‘મારા પ્રેમરહિત હૃદયમાં
તેં તારે માટેની લાગણી જન્માવી છે
એટલા માટે ઓ અરૂણાચલ !
મારો પરિત્યાગ ના કરતો.’
- મહર્ષિના અરૂણાચલસ્તોત્રમાંથી
એ પ્રસંગ પછી ત્રીસ વરસે, દૂર-સુદૂરના ભારતના તિરુવણ્ણામલૈ નામે પ્રાચીન નગરના એકાંત શાંત આશ્રમમાં, વાંસના છાપરાવાળા મકાનમાં એક યાત્રી બેઠેલો. એ એજ માનવ હતો જે પોતાની યુવાવસ્થામાં ભાગ્યની ગતિવિધિને જાણવા માટે પેલી અંધારી રાતે ઉત્તર દિશાના આકાશને તારાઓને ખરવાની પ્રતીક્ષા કરતાં જોયા કરતો’તો. એ ઘટનાને વરસો વીતી ગયેલાં. જીવનની જુદીજુદી પરિસ્થિતિઓ પલટાઈ ગયેલી. એની સાથે સાથે કેટલાંય રાજ્યોની પ્રાદેશિક સીમાઓ પણ પરિવર્તન પામેલી. એ ભયંકર વિશ્વયુદ્ધોના વિઘાતક વિસ્ફોટને પરિણામે કેટલાંક રાજ્યો નાશ પામેલાં તો બીજાં કેટલાંક નવેસરથી પ્રાદુર્ભાવ પામેલા. તો પણ અખૂટ ખાનાખરાબીને અને વિપત્તિને વેઠીને પણ દુનિયાએ એના એક પણ પ્રાણ-પ્રશ્નોનો ઉકેલ નહોતો શોધ્યો, અને વિશ્વયુદ્ધોના રૂપમાં આવેલી એ અસાધારણ આફતોનાં કારણોને પણ નહોતાં વિચાર્યાં. કલિયુગ અથવા જડ પ્રકૃતિની આસક્તિમાં ગળાબૂડ ડૂબવાના કાળ દરમિયાન આ દુઃખી દુનિયાના નિવાસીઓના મસ્તક પર એક બીજી ભયંકર આફતનું જોખમ ઝઝૂમી રહેલું.
પરંતુ મહર્ષિના આશ્રમમાં એમાંથી કશાનો અનુભવ નહોતો થતો. ત્યાં તો એક પ્રકારનું વિશુદ્ધ વાતાવરણ વ્યાપી રહેલું. બહારની દુનિયાનાં દાનવી, ક્રૂર, જડ, હિંસક પરિબળોને પ્રવેશવાનો એમાં અવકાશ જ ન હતો.
પહેલાંનો યુવાન સ્વપ્નદૃષ્ટા હવે એક એવા પુરુષવિશેષનાં ચરણોમાં એમની સન્મુખ બેઠેલો જેમણે સઘળી માનવીય સમસ્યાઓનો સુખદ ઉકેલ શોધેલો. એ પોતાના જીવનનું છેવટનું સરવૈયું કાઢવા માટે એના જીવનનાં વીતેલાં સઘળાં વરસોનું પુનરાવલોકન કરી રહેલો. પોતાના પૂર્વાનુભવોની ગુણવત્તાને તપાસીને પોતાના જીવનધ્યેયના રહસ્યને વિચારતો’તો. એની આગળ નવાંનવાં રહસ્યદ્વારો ઉઘડતાં જતાં’તાં, મહર્ષિની શાંત સંનિધિમાં પુરાણી આસક્તિઓ અને પ્રેમપ્રસંગોના આછાપાતળા પડછાયા ટકી શકતા નહિ હોવાથી આંખ આગળથી ઝડપથી પસાર થઈને કાયમને માટે અદૃશ્ય થઈ જતા. પોતાના કરતાં જુદી જ જાતના આદર્શ અને આચારવાળા, સ્વાર્થવૃત્તિથી ભરેલા, પોતાના નજીવા લાભને માટે બીજાનું શોષણ કરતાં પાછું વાળીને નહિ જોનારા માનવોથી ઉભરાતા વાતાવરણની વચ્ચે વસીને જીવનની સંવાદિતાને સ્થાપવાના એના પ્રયત્નો કેટલા બધા દયાજનક લાગવા માંડ્યા !
