એક મિત્રે કહ્યું :
‘તાપનો પાર ન હતો. માણસ ને પશુપંખી બળુબળુ થઈ રહ્યાં હતા, ને ધરતીનો ઉકળાટ માતો ન હતો. એટલામાં તો વાદળ એકઠાં થયાં, ચપલા ચમકવા માંડી, ઠંડો પવન શરૂ થયો ને વરસાદ વરસવા માંડ્યો. બધે ઠંડક થઈ ગઈ, ને પાણી ભરાઈ ગયું. કુદરતની કેવી લીલા છે!’
બીજાએ ઉત્તર આપ્યો:
‘કુદરતની લીલા એવી જ અજબ છે. એ પ્રમાણે નિરાશામય જીવનને આશામાં પલટાવવું, તાપથી તપેલા અંતરને શીતળ કરવું ને અંધકારમય મનને પ્રકાશથી ભરપૂર કરવાનું પણ ક્યાં કપરું છે? આજે જ્યાં તાપ ને વિષાદ છે, ત્યાં શાંતિ, શીતળતા ને આનંદ ક્યારે પ્રગટી ઉઠશે તે કહેવાય નહીં. માટે જ માનવે પુરુષાર્થી ને આશાવાદી થવું જોઈએ.’
- શ્રી યોગેશ્વરજી