Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભાવનગરમાં એક રાત રોકાઈને અમે મહુવા આવ્યાં. મહુવાના દિવસો પણ ખૂબ આનંદપૂર્વક પસાર થઈ ગયા. મહુવામાં ત્રણેક દિવસ ઉપવાસ ચાલ્યા. ઉપવાસના દિવસો જલ્દી પૂરા થાય એવી કેટલાક ભાઈઓની ઈચ્છા હતી. તેમનો પ્રેમભાવ ભારે હતો. તેમાંના એક ભાઈએ એક વાર પ્રશ્ન પૂછ્યો કે 'જેને ઈશ્વરદર્શન થઈ ગયું હોય તેને ઉપવાસ કરવાની જરૂર ખરી ?'

મેં તેનો ઉત્તર આપતા કહ્યું: 'ઈશ્વરદર્શન પછી પણ સાધનાના વિકાસ માટે, ઈશ્વરની પ્રેરણા પ્રમાણે ઉપવાસ કરવાની જરૂર રહે છે. તેવી જરૂર લાગતી હોય ને તે પ્રમાણે જો કોઈ ઉપવાસનો આધાર લે તો તેને સહાનુભૂતિની નજરે જોવાની જરૂર છે. સાધક કે સિદ્ધપુરુષને કયા કારણસર ઉપવાસ કરવા પડે છે તે સાધારણ માણસ કેવી રીતે સમજી શકે ?'

'ત્યારે શું ઈશ્વરદર્શન પછી પણ કોઈ સાધના બાકી રહે છે ?' તે ભાઈએ પોતાની શંકા રજૂ કરતાં કહ્યું, 'ઈશ્વરદર્શન પછી તો કાંઈ જ કરવાનું બાકી રહેતું નથી એમ કહેવામાં આવે છે. શાસ્ત્રોની એ વાત શું ખોટી છે ?'

મેં કહ્યું : 'શાસ્ત્રોની વાત ખોટી નથી. પણ તેને યથાર્થ રીતે સમજવાની જરૂર છે. ઈશ્વરનું દર્શન થવું એ એક વસ્તુ છે, ને સ્વયં ઈશ્વરરૂપ થવું એ જુદી જ વસ્તુ છે. ઈશ્વરદર્શન પછી તે બીજી વસ્તુ માટેની સાધના શેષ રહી શકે છે. તે ઉપરાંત ઈશ્વરદર્શન પણ જુદી જુદી રીતે થાય છે. મારા પોતાના અનુભવના આધાર પર મેં ઈશ્વરદર્શનના પાંચ ભેદ પાડ્યા છે. તે પાંચે પ્રકારમાંથી પસાર થવા જેટલી જાગૃતિ ભાગ્યે જ કોઈ રાખે છે. તે બધા પ્રકારોમાંથી પસાર થવાની જરૂર છે. તે માટે કોઈ સાધકને ઉપવાસની જરૂર હોઈ શકે છે.'

એ પછી ઈશ્વરદર્શનના પાંચ પ્રકાર વિશે વાતચીત ચાલી. તેનો સારાંશ જરૂરી હોવાથી ફરી જોઈ જઈએ.

