if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

 અરુણાચલ એટલે સૂર્યપ્રકાશથી પ્રકાશિત પર્વત. પ્રાચીન કાળથી ચાલી આવેલી દંતકથા પ્રમાણે દરેક વર્ષે કાર્તિકેય નામે ભગવાન શંકરનો મહોત્સવ કરવામાં આવે છે. તે વખતે આશ્રમથી એકાદ માઈલ દૂર આવેલા અરુણાચલ મંદિરના પૂજારીઓ તરફથી અરુણાચલ પર્વતના શિખર પર ઘીની વિશાળ અગ્નિજ્વાળા પ્રગટાવવામાં આવે છે. અરુણાચલ પર્વત પર પ્રગટાવેલી એ જ્વાળાનું દર્શન આજુબાજુના વિસ્તારમાં માઈલો સુધી થયા કરે છે. એ મહોત્સવ પ્રત્યેક વર્ષે નવેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે. દંતકથા તો એવી છે કે હજારો વર્ષો પહેલાં અરુણાચલ પર્વતના શિખર પર ભગવાન શંકર પોતે જ્યોતિરૂપે પ્રગટ્યા હતા. અને એ પછીથી એ મહોત્સવનો આરંભ કરવામાં આવેલો.

મહોત્સવની એ તો ભૌતિક વિચારણા થઈ પરંતુ એનો અંતરંગ મર્મ અતિશય ગહન તથા મોટો છે. મહર્ષિ રમણ અરુણાચલને મુક્તિને મેળવવા માટે પ્રામાણિકપણે પ્રયત્ન કરનારા માનવોને મુક્તિ આપનારા પરબ્રહ્મ પરમાત્માના પ્રતીક સમજતા. એ એવું પણ કહેતા કે એ આપણા વાસ્તવિક સચ્ચિદાનંદ સ્વરૂપનું, આપણી મૂળભૂત ચેતનાનું, આત્માનું અથવા તો આપણા અસ્તિત્વના અંતિમ એકમાત્ર ધ્યેયનું પ્રતિનિધિત્વ કરે છે. એ જણાવતા કે ભૌતિક રીતે જોતાં અરુણાચલ પર્વત શિલાખંડોના જડ સમૂહ જેવો જણાતો હોવા છતાં પરમાત્માની પરમ ચેતનાનું પ્રતિનિધિત્વ કરે છે. એ પવિત્ર પર્વતની સાથે સંકળાયેલી પરંપરાગત ધાર્મિક કથાઓની વિગતમાં નહિ પડી શકું. હું તો કેવળ રમણ મહર્ષિના કેટલાક નોંધપાત્ર રહસ્યમય ઉદગારોને એમના ભાવાનુવાદ સાથે રજૂ કરીશ.

‘મેં અનુભવ્યું કે અરુણાચલ વિશેનો વિચાર અથવા એની માનસિક કલ્પના મનની સર્વ પ્રકારની વિચારણાને અટકાવી દે છે. અને એના પ્રત્યે અભિમુખ બનનારને આત્મદર્શનના પરિણામે પ્રાપ્ત થનારી શાંતિ બક્ષે છે.’

‘સંસારના પદાર્થોની અસારતા અને વિનાશશીલતાને વિચારી ચૂકેલા તથા જીવનના પ્રર્વતમાન પ્રવાહથી ઉપર ઊઠવા માગનારા માનવોને માટે સંસારમાં એક માદક સર્વોત્તમ દિવ્ય રસ અસ્તિત્વ ધરાવે છે. એ વિરલ રસ માનવના બાહ્ય સ્વરૂપનો નાશ નથી નોતરતો પરંતુ એના મિથ્યા અલગ વ્યકિતત્વનો અંત આણે છે. અરુણાચલ પ્રત્યે મનના વિચારોને વાળવાથી એ બધું શક્ય બને છે. જે માનવ પોતાની જાતને સતત રીતે પૂછે છે કે હું કોણ છું, મારું ઉદભવસ્થાન કયું છે, જે પોતાના અંતરના અતરતમમાં અવગાહન કરીને પોતાના મનના મૂળને હૃદયમાં અનુભવે છે, એ અસાધારણ સાધકપુરુષ (ઓ અરુણાચલ), આનંદના અક્ષય અર્ણવ, વિશ્વનો અધિશ્વર બની જાય છે.’

