Sun, Jan 17, 2021

રાતે અરુણાચલ

એ દિવસે રાતે હૉલમાં ધ્યાન કર્યા પછી હું પર્વત પર પહોંચીને એક શિલાખંડ પર બેસી ગયો. એ શિલાખંડ મોટે ભાગે અરુણાચલ પર્વતના ઉત્તુંગ પ્રદેશમાંથી નીચે ઝરણમાં સરકી પડેલો. એ ઝરણું ચોમાસાના દિવસો દરમિયાન રમણાશ્રમના કંપાઉન્ડની પાછળના વિસ્તારમાંથી વહેતું રહેતું. રાત શાંત તથા ગરમ હતી અને પૂર્વ દિશામાં વરસાદનાં વાદળાં વીંટી વળેલાં. એ વાદળાં તિરુવણ્ણામલૈની દિશામાં ધીમેથી સરકી રહેલાં.

અરુણાચલનું પર્વતશિખર આકાશની આગળ સુસ્પષ્ટ અને ઉત્તુંગ દેખાતું. પર્વતની નીચેનો વિશાળ ભાગ રાતના અંધકારને લીધે જોઈ શકાતો નહોતો. અરુણાચલનું સ્વરૂપ સંપૂર્ણપણે દૃષ્ટિગોચર થતું ત્યારે પણ હું એની અવનવી અનોખી ચિત્તાકર્ષક અદભુત અસરનો અનુભવ કર્યા સિવાય રહી શકતો નહિ. પહેલાં તો હું તર્કબદ્ધ રીતે સમજી અને સમજાવી ના શક્યો કે અરુણાચલ પર્વત અને મહર્ષિની વચ્ચે શો સંબંધ છે, કારણ કે મહર્ષિ કોઈ પ્રકારની વિશિષ્ટ માન્યતાઓથી પર હતા, અને સમસ્ત સૃષ્ટિને ભ્રાંતિ અથવા માયારૂપે તથા ઈન્દ્રિયોના નાટક તરીકે ઓળખાવતા. અને તો પણ, એમના ગ્રંથોમાં અરુણાચલ પ્રત્યેના પવિત્ર પ્રેમભાવનું અને અસાધારણ આદરભાવનું દર્શન થતું. દક્ષિણ ભારતની એ પરમ રહસ્યમય પર્વતમાળાના મર્મને જે નથી જાણતા એમને એથી નવાઈ લાગશે.

મનની સર્વ સામાન્ય વૃત્તિઓથી જેનો સ્વાનુભવ નથી કરી શકાતો એના અનુભવને માટે મેં મારા રાતના ધ્યાનાભ્યાસ દરમિયાન એક તાજેતરમાં શોધેલી નવી પદ્ધતિનો પ્રયોગ કરવાનો નિર્ણય કર્યો. એ પદ્ધતિમાં મનના સર્વ પ્રકારના વિચારોની ને ભાવોની વિશુદ્ધિનો સમાવેશ થાય છે. એવી વિશુદ્ધિ સધાતાં જેનો સાક્ષાત્કાર કરવાનો છે તે જ પદાર્થની અંદર મનને કેન્દ્રિત કરવાની વૃત્તિ બળવાન બને છે. એ પછી મનની ભાષામાં જેનો અનુવાદ કરી શકાય તેવો હોય છે તે મનની સમક્ષ રજૂ કરવામાં આવે છે. બીજી ભાષામાં કહીએ તો, મન જયાં નથી પહોંચી શકતું એ ઉદભવસ્થાનના અથવા કેન્દ્રના પ્રકાશને અંતઃપ્રેરણા પહોંચાડે છે.

અરુણાચલના અસાધારણ આકર્ષણે સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવી. મારા મનની આગળના બધા જ વિષયોને ને પદાર્થોને એક તરફ હઠાવીને મેં ધ્યાનમાં ડૂબકી મારી કે તરત જ મને મારા ઈપ્સિત પદાર્થની પ્રાપ્તિ થઈ.

