ ઋતુ શરૂ થાય છે. પરંતુ તે કોઈ યોગ્ય માણસની દૃષ્ટિ સામે જ થવા જોઈએ નહિ તો નુકશાન કરે. સંધ્યા સમયે કરાતા પ્રાણાયામ એમ ને એમ કરી શકાય છે. શિર્ષાસન કરવાનું રાખવું. ખૂબ ફાયદાકારક છે. ૦॥ કલાક સુધી કરવું. પેટ સાફ હોય તો સ્નાન કર્યા વિના કરવું સારું છે. તે પછી સર્વાંગાસન ને પશ્ચિમોત્તાનાસન (પગ લાંબા કરી અંગુઠા પકડી નાક ઘુંટણે લગાડવું ) કરવું. એથી લોહીનું ભ્રમણ સારી રીતે થાય છે.

દિનચર્યા કેમ ચાલે છે ? સાદો ને અલ્પ આહાર, ઉમદા વિચાર ને સાર્વત્રિક પ્રેમ જીવનને દૈવી બનાવે છે ને જ્યાં આ વસ્તુઓ હોય છે ત્યાં જ ઈશ્વર આસન માંડે છે કેમકે આજ તેની ભૂમિકા છે.-ૐ