એક અન્ય ભાવાનુવાદને પણ રજૂ કરું છું :

‘મેં એક અવનવી અનોખી વિલક્ષણ વસ્તુની શોધ કરી છે. અરુણાચલ પર્વત જીવનનું જીવન બનીને એનો વિચાર કરનારા માનવની પ્રવૃત્તિઓને પોતાના તરફ વાળે છે; પોતાની સમક્ષ ઉપસ્થિત કરે છે; અને એના આલોકિત આત્માને અનુભવવા માટેનું પરિબળ પૂરું પાડીને પોતાની પેઠે અચલ બનાવે છે. એ કેટલો બધો અસાધારણ ચમત્કાર છે ! એનાથી સાવધ રહીને શ્વાસ લો. અરુણાચલ અત્યંત આકર્ષક રીતે અંતઃકરણમાં પ્રકાશીને કેટલાંય લૌકિક જીવનનો અંત આણે છે.’

‘અરુણાચલ પર્વતને સર્વોત્તમ પરમાત્મા-સ્વરૂપ સમજીને મારી પેઠે પોતાનો નાશ નોતરનારા પુરુષો આ જગતમાં કેટલા હશે ? અરે માનવો, આ અતિશય દુઃખદાયક જીવનથી કંટાળીને તમે શરીરનો ત્યાગ કરવાના સંકલ્પો સેવો છો પરંતુ આ પૃથ્વી પર એક એવું વિરલ ઔષધ છે જે એને સાચેસાચ નષ્ટ કર્યા સિવાય એનો વિચાર કરનારના અહંકારનો અંત આણે છે. એ ઔષધ અન્ય એકેય નહિ પરંતુ અરુણાચલ છે.’

એ સંતપુરુષના ઉપર્યુક્ત રહસ્યમય શબ્દોમાં ઊંડો અર્થ રહેલો છે. એ શબ્દો મુક્તિને મેળવવા માટે મનોરથ કરી ચૂકેલા માનવોને કેટલીક સાધના સંબંધી વ્યાવહારિક સૂચનાઓ પૂરી પાડે છે. શબ્દોના સામાન્ય પડદા દૂર થતાં એવા માનવો પોતાના અંતરમાં પ્રકાશી રહેલી અરુણાચલની દિવ્ય જ્યોતિનું દર્શન કરી શકે છે.

અરુણાચલ મનની બધી જ પ્રવૃત્તિઓને અટકાવે છે કે શાંત બનાવે છે. એ શબ્દોના તાત્પર્યને હું સમજવા માંડ્યો. જેમણે અનુભવ નથી કર્યો તેમને સમજાવવાનું કઠિન હોવા છતાં વાસ્તવિકતાને વફાદાર રહીને એટલું કહી શકાય કે અરુણાચલની દિવ્ય અનોખી આકૃતિના ચિત્રને મનની મદદથી જોવાથી અથવા અરુણાચલથી દૂર રહીને પણ એનું સ્મરણ કરવાથી એવી એકાગ્રતા સધાય છે કે એથી જીવનના અંતિમ આત્મવિકાસના આદર્શ તરફ આગળ વધવામાં મદદ મળે છે.

