એ દિવસ બપોર પહેલાં રમણ મહર્ષિએ મને જણાવ્યું કે એમને ઈ. સ. ૧૯૪૭માં કુરીટીબાથી મોકલાયેલા બ્રાઝિલના અરુણાચલ ગૃપના ફોટા દ્વારા એ મને જાણે છે. ત્યાં ઈ. સ. ૧૯૪૮માં પ્રકાશિત થયેલા નાના પુસ્તક વિશે એમણે પૂછપરછ કરી અને જાણવા માંગ્યું કે હું એનો લેખક છું કે કેમ. એમણે આશ્રમના પરિચારકને આશ્રમની લાઈબ્રેરીમાંથી એ પુસ્તકને મેળવીને એની વિગતો કહી બતાવવાની સૂચના કરી. એક બ્રાહ્મણ પરિચારકની મદદથી મેં મારી શક્તિ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. મેં જણાવ્યું કે એ પુસ્તકનો લેખક હું જ છું અને એ વખતે પોર્ટુગીઝ ભાષામાં અનુવાદિત કરાયેલા તથા બ્રાઝિલમાં પ્રકાશિત થયેલા મૂળ પુસ્તકની પાંડુલિપિને મેં જ ટાઈપ કરેલી. હું મારા ઉતારા પર જઈને એ પુસ્તકની એક કોપી સાથે મહર્ષિના બ્રાઝિલવાસી ભક્તમંડળ સાથેની સુંદર તસ્વીરને લઈને પાછો ફર્યો. મારા અસાધારણ આશ્ચર્ય વચ્ચે મહર્ષિ પુસ્તકની ભાષાથી પરિચિત હોય એમ એનાં પૃષ્ઠોને વારાફરતી ફેરવવા લાગ્યા. એમણે ધીમેથી ધ્યાનપૂર્વક સો જેટલાં પૃષ્ઠોને ફેરવી કાઢ્યાં. એમણે અવારનવાર એમની મર્મદર્શી દૃષ્ટિને મારા તરફ સ્થિર કરી અને પુસ્તકને જોવાનું કાર્ય ચાલુ રાખ્યું. છેવટે પુસ્તકને એમણે ખોળામાં મૂકી પરિચારક સાથે તામિલ ભાષામાં વાત કરવા માંડી. એમની વાત પૂરી થઈ એટલે બ્રાહ્મણે મારી પાસે પહોંચીને જણાવ્યું કે ભગવાન (મહર્ષિને ભક્તો ભગવાનના પ્રિય નામથી સંબોધતા) ઈચ્છે છે કે પ્રસ્તુત પુસ્તકમાંના મારાં અવતરણોને શ્રી શંકરાચાર્યના વિવકચૂડામણિ ગ્રંથના શ્લોકોને ઉમેરીને તથા થોમસ એ. કેમ્પિસના 'ઈમિટેશન ઑફ ક્રાઈસ્ટ' પુસ્તકનાં લખાણોને ટાંકીને વધારે સમૃદ્ધ બનાવવાં જોઈએ. મને સંકેત મળવાથી એમની પાસે પહોંચીને મેં એ પુસ્તકને પાછું મેળવ્યું.
મહર્ષિની ઈચ્છાને પૂરી કરવા માટે મારે થોડાક દિવસો સુધી આશ્રમની લાઈબ્રેરીમાં કામ કરવું પડ્યું. ત્યાંની મહર્ષિની પરમભક્ત એક અમેરિકન મહિલાએ મને મારા કામમાં ખૂબ જ પ્રસન્નતાપૂર્વક મદદ કરી. મારા હસ્તાક્ષર એટલા બધા સારા ન હોવાથી, મારે મોટા અક્ષરે લખવું પડતું. મારા લેખનકાર્યને પરિપૂર્ણ કરીને મેં તે મહર્ષિને સુપરત કર્યું ત્યારે મને સંતોષાનુભવ થયો.
મારા કાર્યમાં આશ્રમમાં કાયમ માટે રહેનારી એક સન્નારીએ અને પશ્ચિમવાસીઓની મંડળીએ બતાવેલા રસથી મને આનંદ થયો. મહર્ષિ પોતે તો આશ્રમની પ્રત્યેક પ્રવૃત્તિ પ્રત્યે ઉદાસીન જેવા રહેતા હોવાથી કોઈ કાર્યમાં ખાસ રસ લેતા નહોતા દેખાતા.