સૌથી પ્રથમ તો મારી સમક્ષ ગૂઢવિદ્યાનો પેલો માર્ગદર્શક સિદ્ધાંત સ્પષ્ટ થયો કે પ્રત્યેક પદાર્થના પ્રાદુર્ભાવનું બીજું રૂપ જુદા જગતમાં રહેતું હોય છે. એટલા માટે અરુણાચલ પર્વતનો આધ્યાત્મિક મર્મ એની ભૌતિક ભૂમિકા પર પણ પ્રગટ બને. જેવી રીતે માનવ નામથી ઓળખાતી મૂળભૂત વસ્તુનો પડઘો એની બાહ્ય આકૃતિમાં પડે છે તેવી રીતે, માનવોને એમના મૂળભૂત દિવ્ય સ્વરૂપની અથવા અક્ષય અમર વારસાની સ્મૃતિ થઈ શકે એટલા માટે આપણી પૃથ્વી પર કાંઈક પ્રકટાવવાની આવશ્યકતા હતી. હિંદુઓ એ કાંઈકને પોતાની માન્યતા પ્રમાણે શિવ કહે છે ને જણાવે છે કે સંસારના આદિકાળમાં માનવજાતિએ પૃથ્વી પર પોતાનું જીવન શરૂ કર્યું ત્યારે ભગવાન શિવ પોતે અગ્નિની પ્રદીપ્ત જ્વાળારૂપે અરુણાચલ પર્વત પર દૃષ્ટિગોચર થયેલા. અગ્નિજ્વાળાના એ પ્રતીકનો અર્થ એવો શા માટે ના ઘટાવીએ કે સૃષ્ટિના નાશવંત સ્વરૂપમાં ગુપ્ત રહેલી આત્મચેતના એમાંથી સમય પર બહાર નીકળે છે ?

મને સદા પુનરાવતારની અસાધારણ આવશ્યકતાની પ્રતીતિ થયેલી. એનો સાચો અર્થ મને, આકાશમાં અદભુત અગ્નિજવાળાને પ્રકટાવનારા અરુણાચલ પર્વતના પ્રતીક પરથી સુચારરૂપે સમજાયો. બીજા અનેકની પેઠે મારે માટે પણ અરુણાચલ પૂર્ણતાના પાવન પંથના સીમાચિહ્ન જેવો હતો.

વખતના વિતવાની સાથે અરુણાચલ પર્વતની વિશિષ્ટતા વિશે મહર્ષિએ પોતે જે કાંઈ લખેલું એના ભાવાર્થને સમજવા માટેના પ્રયત્નની પાછળ મેં મારો સારો એવો સમય પસાર કર્યો. એમના ઉદગારોમાં એમનું એ વિધાન સૌથી વધારે રસપ્રદાયક હતું કે એ પવિત્ર પર્વતની માનસિક મૂર્તિ પણ સત્યના અને સ્વરૂપના સાક્ષાત્કારની આડે આવનારા અનંત વિચારોની પરંપરાને શાંત કરવાની ક્ષમતા ધરાવે છે. એ રાતે જ મને મારા સ્વાનુભવ પરથી એ વિધાનની યથાર્થતા સમજાઈ.

મહર્ષિએ જણાવેલું : ‘અરુણાચલ દુન્યવી પદાર્થોની આસક્તિનો અંત આણે છે. મિથ્યા ભ્રાંતિમાંથી મુક્તિ આપે છે.’ એ શબ્દોની યથાર્થતાની પ્રતીતિ મને પાછળથી થઈ. જ્યારે જ્યારે અરુણાચલને પોતાના પરમારાધ્ય તરીકે માનનારા પુરુષો એનું વર્ણન કરતા કે એક અથવા બીજી રીતે એનો ઉલ્લેખ કરતા ત્યારે ત્યારે એવું લાગતું કે મારી ઉપર અચોક્કસતાનો પડદો પાથરનારા વિચારો તથા ભાવોની ભ્રાંતિમાંથી મને મુક્તિ મળી.