એ દિવસે રમણ મહર્ષિ હોલમાં ઉપસ્થિત નહિ હોવાથી મેં અરુણાચલ પર્વતની ભૂમિમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો. એ નિર્ણયનો અર્થ એના શિખર પર આરોહણ કરવાનો હતો. આકાશમાં વાદળ હોવાથી તથા ગરમીની માત્રા અલ્પ હોવાથી મોસમ સર્વ પ્રકારે સાનુકૂળ હતી. મારા સાહસમાં તાજા પ્રબળ વેગે વહેતા વાયુએ મદદ કરી. મને રસ્તાની માહિતી ન હતી તેમ જ માર્ગમાં ચઢાઈ આવતી તેથી મારું સાહસ ધાર્યા જેટલું સહેલું ન હતું. રસ્તાને જોવાનું મુશ્કેલ હતું. એ ઉપરાંત વસ્તુઓ દૂરથી જોવાથી જેવી દેખાય છે તેવી તેમની પાસે પહોંચવાથી દેખાતી નથી હોતી. નીચેના મેદાની પ્રદેશમાંથી જે સ્થળો પર ચઢવાનું સહેલું લાગે છે તે સ્થળો પર ચઢવાનું ખરેખર શરૂ કરવામાં આવે છે ત્યારે અઘરું થઈ પડે છે. મારા સાહસની એ મોટામાં મોટી મુશ્કેલી હતી.

અરુણાચલ પર્વત તરફ નીચેથી જોઈને અને ઓછેવત્તે અંશે સીધે રસ્તે ચાલીને હું આશ્રમના અને તીરુવણ્ણામલાઈ નગરના ઉપરના પર્વતીય પ્રદેશમાંથી આગળ વધ્યો. હું મોટા ભાગે પર્વત ચઢતો જ ગયો. મારે એક પથ્થર પરથી બીજા પથ્થર પર કૂદવું પણ પડ્યું જેથી શિલાખંડોની વચ્ચે ઊગેલા ઘાસથી તેમ જ તેની અંદર છુપાવાની શક્યતાવાળા સાપ અને વીંછીથી બચી શકાય. થોડા વખતમાં તો આખુંયે નગર, એનું ગુંબજોવાળું વિશાળ મંદિર અને આશ્રમનાં મકાનો રમકડાં જેવાં લાગવા માંડ્યા અને નીચેના ઢોળાવોમાંથી મારી તરફ જોનારા બકરાં તથા ઘેટાં, કીડીઓ જેવાં દેખાયાં. મને લાગ્યું કે નીચે ઊતરવાનું વધારે કઠિન થઈ પડશે, કારણ કે સૈકાઓથી વરસાદ તથા પવનની અસર નીચે આવેલા પથ્થરો ગોળાકાર હોવાની સાથેસાથે જમીનમાં મજબૂત રીતે વળગેલા દેખાતા નહોતા. એ અવારનવાર એમના મૂળ સ્થાનેથી ચલાયમાન થતા તેમજ પર્વતની બંને બાજુએથી નીચે પડતા.

અડધા કલાકના ચઢાણ પછી હું એક શિલાખંડ પાસે પહોંચી ગયો. એ શિલાખંડ નીચેથી જોતા લગભગ અડધા રસ્તા પર દેખાયેલો પરંતુ હવે મેં પર્વતના શિખર પર જોયું તો મને લાગ્યું કે મારે કાપવાનું અંતર તો હું અત્યાર સુધી કાપીને આવ્યો તેના કરતાં લગભગ બમણું હતું. વધારામાં એ શિલાખંડ એટલો બધો સપાટ હતો કે એના ઉપર થઈને મારી નાની લાકડીની મદદથી જઈ શકાય તેમ ન હતું. એ શિલાખંડ મારા પસંદ કરેલા પ્રવાસના પંથ પર જ પડેલો. એણે મારા રસ્તાને રોકી રાખેલો એટલે એની આજુબાજુથી પસાર થવાનું અશક્ય જેવું લાગ્યું.