મને મળેલા અવસરનો લાભ લઈને મેં મહર્ષિને એમના ઉપદેશને મુખ્ય વિષય માનીને એના અભ્યાસની અભિરુચિ રાખનારાં અને એમના પ્રત્યે પ્રેમ અને આદરભાવ રાખનારાં પેરિસ અને બ્રાઝિલનાં બે મંડળો વિશે વાત કરી. એમણે એ મંડળોની સ્થાપના તથા કાર્યપદ્ધતિ વિશે પૂછપરછ કરી. એમના પ્રશ્નો સાથે સંકળાયેલું સ્મિત સંમોહક હતું. એને લીધે મને પ્રોત્સાહન પ્રાપ્ત થયું, કારણ કે એમની સાથે બીજાની સાથે વાત કરીએ એવી રીતે વાતચીત કરવાનું કપરું હતું. મને અંતઃપ્રેરણા દ્વારા જણાયું કે એક પણ અક્ષર એવો ના ઉચ્ચારવો જોઈએ જે ખોટી ટીકાથી ભરેલો હોય; પ્રત્યેક શબ્દ સાંભળનારને સાંભળવો ગમે તેવો હોવો જોઈએ. મહર્ષિ સાથે વાત કરનારને શરૂઆતમાં સહેજ સંકોચ કે શરમનો અનુભવ થતો, પરંતુ એમની દૃષ્ટિમાં દૃષ્ટિ મળતાં એ અનુભવમાંથી મુક્તિ મળતી. એ આપણી સાથે વાત કરતા ત્યારે એમની આંખમાંથી જે અસાધારણ ઊંડી સહાનુભૂતિ, સહૃદયતા અને પ્રજ્ઞાશક્તિ દેખાતી અને પ્રીતિ તેમજ કરુણા નીતરતી તેવી સહાનુભૂતિ, સહૃદયતા, પ્રજ્ઞાશક્તિ પ્રીતિ તથા કરુણા કોઈએ બીજા કોઇની આંખમાં અવલોકી હશે કે કેમ તે શંકાસ્પદ છે.
મહર્ષિને શી રીતે સંબોધવા જોઈએ એની ખબર ના હોવાથી એક વાર મેં સવારના ધ્યાન પછી એમને માટે કેટલુંક લખાણ લખેલું, એ લખાણ એમને અર્પણ કર્યું. મારા એ લખાણ દ્વારા કોઈ પ્રશ્નો પૂછવામાં નહોતા આવ્યા. એ દ્વારા કેટલીક વિનતિ કરવામાં આવેલી. એ વિનતિને એ મહાપુરુષની અનુમતિ લઈને મેં ભારતથી પ્રયાણ કર્યું ત્યારે ફરી વાર રજૂ કરેલી. એ લખાણમાં મારા વ્યક્તિનો પરિચય મળતો ને મહર્ષિના મંગલમય માર્ગને અનુસરવા માટેની યોગ્યતા માટે માહિતી માગવામાં આવેલી.
મારી પ્રાર્થનાને એમણે પૂરી કરી એવો પુરાવો મળતાં વાર ન લાગી. મેં કોઈ બીજી પ્રાર્થના નહોતી કરી. એ પ્રાર્થના મારા વર્તમાન જીવનની સીમાને અતિક્રમનારી અને જન્મ તથા મરણની મર્યાદાઓથી પર થયેલા મહાપુરુષ દ્વારા જ પૂરી થાય તેમ હતી એટલે એ પ્રાર્થના કરવામાં મેં કોઈ ભૂલ નહોતી કરી.