જાગૃતિ અથવા તો સમાધિ દશામાં જેમ સિદ્ધ પુરુષોનાં દર્શન થાય છે તેમ ઈશ્વરનું દર્શન પણ થાય છે. તેથી આનંદ ને શાંતિ મળે છે. પરંતુ તે બંને પ્રકારના દર્શન જુદી જુદી રીતે થાય છે. પહેલા આપણે સમાધિ કે જાગૃતિ દશામાં થનારાં કોઈ સિદ્ધ પુરુષના દર્શનનો વિચાર કરીએ. કોઈ સાધકને સિદ્ધ પુરુષનું દર્શન થાય પણ એવું બને કે કેવળ દર્શન જ થાય. કોઈ પ્રકારની વાતચીત ના થાય. વળી તે સિદ્ધ પુરુષ ઈચ્છે ત્યારે ને ત્યાં સુધી જ દર્શન થઈ શકે. એ સિદ્ધ પુરુષના દર્શનનો પહેલો પ્રકાર કહી શકાય. સમજુ સાધક એટલેથી અટકતો નથી, પણ આગળ વધીને અનુભવના આધારે આગળના પ્રદેશને સર કરવાની કોશિષ કરે છે ને ઈશ્વરની કૃપાથી તે બીજા પ્રકારના અનુભવ કે દર્શનને મેળવી શકે છે. એ અનુભવ કેવો હોય છે ? તે દરમ્યાન તેને તે સિદ્ધ પુરુષનું દર્શન તો થાય છે જ પરંતુ વધારામાં, તેની સાથેના વાર્તાલાપનો આનંદ પણ મળે છે, પણ તે વાર્તાલાપ સિદ્ધપુરુષ ચાહે તેટલો ને તેવો જ હોય છે. તે દરમ્યાન સાધક પોતે ઈચ્છે ત્યાં સુધી ને ઈચ્છે તે વિષય પર વાત કરી શકતો નથી. એટલે મુક્ત રીતે, દિલ ખોલીને વાત કરવાની તેની ઈચ્છા અધૂરી જ રહી જાય છે.

તે પછી દર્શનનો ત્રીજો પ્રકાર આવે છે. તેમાં સિદ્ધ મહાપુરુષનું દર્શન થાય છે ને ઈચ્છાનુસાર વાર્તાલાપ કરવાનો લાભ મળે છે. દર્શનનો ચોથો પ્રકાર એથી આગળ વધે છે. તે દરમ્યાન તેને સિદ્ધપુરુષના સ્પર્શનો લાભ મળે છે ને તે સિદ્ધપુરુષના આશીર્વાદ કે વરદાનની પણ પ્રાપ્તિ થાય છે. છતાં પણ કેટલીકવાર સાધકને સંતોષ નથી થતો. તેનુ મન જ્યારે ઈચ્છે ત્યારે સિદ્ધપુરુષના દર્શનની કામના કરે છે, ને ઈશ્વર કૃપાથી છેવટે તેની કામના પૂરી થાય છે. હવે તે દર્શનના પાંચમા પ્રકારમાં પ્રવેશ કરે છે ને સિદ્ધ પુરુષના દર્શનનો સ્વાદ મેળવી લે છે.

જે સિદ્ધ પુરુષના દર્શન સંબંધમાં તે જ ઈશ્વરના દર્શન સંબંધમાં પણ સમજી લેવાનું છે. ઈશ્વરના દર્શનના પણ ઉપર કહ્યા તેવા પાંચ પ્રકાર ગણી શકાય. છેલ્લા પ્રકાર પ્રમાણે સાધક જ્યારે ચાહે ત્યારે ઈશ્વરનું દર્શન મેળવી શકે છે અથવા તો તેને ઈશ્વરનું સતત દર્શન થયા કરે છે.

ઘણા ખરા સાધકો તો પહેલા પ્રકારના દર્શનથી જ તૃપ્ત થઈ જાય છે ને પોતાને સિદ્ધ દશાની પ્રાપ્તિ થઈ એમ માની લે છે. કોઈક વિરલ સાધકો જ સઘળી સાધના ભૂમિકા પરથી પસાર થાય છે. પહેલા પ્રકારનું દર્શન પણ જો કે કઠિન છે અને એનો આનંદ પણ અજબ છે. પણ બીજા બધા પ્રકારના દર્શનનો આનંદ કેટલો અનેરો હશે તેની કલ્પના તે પરથી સહેજે કરી શકાય તેમ છે.  સાધકોને ઈશ્વરદર્શન થાય છે, પણ આ પાંચમાંથી કયા પ્રકારનાં દર્શન થાય છે તે તો તે જ કહી શકે. વિવેકી સાધકે ક્રમેક્રમે આગળ વધીને છેવટે ઈશ્વરમય બની જવાની આવશ્યકતા છે.

આ પ્રમાણેના ખુલાસાથી તે પ્રશ્ન પૂછનારા ભાઈની શંકાનું સમાધાન થયું. જીવનમાં ડગલે ને પગલે જે મનને મોકળું રાખીને ચાલે છે એને આનંદ શા માટે ના થાય ?