Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ખરે બપોરે મારા એકાંત આશ્રમની બહાર મોટો અવાજ થયો, બહાર આવીને જોયું તો સામેના પર્વત પરથી પત્થર પડતાં હતાં, તેના વિચારમાં મશગૂલ હતો, ત્યાં વાદળાં ગડગડાટ કરી ઉઠ્યાં.

ગડગડાટમાં તેમણે મને કહ્યું: ‘ભાઈ, અમારું રૂપ કાળું છું. કેમ કે અમારે પારાવાર સંકટનો સામનો કરવો પડ્યો છે. વળી અમારા ઉદરનિર્વાહ માટે અમારે બીજાનો આધાર લેવો પડ્યો છે. છતાં પણ આજે અમે આઝાદ છીએ.’

‘પરંતુ આટલે ઊંચે ચઢવા છતાં તમે મને ભૂલ્યાં નથી એ આશ્ચર્યકારક છે.’ મેં કહેવા માંડ્યું.

‘એમાં આશ્ચર્ય જેવું કાંઈ જ નથી.’ તેમણે ઉત્તર આપ્યો: ‘ધરતી અમારી માતા છે ને માતાને અમે ભૂલવા માંગતા નથી, એ જ અમારું રહસ્ય છે. એને યાદ રાખીને તમે પણ અમારી જેમ ઉપર ચઢજો, અમારાથીયે વધારે ચઢજો, પણ માતાને ભૂલવા જેટલા કૃતઘ્ની ના થશો – એ જ અમારો સંદેશ છે.’

ને એટલું કહીને તે ધરતીમાતા પર વરસવા માંડ્યા.

- શ્રી યોગેશ્વરજી