મેં જોયું કે પર્વત-શિખર પર પહોંચનારી ઉપલક રીતે સરળ દેખાતી ખીણો ધાર્યા જેટલી પાસે નહોતી. એમની ઉપર ચઢવાનું કામ કઠીન હતું. આખરે મને સમજાયું કે હું ખોટે માર્ગે આગળ વધી રહ્યો છું. મને તીરુવન્નામલાઈના પેલા કૅમિસ્ટના શબ્દો યાદ આવ્યા. એમણે કહેલું કે સાચો અને સર્વોત્તમ રસ્તો શિવના મંદિરની સામેથી કંઈક અંશે ઉત્તર દિશા તરફ આગળ વધે છે. પરંતુ હવે એ માર્ગે જવાનું ઘણું મોડું થયેલું. હવે તો એક જ વસ્તુ બાકી રહેલી કે મારા દિવસભરના સાહસને સફળ કરવા માટે મારે એ શિલાખંડની ડાબી બાજુએ આવેલી વનરાજીમાંથી પસાર થતી પગદંડી પરથી આગળ વધવું. એ પગદંડીનો રસ્તો જોકે લાંબો થાય તેમ હતો તો પણ હવે બીજો કોઈ વિકલ્પ ન દેખાયો. હવે મારે ક્યાં ઉભા રહેવું અને ક્યાંથી આગળ વધવું તે વિચાર કરવાનું મેં બંધ રાખ્યું કારણ કે એમાં ઘણો સમય પસાર થઈ ગયો. મેં વિચાર્યું કે મને જો સાપ કરડવાનો જ હશે તો હું ગમે તેટલી સાવધાની રાખીશ તો પણ બચી નહિ શકું. મેં મારું સઘળું ધ્યાન અરુણાચલ પ્રત્યે કેન્દ્રિત કર્યું અને એકાદ કલાક પછી પર્વત-શિખર પર પહોંચીને સંતોષનો શ્વાસ લીધો.

જે સ્થળે પ્રખ્યાત અગ્નિજ્વાળાને સળગાવવામાં આવતી તે સ્થળ પર કાળા મોટા ઘીના ડાઘ પડેલા હોવાથી મને એને ઓળખતાં વાર ન લાગી. એ સ્થળની પાસેના શિલાખંડ પર મેં મારું આસન જમાવ્યું. મને મહર્ષિના પેલા સદુપદેશનું સ્મરણ થયું જેમાં એમણે કહેલું કે ભૌતિક જીવનના પ્રવાહ પ્રત્યે આપણે એવી અનોખી રીતે જોવું જોઈએ કે જેથી એ પ્રવાહ પરમાત્માના પરમ પ્રકાશની આપણી શોધમાં વિક્ષેપ ન પહોંચાડે.

‘તમારા મસ્તકને ઊંચું રાખો. ક્ષણભંગુર જીવનના સાગરના ઉછળતા તરંગોની મોહિનીમાં ન પડો. એ મોહિની તમને કાદવવાળા તરંગોથી વીંટી દેશે. જ્યાં સુધી તમને પરમાત્માના પરમ સત્યનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી તમારી દૃષ્ટિને ઊંચી રાખો.’ એને બીજી રીતે કહેવું હોય તો કહી શકાય કે :

‘આદર્શને ઉત્તમ રાખો, ઉત્તમોત્તમ રાખો. એ દ્વારા બધા નાના આદર્શોની આપોઆપ પ્રાપ્તિ થઈ જશે. જીવનના ભેદભાવ ભરેલા ઘૂઘવતા સાગર તરફ જોવાથી એમાં ડૂબવાનો સંભવ રહે છે. એ તરંગોની ઉપર તમારા લક્ષને કેન્દ્રિત કરો, એક જ સનાતન સત્યનું દર્શન કરતાં શીખો. તેથી તમારી રક્ષા થઈ શકશે.’

હું એ વાતને વિચારવા લાગ્યો કે માનવજાતિ સુખ, શાંતિ, પ્રકાશ, નૂતન પથપ્રદર્શન અને અનોખા પથપ્રદર્શકોની આકાંક્ષા રાખે છે, અને તોપણ દુનિયાના સઘળા ધર્મોમાં, સંતો તેમ જ જ્ઞાનીઓના સદુપદેશોમાં અને એમણે રચેલાં શાસ્ત્રોમાં એટલાં બધાં સત્યોને સમાવવામાં આવ્યા છે કે એ બધાં સત્યોને જાણવાનું કામ એક જ જીવનમાં પૂરું ન થઈ શકે. વાસ્તવિક રીતે વિચારીએ તો એવું કહી શકાય કે એક જ સદુપદેશ અથવા આદર્શને આચારમાં અનુવાદિત કરવામાં આવે તો તે આપણને સાચે માર્ગે લઈ જવા માટે પૂરતો થઈ પડે છે.

 - © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.