પોતાના પ્રિયને પરિત્યાગે તે પરમપ્રિયને પ્રાપ્ત કરે.
કોઇયે અન્યને ના માગે તે ભંડાર થકી પ્રાણ ભરે.
જે છોડી દે છાયાને તે પામી લે શીતળ તરુવરને,
બિંદુને ના આરાધે એ સ્નાન કરે સુંદર સરિત જલે.
અશ્રુ સારે તે હરખાયે, પોકારે તેને પ્રેમ મળે,
સંતપ્ત લભે શાશ્વત શાતા, લૂંટાયે તે લૂંટી લે છે.
જે મમતા ના કરતા તેના પર મમતાની વર્ષા થાયે,
નીરસતામાં નાસે નિશદિન તે રસસ્વરૂપ બની જાયે.
દ્વાર બધાં બંધ કરે છે જે મંદિર તેનું ઉઘડે આખર,
આરાધે તે આરાધ્ય બને આગળ આવે રહેતા પાછળ.
મૃત્યુ પામે નવજીવનથી એ મંગલ ઉત્સવ નિત્ય કરે,
પૂજે તે પૂજાપાત્ર બને ઠારે તે કાયમ કાજ ઠરે.
- શ્રી યોગેશ્વરજી