મને એવું પણ સમજાયું કે કેવળ મનની મદદથી સમજી શકાય તેવી જ વસ્તુઓને સ્વીકારવાનો આગ્રહ રાખવાનું વલણ બરાબર નથી. મનથી મનન કરી તથા સંતોષકારક રીતે સમજી ના શકાય એવી વસ્તુઓ પણ આ અવનીમાં અસ્તિત્વ ધરાવે છે અને એમના સારાસારને સમજવાની આપણી શક્તિ તથા તૈયારી જોઈએ. મનથી ના સમજાય તે પણ સાચું હોઈ શકે. અરુણાચલની મદદથી મારો આધ્યાત્મિક વિકાસ સધાતો હોય, મને મહત્વનો લાભ પહોંચતો હોય, તો એના મહિમાને હું જાણું કે ના જાણું એથી શો ફેર પડવાનો છે ? આપણા જગતમાં અને જીવનમાં બનતી સૌથી મહત્વની ઘટનાઓ કુદરતી અને સાદી રીતે બનતી હોય છે. કેવળ જિજ્ઞાસાવૃત્તિથી પ્રેરાઈને અથવા અનુભવોને માટેની લાલસાને લીધે નહીં પરંતુ સત્યના સાક્ષાત્કારની સદભાવનાથી સંપન્ન થઈને જે એને માટે આગળ વધે છે એમને માટે એ હકીકતમાં ઘણો મોટો મહત્વનો બોધપાઠ સમાયેલો છે.

અરુણાચલનું ઉત્તુંગ શિખર યુગોથી એકસરખા ચાલ્યા આવતા, ઉપર ને ઉપર લઈ જતા, માર્ગ પ્રત્યે અંગુલિનિર્દેશ કરતું. એ રમણ મહર્ષિની પેઠે અલૌકિક મૌનની ભાષામાં જ વાત કરતું. એમની વચ્ચે કોઈ પારસ્પરિક સંબંધ કે જોડાણ જેવું હશે ખરું ?  મને એટલું અવશ્ય જણાયું કે અરુણાચલ પર્વતનું રહસ્યમય વાતાવરણ - જો એને રહસ્યમય કહી શકાય તો - મને આધ્યાત્મિક અનુભવોની યથાર્થતાને સમજવામાં સદાને માટે મદદરૂપ થયું. એવી સ્વાનુભવપૂર્ણ સમજશક્તિ સમય પરિપક્વ થાય છે ત્યારે જ સાંપડી શકે છે. એવા સ્વાનુભવ સિવાય આત્મોન્નતિના માર્ગે ચોક્કસતાપૂર્વક આગળ નથી વધાતું. સિદ્ધાંતો તો પ્રથમ પરીક્ષાએ જ નિષ્ફળ નિવડે છે અથવા આત્મોન્નતિનો માર્ગમાં મદદ કરવા માટે અશક્ત હોવાથી સત્વર ભૂલી જવાય છે. એમની ઉત્પત્તિ મનમાંથી થતી હોય છે, અને મહર્ષિના મંતવ્ય પ્રમાણે મન તો વિચારો કે તર્કવિતર્કોનો સંઘાત માત્ર છે.

મારી વ્યક્તિગત ભૌતિક સ્થૂળ ચેતનાથી અતીત બનવાના અનેકવિધ અનુભવોની પ્રાપ્તિ મને ના થઈ હોત તો મને ક્યાંથી પ્રેરણા મળત, કે હું મારા મનને કોના પર એકાગ્ર અથવા કેન્દ્રિત કરત ? મારા સ્થૂળ શરીરથી, સ્થૂળ ભૂમિકા પરથી, જે કાંઈ વિચારાતું અથવા અનુભવાતું એ એના ઉદભવસ્થાનની સાથે જ તજવા લાયક લાગતું. એના સંબંધમાં હવે કશી પણ શંકા નહોતી રહી.