દુન્યવી પ્રેમના કરુણાજનક અભિનયનું અલ્પ પણ આકર્ષણ હવે રહ્યું નહીં. એના અંતરાત્માની આગળ એ એના નગ્ન સાચા સ્વરૂપમાં પ્રકટ થવા લાગ્યા.
બીજી તરફથી એના આત્મામાં એક અનોખી અવનવી શક્તિનો સંચાર થયો. એક અકૃત્રિમ, પવિત્ર, સ્વાર્થરહિત, ભવ્ય, તેજામય, ક્ષણભંગુર પાર્થિવ પદાર્થોથી મુક્ત, દિવ્ય દર્શનનો એને લાભ મળ્યો. હવે કોઈ વિશેષ નિરાશાને માટે, કોઈ ઘર્ષણને માટે કે કોઈ પ્રકારની ગેરસમજુતિને માટે અવકાશ ના રહ્યો. જીવનની વસંતઋતુમાં ખરતા તારાની સાથે મનમાં જે આકાંક્ષાનો આવિર્ભાવ થયેલો એના મર્મને એ યાત્રી ત્યારે જ સમજી શક્યો. એને ખબર હતી કે એ ઈચ્છાની પૂર્તિ અથવા અનુભૂતિ માટે જીવનને બદલવું પડશે તો પણ એ ઈચ્છાની પૂર્તિના વિશ્વાસને એણે ટકાવી રાખ્યો. એણે વધારે સ્પષ્ટતાપૂર્વક જોયું કે નૂતન પંથ પરમાત્માની દિશામાં લઈ જતો’તો. પરંતુ એને કશો ભય લાગતો ન હતો. અનંત પરમાત્મા જીવન છે અને જે સાંત (સ-અંત) છે તે મૃત્યુના ભંડારની સામગ્રી છે.
મહર્ષિની અંદર સૌ કોઈના હૃદયમાં પોતાને માટેના પ્રેમને પ્રકટાવવાની અનોખી શક્તિ હતી. એ પ્રેમ અથવા ભક્તિભાવથી એમના શિષ્યોનું શ્રેય સધાતું, એમના જીવનવિકાસમાં મહત્વની મહામૂલ્યવાન મદદ મળતી. શિષ્યો સંસારના સર્જક જેવી એ પવિત્રતમ શક્તિ અથવા ચેતનાના શુદ્ધતમ સ્વરૂપને સ્પર્શીને સાર્થક બનતા. મહર્ષિને માટેના પ્રેમ અને ભક્તિભાવમાં લૌકિક પ્રેમની કોઈ વિકૃતિ નહોતી. એમાં ઈર્ષા, સ્વાર્થવૃત્તિ, માલિકીની ભાવના, અતડાપણું, બહારના રૂપરંગોનો નશો ને પ્રભાવ, અનિશ્ચિતતા, ભ્રાંતિ અને પ્રેમાસ્પદના વિયોગની વ્યથા, સૌનો અભાવ હતો. એ પ્રેમ તથા ભક્તિભાવ બદલામાં કશું નહોતો માંગતો, કેવળ પોતાની જાતનું સંપૂર્ણ સમર્પણ જ માગતો. એવા સ્વાત્મસમર્પણથી જ સંપૂર્ણ સર્વશક્તિમાન સર્વવ્યાપક પરમાત્મતત્વની સાથે અંતરંગ આત્મિક એકતાનો અનુભવ કરી શકાતો.
મહર્ષિની સાચી મહાનતાને ઓળખનારા સમજતા કે પોતે પોતાના અહંતાયુક્ત વ્યક્તિત્વમાંથી ઉપર ઊઠીને સ્વભાવસહજ ગમા અને અણગમામાંથી મુક્તિ મેળવવાની છે. પોતાના પ્રેમાસ્પદની સાથેના ઐક્યના અનુભવને માટે માનસિક ઉર્મિશીલતાના ક્ષેત્રમાંથી ઉપર ઊઠવાનું છે. એ શબ્દોનો ભાવાર્થ સામાન્ય રીતે સમજવામાં આવે છે એના કરતાં એકદમ જુદો હતો. મહર્ષિના આત્મા સાથે ઓતપ્રોત થવામાં સફળ થનાર જ એમની અલૌકિકતાને અનુભવી શકતા. જે બહારથી ભૌતિક સ્તર પર દેખાતો એ તો એમનો પડછાયો જ હતો. એ પ્રતિબિંબ પણ કેટલું બધું પ્રાણવાન હતું એ એમના સંસર્ગમાં આવનાર સત્વર સમજી શકતા.
