પ્રશ્ન : એકલા જ્ઞાનથી શાંતિ ના થાય ? 'હું બ્રહ્મ છું.’ એમ માનવાથી જ શું મુક્તિ નથી મળતી ?
ઉત્તર : જ્ઞાન કેવળ સમજવા પૂરતું હોય પરંતુ આચારમાં ઊતરેલું ના હોય તો શાંતિ થવી મુશ્કેલ છે. પોતાની જાતને બ્રહ્મ માની લો પણ કામ, ક્રોધ ને અહંતા-મમતા કે વિષયોની આસક્તિ હટી ના હોય, તો મુક્તિ ક્યાંથી કહેવાય ? દુર્ગુણો તથા વિષય ને વાસનાના દુષ્ટ બંધનમાંથી માણસે છૂટવાનું છે. ત્યારે જ મુક્તિ મળી શકે, ને ઈશ્વરતુલ્ય બની શકાય. પોતાને ઈશ્વર માનવાથી ઈશ્વર થઈ જવાતું નથી, પણ ઈશ્વરત્વ કેળવવાથી જ તેમ થઈ શકે છે. તે વિના શાંતિ મળી શકતી નથી.
રાંધણ કળાની ચોપડી આવે છે. તેમાં દૂધપાક, પૂરી, શ્રીખંડ વિગેરે કેમ બનાવવું તે વર્ણવ્યું હોય છે. પણ તે વાંચી કે સમજીને બેસી રહેવાથી કાંઈ ઓડકાર આવે કે ભૂખ શમે ? જઠરાગ્નિને તૃપ્ત કરવા માટે તો તે પ્રમાણે પાકશાળામાં જઈને વાનગી બનાવવી જોઈએ. તે વિના સ્વાદ કે શાંતિ મળે નહિ. વળી દરદ થયું છે પણ સુશ્રુત, ચરક કે નાગાર્જુનના ગ્રંથ વાંચીને બેસી રહેવાથી તે જાય ખરું ? તેને મટાડવા માટે તે પ્રમાણે દવા કરવી જોઈએ. જ્ઞાનનું પણ તેવું જ છે. સદ્ ગુરૂ દ્વારા જ્ઞાનને સાંભળ્યા કે વાંચ્યા વિચાર્યા પછી તે પ્રમાણે વર્તન કરવું જોઈએ. બ્રહ્મતત્વને અનુભવવા ધ્યાન, ધારણા કે ભક્તિ કરવી જોઈએ. તે વિના શાંતિ કે મુક્તિ મળે નહીં, ભૂખ પણ ભાગે નહીં.
બહુ વાંચવાની જરૂર નથી. બહુ ભાર ભેગો કરીને શું કરવું છે ? જેટલું પણ જાણો છો તે પ્રમાણે વર્તવા માંડો. તમારી ભૂલો શોધો ને તેમને દૂર કરો. જપ, ધ્યાન કરવા માંડો, આવી રીતે જ તમે ઈશ્વરની પાસે પહોંચીને મુક્ત બની શકશો. યાદ રાખજો કે જ્ઞાનનું અભિમાન બહુ મોટું છે. બધું છોડાય પણ તે છોડવું કપરું છે. આ અભિમાન માણસની આડે દરેક વખતે આવે છે. તે જપ કરવા બેસે તો આ જ અભિમાન વચ્ચે આવીને તેને કહે, 'હું તો બ્રહ્મ છું. મારે વળી જપ શા ?’ ને માણસ જપ નહિ કરે. તે ધ્યાનમાં બેસશે તો અભિમાન કહેશે, 'હું તો પરમાત્મા સ્વરૂપ છું. મારે કોનું ધ્યાન કરવાનું ?’ આમ અભિમાનવશ થઈ એ જ્ઞાની ધ્યાન જપ, તપ કે કીર્તન કાંઈ જ નહિ કરે. છતાં તેની વાસના ને વિષયાસક્તિ તો ચાલુ જ રહેશે. તો શું બ્રહ્મ તમારા જેવો અલ્પ, નિર્બળ, ક્રોધી, કામી ને અભિમાની છે ? જ્ઞાનના આવા અભિમાનથી સદા દૂર રહેજો. એનાથી ખૂબ ચેતતા રહેજો. નહિ તો તે તારવાને બદલે ડુબાડશે, મુક્ત કરવાને બદલે બંધનમાં નાખશે. જીવનમાં જે કર્મ કરશો તેનું ફળ મળવાનું છે તે માટે કેવળ વિચારના જ્ઞાની બનવા કરતાં જીવનના આચરણના અનુભવસિદ્ધ જ્ઞાની બનો.
