આંખને ફોડી નાખવાથી જો અવિકારી થવાતું હોત તો તો આંધળાને વિકાર થાત જ નહીં. પણ દુનિયામાં એવું દેખાતું નથી.
કેમ કે વિકારનું મૂળ કારણ મન છે. તેને સુધાર્યા વિના હે સાધક, સંશુદ્ધિની પરમ સીમાએ પહોંચીને તું સિદ્ધિની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે? વિકારનું મૂળ મન છે. માટે જ તને ભલામણ કરું છું કે આંખને ફોડવાની ને નવા જનમમાં અંધ બનીને જનમવાની વિચારધારાનો ત્યાગ કરી દે. એવી વિચારધારાથી અવિકારી બનવાનો હેતુ નહીં સરે. મનને વિવેકી કરીને પ્રભુના પ્રેમપ્રકાશે ભરી દે. હે સાધક, તારી આંખમાં પ્રેમનું અમૃતમય અંજન આંજી દે.
આંખને ફાડી નાખવાથી જો અવિકારી થવાતું હોત તો સૌથી પહેલાં હું તેને ફોડી નાખત. પણ મારો માર્ગ તેવો નથી. હું તો ઉઘાડી આંખે જ અવિકારી થવાને સારીયે સૃષ્ટિમાં પ્રેમરૂપી પ્રભુનું દર્શન કરવા માંગું છું. મારી વાત પર વિચાર કરીને તું પણ પ્રેમરૂપી પ્રભુનું દર્શન કરી લે; હે સાધક, અવિકારી બની જા.
- શ્રી યોગેશ્વરજી