એક દિવસ સાંજે આશ્રમનું વાતાવરણ કરુણાર્દ્ર બની ગયું. મહર્ષિનું સ્વાસ્થ્ય એકાએક કથળી ગયું. પ્રથમ નજરે જ જોતાં એમનું મુખમંડળ થાકેલું અને શરીર ખૂબ જ દુર્બળ દેખાયું. રોજના વેદપાઠના સમયે એ દેખીતી રીતે જ ધ્યાનમાં સ્થિરતાપૂર્વક બેસવાનો વારંવાર પ્રયત્ન કરતા’તા તો પણ એમનું માથું લાચારીપૂર્વક નીચે નમી જતું. સાંજના છ વાગ્યાના થોડાક વખત પહેલાં, મંદિરના હોલમાં એમના સમીપવર્તી સેવકો તથા શિષ્યો સિવાય બીજું કોઈ ના રહ્યું ત્યારે, અમે એમના બાહુ પર બાંધેલા પાટા પર અને એની પાછળના સફેદ તકિયાઓ પર એકાએક લોહીના મોટા ડાઘ દેખ્યા. યુવાન પરિચારકો એ દેખીને ભયભીત બની ગયા. એક પરિચારક આશ્રમના નાનકડા દવાખાનામાં મહર્ષિને પ્રતિદિન પાટાપીંડી કરનારા બાજુમાં રહેતા ડોક્ટર પાસે પહોંચી ગયા.
સર્વત્ર મૌનની ગાઢ છાયા ફરી વળી. સ્ત્રીઓમાંની કેટલીક રડવા માંડી. પુરુષોની મુખાકૃતિઓ ગંભીર બની અને ખૂબ જ શોકગ્રસ્ત થઈ. પરંતુ મહર્ષિને એની અલ્પ પણ અસર ના થઈ. એ તદ્દન અલિપ્ત રહ્યા. એમણે એમના બાહુ તરફ એવા અનોખા અભિનયપૂર્વક જોયું કે જાણે તદ્દન જુદી જ, પોતાની સાથે સહેજ પણ સંબંધ ના હોય એવી, વસ્તુને જોઈ રહ્યા હોય. એ પછી એમણે ક્ષમાપ્રાર્થના કરતા હોય એવા ભાવ સાથે લોહીવાળા તકિયાને બતાવીને સ્મિત કર્યું. એટલામાં બધું પૂરું થયું. એમની આજુબાજુના લોકોને જે અવસ્થા મૃત્યુના ભયાનક શ્વાસ જેવી લાગેલી એનો પ્રભાવ એમના પર લેશ પણ નહોતો પડ્યો.
એ વખતે એમની આગળ બેઠેલા અમે બધા લાગણીના સ્વયંભુ બંધનથી આપોઆપ બંધાઈ ગયા અને હાવભાવ કે શબ્દોની આવશ્યકતા વિના એ અતિકરુણ અવસર પર એકમેકને સંપૂર્ણપણે સમજવા માંડ્યા. મહર્ષિ પર ઝઝૂમનારા મહાભયને મોકુફ રાખવામાં મદદરૂપ થવા માટે જો અમારે અમારું બલિદાન આપવું પડ્યું હોત તો એ આપવા માટે પણ અમે રાજીખુશીથી તૈયાર થાત.
ડોક્ટર સત્વર આવી પહોંચ્યા. એ એક મોટી ઉંમરના ટૂંકા કદના સદગૃહસ્થ હતા. એ મહર્ષિના હાથને ધોવા લાગ્યા. પરિસ્થિતિ વધારે ખરાબ ના થાય એટલા માટે એમણે મહર્ષિને વહેલી તકે હોલમાંથી બહાર નીકળવાની સૂચના કરી. પરંતુ મહર્ષિએ એમના વિલક્ષણ હળવા હાવભાવ દ્વારા ના પાડી. એમણે આજુબાજુના એકઠા થયેલા માણસો તરફ દૃષ્ટિપાત કર્યો અને એમના મુખમંડળ પર એક વાર ફરીથી અલૌકિક સુંદર સ્મિત પ્રકાશી ઊઠ્યું. એ સંમોહક સુખદ સ્મિત દ્વારા એ જાણે કે અમારા અંતઃકરણના અવસાદને દૂર કરવા માગતા’તા. એ અંતઃકરણ એમની દિવ્ય દૃષ્ટિથી છૂપાં નહોતાં રહ્યા.
