પ્રેરણાદેવી, તમે છો પ્રેરણાદેવી !
પ્રાણની પાંખે ઊડીને પ્રેમભર એવી,
નિરંતર તમને અડુ ત્યાં દીનતા કેવી !
ધન્ય થાય જિંદગી તેમજ ધની જેવી ... પ્રેરણાદેવી
રસ સુકાયે ના કદીયે તેમ અશાંતિ નહીં;
અર્ણવે આનંદના ના ઓટ થાય કહીં;
લીલીછમ હરરોજ ધરતી અપ્સરા જેવી ... પ્રેરણાદેવી
દુઃખ દર્દ મહીં તમારો સાથ એક સહી;
વિજન વગડે તમારા વિણ મિત્ર અન્ય નહીં,
જિંદગીની ગતિ તમે કલ્યાણની દેવી ! ... પ્રેરણાદેવી
ગીતની ગંગા તમે છો વાત સત્ય કહી;
તમારા સહવાસમાં સુખ દિવ્ય રહ્યો લહી;
ચહે 'પાગલ' યુગયુગ રહો પ્રેરણાદેવી ! ... પ્રેરણાદેવી
- શ્રી યોગેશ્વરજી