પ્રશ્ન : જ્ઞાની કે ભક્તપુરૂષના મહત્વના બે-ત્રણ લક્ષણ કયાં ?
ઉત્તર : મારી દ્રષ્ટિએ જ્ઞાની કે ભક્તમાં સૌથી પ્રથમ મહત્વનું લક્ષણ ચિત્તની સ્થિરતા છે. અનેક પ્રક્રિયા કર્યા પછી આ સ્થિરતા સાધી શકાય છે. કામ, ક્રોધ, અભિમાન જ્યારે દૂર થઈ જાય ને પ્રેમ, દયા તથા નમ્રતાનો આવિર્ભાવ થાય ત્યારે આવી સ્થિરતા આવે છે. આવા સ્થિર ચિત્તવાળો પુરૂષ સુખદુઃખ, નિંદા, સ્તુતિ કે સારામાઠા પ્રસંગોમાં શાંત રહી શકે છે. તેની ચંચળતા દૂર થઈ ગઈ હોય છે. ગીતામાં જેને દૈવી સંપત્તિ કહી છે તેની પ્રાપ્તિ વિના આ સ્થિરતા સાધી શકાતી નથી. મનની સ્થિરતા વિના ધ્યાન, નિદિધ્યાસન, ઉપાસના કે અખંડ જપ કશું જ થઈ શકતું નથી પવન વિનાના સ્થળમાં દીવો હાલતો નથી તેવી અવસ્થા સ્થિરતા પ્રાપ્ત પુરૂષના મનની હોય છે.
આ પછી બીજું મહત્વનું લક્ષણ સમતાનું છે. ભક્ત કે જ્ઞાની બધે જ પરમાત્માનું દર્શન કરે છે. કેવળ મનુષ્યમાં જ નહિ, જડમાં ને પશુપક્ષીમાં પણ તે ઈશ્વરને જુએ છે. જુદાં જુદાં નામ ને રૂપની અંદર અંતરાત્મારૂપે જે ઈશ્વર રહ્યો છે, તેનું તે દર્શન કરે છે આથી તેમનામાં ભેદભાવ કે રાગદ્વેષ જાગી શકતા નથી. ભેદ હોય તો જ કોઈ પ્રત્યે રાગ ને કોઈ પ્રત્યે દ્વેષ થાય. જ્યાં એક ઈશ્વર જ વિવિધ વેશમાં વિલસી રહ્યો છે ત્યાં કોના પ્રત્યે રાગ ને કોના પર દ્વેષ ? તેને મોહ પામવાનું પણ ક્યાં રહ્યું ? સ્ત્રીના હાડચામમાં તે આસક્ત થતો નથી. પણ તેનામાં રહેલ શક્તિરૂપી પ્રભુને નિહાળી તે અભેદ સાધે છે. બ્રાહ્મણ, ગાય, હાથી ને કૂતરો કે ચાંડાલ સૌમાં આ જ્ઞાની કે ભક્ત ઈશ્વરી પ્રકાશને જુએ છે.
ત્રીજું લક્ષણ મુક્તિનું છે. ઈશ્વરનું દર્શન કર્યું હોવાથી ભક્ત સદા માટે ગુણ કે કર્મના વિકાર ને બંધનમાંથી મુક્ત થઈ જાય છે. સર્વ કાંઈ પ્રભુનું જ છે, સર્વ કાંઈ પ્રભુ જ છે, એ ભાવમાં સ્થિતિ થવાથી તેની અહંતા ને મમતા ઓગાળી જાય છે. જ્ઞાની પણ આત્મ સાક્ષાત્કાર કરીને સર્વત્ર આત્માનું દર્શન કરે છે. તે પણ અહંતા મમતાથી ને પ્રકૃતિના ગુણધર્મોથી મુક્ત થાય છે. આ મુક્તિથી જ પરમાનંદ, સનાતન શાંતિ કે ધન્યતા મળે છે. આને જ પરમ પદ કહેલું છે.