પરંતુ એના સતત સ્મરણ કરવાની, બાહ્ય પરિસ્થિતિને તાબે નહિ થવાની, અને જે સત્યનું એક વાર દર્શન થયેલું તે સત્યનું વિસ્મરણ ના થવા દેવાની, અનિવાર્ય આવશ્યકતા હતી. મારા ભાવિ જીવનના દિવસો દરમિયાન સાધનાના નિર્ધારિત માર્ગને મૂકીને બીજા કોઈ ભળતા માર્ગે ચઢી ના જવાય તેને માટેની તકેદારી જરૂરી હતી. મારી અંદરના અવાજે મને જણાવ્યું કે હજુ મારે સાવધાની રાખવી પડશે. એનો અર્થ એવો થયો કે હજુ મારે ચઢતી-પડતીનાં, ઉન્નતિ અને અવનતિનાં, પ્રકાશ અને અંધકારનાં દ્વંદ્વોમાંથી પસાર થવાનું હતું. જીવનની મહાશાળાના પ્રત્યેક વિદ્યાર્થીનું નસીબ એવું જ હોય છે. જેમણે પરમ સત્યનો સાક્ષાત્કાર કર્યો છે કે પરમ સત્યમાં પોતાની જાતને લીન કરી છે તે સદગુરુ અથવા મહામાનવ કહેવાય છે. એ પોતાની પ્રેરણાના ઉદભવસ્થાન અથવા અરુણાચલ સાથેની અંતરંગ એકતાને અનુભવે છે. એવા અસાધારણ મહામાનવનાં ચારુ ચરણોમાં વિરાજવાનું મને સૌભાગ્ય સાંપડેલું.

કોઈ પણ હેતુ વિના, નિરર્થક રીતે, કશું જ નથી થતું. અરુણાચલનો પાવન પ્રકાશ મને આગળનો પંથ બતાવ્યા કરશે અને દોરવણી આપશે. એણે મારી આગળ પેલા સર્વોત્તમ સનાતન સત્યનો સૂચિતાર્થ સ્પષ્ટ કરેલો -

‘માનવે જીવવા માટે પોતાની જાતને ખોવી જોઈએ.’ પોતાની જાતને એટલે કે અંહને.

મહર્ષિએ કહેલું : ‘જેમણે પોતાના વ્યક્તિત્વના ભ્રામક અંગને જાણી લીધું છે તેમને એ અંગનો ત્યાગ કરવા અને એથી આગળ વધીને અંત આણવા તથા સ્થૂળ રીતે એમને નષ્ટ ના થવા દેવા, આ પૃથ્વી પર એક વિરલ અક્સીર ઔષધિ છે. એ ઔષધિ બીજી કોઈ નથી પરંતુ મહાન અલૌકિક અરુણાચલ છે.’

*

અરુણાચલના પવિત્ર પર્વંતના સુવિશાળ સ્વરૂપનું દર્શન ફરી વાર શક્ય બન્યું. ચંદ્ર ક્ષિતિજની છેક જ સમીપ દેખાયો. પૂર્વ દિશાના દરિયા તરફથી શ્યામ રંગનાં વાદળાંને લીધે પડછાયા વધારે ને વધારે ઘેરા બનવા લાગ્યા. મને મોડું થયું હોય એવું લાગ્યા વિના રહ્યું નહિ. પર્વતની તળેટીમાં આવેલા આશ્રમમાં સહેજ પણ પ્રકાશ નહોતો દેખાતો, અને અરુણાચલ પર્વતની આજુબાજુના મુખ્ય માર્ગ પરથી કોઈનાં પગલાંનો કે બોલવા ચાલવાનો સ્વર નહોતો સંભળાતો.

ચારે તરફ સર્વત્ર નીરવતા તથા શાંતિ છવાયેલી.

એ શાંતિના અંતસ્તલને સ્પર્શીને તાજો પ્રસન્ન પવન પ્રસરી રહેલો.

 - © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.