મહર્ષિના મુખમંડળ પરના અવર્ણનીય અલૌકિક સુંદર સ્મિત જેવું સ્મિત મેં ક્યાંય જોયું નહોતું, અને નિઃશંક રીતે કહું તો બીજે ક્યાંય જોવાની શક્યતા પણ નહોતી. એમના સ્મિતમાં પારદર્શક પૂર્ણ પવિત્રતા, સાર્વત્રિક પ્રેમ, અમારી ત્રુટિઓ અને અપૂર્ણતાની સહાનુભૂતિપૂર્વકની સ્પષ્ટ સમજ, અને એવું તો બધું કેટલુંય સમાયેલું. શબ્દો એની અભિવ્યક્તિ કરી શકે તેમ નહોતા. સ્થૂળ સ્વરૂપમાં જાણે કે સનાતન સૌંદર્ય પ્રકટ થયું હોય એવું લાગ્યા વિના રહેતું નહીં. એને અનુભવનારા જ એને સમજી શકતા.
મને વિચાર થતો કે મહર્ષિ તરફ પ્રવાહિત થનારા ભક્તોના આટલા બધા પ્રેમ, અનુરાગ અને આદરભાવમાં એટલી શક્તિ નથી કે એથી પ્રારબ્ધ પલટાઈ જાય અને અમને દીસતી દુઃખદ ઘટનાનો અમલ વિલંબમાં પડે ?
એ જ ક્ષણે મેં અંતઃપ્રેરણાથી પ્રેરાઈને મારા મસ્તકને ઊંચું કર્યું. મને મહર્ષિની આંખના ઊંડાણમાં એનો પ્રત્યુત્તર પ્રાપ્ત થયો. મારા હૃદયમાં શાંતિ છવાઈ તથા સ્ફૂરણા પેદા થઈ : ‘હે પ્રભુ, તારાં સઘળાં કર્મો ન્યાયોચિત છે.’
મહર્ષિની જે રહસ્યમય માંદગી એમના ભક્તોને માટે અગમ્ય જેવી હતી એના પર વિશેષ પ્રકાશ પાડનારો એક પરિચ્છેદ મારા વાંચવામાં આવ્યોઃ
‘સામાન્ય માનવ પોતાના સહબંધુઓને માટે જે સહન કરે છે તેને તે સહાનુભૂતિ અથવા કરુણા કહે છે. સુપ્રસિદ્ધ, સમકાલીન યોગી શ્રી પરમહંસ યોગાનંદ એને ‘આધ્યાત્મિક રીતે આણેલી માંદગી’ કહે છે. પોતાના મૃત્યુ પહેલાંના બે વરસના ગાળા દરમિયાન યોગાનંદ એ પ્રકારની માંદગી ભોગવી રહેલા. એમના શિષ્યોના કહેવા પ્રમાણે એમના મિત્રો તથા શિષ્યોની કેટલીક શારીરિક તેમ જ આધ્યાત્મિક આપત્તિઓને પોતાના શરીર દ્વારા ભોગવવાના સંકલ્પનું એ પરિણામ હતું. યોગાનંદજીએ એમની આત્મકથામાં એ સિદ્ધાંતને સમજાવતાં જણાવ્યું છે કે ઉચ્ચ કોટિના યોગીઓ અન્યના વ્યાધિને પોતાના શરીરમાં સંક્રાંત કરવાની આધ્યાત્મિક પ્રક્રિયાથી પરિચિત હોય છે. એક સુદૃઢ માનવ બીજા નિર્બળ માનવને એનો ભારે બોજો ઉપાડવામાં મદદરૂપ બનીને ઉપયોગી થઈ પડે છે. એવી રીતે એ આધ્યાત્મિક મહામાનવ પોતાના શિષ્યોનાં પૂર્વકર્મોનાં પરિણામોમાં ભાગીદાર બનીને એમના શારીરિક અથવા માનસિક ગુરુભારને ઘટાડી શકે છે. પોતાના ઉડાઉ પુત્રના મોટા ઋણમાંથી એને મુક્ત કરવા અને એની મુર્ખતાનાં માઠાં પરિણામોમાંથી એને બચાવવા એક શ્રીમંત પુરુષ થોડાક ધનને ગુમાવે છે તેવી રીતે, પોતાના શિષ્યોને દુઃખમુક્ત બનાવવા અથવા એમની પીડાને હળવી કરવા સદગુરુ એમની શારીરિક સંપત્તિના અમુક અંશની આનંદપૂર્વક આહુતિ આપે છે.’
- © યોગેશ્વરજી ('રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં')