સુખશાંતિના સર્વોચ્ચ સિંહાસન પર બેસીને આજે તો હું કૃતાર્થતાનું ગૌરવગીત ગાઈ રહ્યો છું. અંતરમાં આનંદ છે ને પ્રાણમાં પ્રકાશ. રોમેરોમમાં રસના રાસ રમાઈ રહ્યા છે. અંગાંગમાં અલૌકિકતાની આરતિનું અજવાળું, દૃષ્ટિમાં દિવ્યતા, વાણીમાં વહાલની વર્ષા, સ્પર્શમાં સુધાસીંચન, ને શ્રવણમાં તમારો સંગીતસ્વાદ. તમારા પ્રેમ પીયૂષથી પુલકિત, પ્રસન્ન ને પાવન પ્રાણ તમારી કૃતજ્ઞતાની કવિતા કવ્યા કરે છે. કોઈ બંધન નથી, શોક નથી, ચિંતા કે વ્યથા નથી, ને નથી કોઈ ભય. સ્વતંત્રતા ને સમુન્નતિના સ્વર્ગીય સિંહાસન પર બેસીને, જીવનના સાફલ્યના સુસ્વર છોડી રહ્યો છું. સંસારની સફરના સાફલ્યનું સનાતન સંગીત છોડી રહ્યો છું.
આ આસ્વાદમાં ઓતપ્રોત બનીને મારું સર્વકાંઈ સફળ બન્યું છે, ને ધન્ય થયું છે એ સાચું; પરંતુ પૃથ્વીમાં પીડા છે, દર્દ છે, દુઃખ છે, અશાંતિ છે, બંધન છે, ને વેદનાની વીણા વાગે છે, ત્યારે મારા જ જીવનના મધુમય મહોત્સવની મીઠાશ માણીને હું બેસી નહિ રહું; પરંતુ બીડાયેલાં પદ્મદલને પ્રકટાવનારા સૂર્યકિરણની જેમ, જડ ને ચેતનને નવજીવનનું દાન દેનાર વસંતની જેમ, અથવા તો સ્વયં સંતપ્ત બનીને વાદળરૂપે રસ ને કસની વર્ષા કરનારા સાગરની જેમ, મારું સર્વસ્વ લઈને, સંસારની સુશ્રૂષાની શરૂઆત કરીશ; ને જગતમાં જ્યારે વેર, ઝેર, દુઃખ, દર્દ, શોક કે શોષણ, ને બંધન ને ક્રંદન નહિ રહે, ત્યારે જ મારા મહોત્સવને સંપૂર્ણ ગણીશ, અને આનંદિત અંતરે કવિતામાં કરોડોની કૃતાર્થતા વણીશ. એ દિવસે હું અનંત આનંદમાં એકાકાર બનીશ.
- શ્રી યોગેશ્વરજી
* * *
सुख-शांति के सर्वोच्च सिंहासन पर बैठकर आज तो कृतार्थता का गौरव-गीत गा रहा हूँ । अंतर में आनंद है और प्राण में प्रकाश । रोम-रोम में रस के रास हो रहे हैं । अंग-अंग में अलौकिकता की आरती का आलोक; दृष्टि में दिव्यता; वाणी में प्यार की वर्षा; स्पर्श में सुधासिंचन; और श्रवण में तुम्हारा संगीत-स्वाद । तुम्हारे प्रेमपीयूष से पुलकित, प्रसन्न, पावन प्राण तुम्हारी कृतज्ञताकी कविता करते रहते हैं । कोई बंधन नहीं, शोक नहीं, चिंता या व्यथा नहीं, और नहीं है कोई भय । स्वतंत्रता और समुन्नति के स्वर्गीय सिंहासन पर बैठकर, जीवन-साफल्य के सुस्वर छेड़ रहा हो; संसार के सफर के साफल्य का सनातन संगीत छेड़ रहा हो ।
इस आस्वाद में ओतप्रोत बनकर मेरा सब कुछ सफल और धन्य हुआ है, इसमें संशय नहीं; किन्तु पृथ्वी में पीड़ा है, दर्द है, दुःख है, अशांति है, बंधन है और वेदना की वीणा बजती है, तब केवल मेरे ही जीवन के मधुमय महोत्सव की माधुरी मनाकर मैं बेठा नहीं रहूँगा; परंतु बद्ध पद्मदल को प्रकट करनेवाले सूर्य-किरण की तरह, जड़ को चेतन और नवजीवन का दान देनेवाली वसंत की तरह, अथवा स्वयं संतप्त बनकर बादल के रूप में रस की वर्षा करनेवाले सिन्धु की तरह, मेरा सर्वस्व लेकर, संसार की शुश्रूषा की शुरूआत करुँगा । और जगत में जब विष, विद्वेष, दुःख, दर्द, शोक, शोषण, बंधन, क्रंदन नहीं रहेंगे, तभी अपने महोत्सव को संपूर्ण समझूँगा, और आनंदित अतंर से कविता में करोड़ों की कृतार्थता भरूँगा । उस दिन को मैं अनंत आनंद में एकाकर बनूँगा ।