મહર્ષિ ચમત્કારો નહોતા કરતા એ જાણીતું હતું. એ કેટલીકવાર સિદ્ધિઓ અથવા ચમત્કારો અને વિભૂતિઓનો ઉપહાસ કરતા. જે પોતાની યોગશક્તિથી બીજાને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતા તેમને માટે વિનોદ પણ કરી લેતા. પરંતુ સત્યના સાચા શોધકોને અથવા સાધકોને એમની સંનિધિમાં જે જાતજાતના અનુભવો થતાં એમનું સ્પષ્ટીકરણ કેવી રીતે કરી શકાય ? એમની સંનિધિમાં આજુબાજુનું વાતાવરણ બદલાઈ જતું, સર્વ રીતે અનુકૂળ થતું અને ક્યાંયથી સહાયતા મળવાની શક્યતા ના હોય ત્યારે એકાએક અને આવશ્યકતા પ્રમાણે સહાયતા મળતી. એ હકીકતનું સ્પષ્ટીકરણ કેવી રીતે કરી શકાય ? એમની સંનિધિમાં મન અને અંતર ઉદાત્ત બનતું. એવા અનુભવો વિશે જે કહેવાયું છે એ એકદમ અલ્પ હોવાથી આપણે એમના વિશે અધિક નથી જાણતા. જેમને એવા અનુભવો થયા છે એમણે એમના સાધનાપંથના સહપ્રવાસીઓ સિવાય બીજા કોઈને એ સંબંધી કાંઈ નથી કહ્યું.
મહર્ષિની આજુબાજુ કોઈ ગૂઢ રહસ્યમય વાતાવરણ નહોતું રહેતું. મહર્ષિ પોતે ખૂબ જ સાદા અને કુદરતી, અકૃત્રિમ જીવન જીવનારા હોવાથી હૉલમાં કોઈક અસાધારણ, માનવામાં ના આવે એવો ચમત્કાર બનતો તો પણ ખાસ કુતૂહલ નહોતો જગાવતો. મહર્ષિ પોતે જ સૌથી મોટા ચમત્કાર જેવા હતા. મને ખબર હતી કે સૌ કોઈને એવી કલ્પના નહિ થાય અને સૌને એવો સ્વાનુભવ નહિ થઈ શકે. એવા ચમત્કારોને અંતરના ઊંડાણમાં અથવા અસીમ અનંત શાંતિમાં ડૂબકી મારવાથી જ સમજી શકાય. મહર્ષિ જેવા લોકોત્તર મહાપુરુષના શ્રેયસ્કર પ્રભાવથી પરિચિત હોવા છતાં કેટલાકને માટે એવું કરવાનું કઠિન હતું.
*
એ દિવસે કોઈક હિંદુ સંતપુરુષનો ઉત્સવ થઈ રહેલો. એના ઉપલક્ષમાં પર્વતની તળેટીના વિસ્તારમાં આવેલી ગાયની પવિત્ર પ્રતિમાનું પૂજન કરવામાં આવ્યું. એ આખાય મહોત્સવ દરમિયાન મહર્ષિ મંદિરની સામેની ભૂમિમાં ખુરસી પર બેસી રહ્યા. એમની આજુબાજુના લોકો મંત્રોચ્ચાર કરી રહેલા. મહર્ષિ સદાની પેઠે બહારની પ્રવૃત્તિથી અલિપ્ત રહીને એ સમસ્ત સમય દરમિયાન તદ્દન શાંત અને નિશ્ચળ રહ્યા. એમને એ આખીય પ્રવૃત્તિમાં કશો રસ ના હોય એવું લાગતું હતું.
કેટલાક વખત પછી મને એવું લાગ્યું કે મેં એમની અલિપ્તતાના કારણને સમજી લીધું. એ કારણ આવું હતું : મહર્ષિ બાહ્ય જગતના અસ્તિત્વમાં અથવા એની યથાર્થતામાં માનતા ન હતા. એ સમજતા કે એ માયા છે. અખિલ અસ્તિત્વના મૂળાધારમાં સદાને માટે સ્થિતિ કર્યા પછી એ ધૂમ્રસમૂહ જેવા ક્ષણભંગુર સંસારના સામાન્ય અથવા અસામાન્ય પ્રસંગોમાં કેવી રીતે રસ ધરાવી શકે ?
માનસિક વિચારમાં અને સત્યના સાક્ષાત્કારમાં ભેદ હોય છે. ભૂલોનો ભોગ ના બનાય એટલા માટે સત્યને માનસિક રીતે સમજી લેવાનું આવશ્યક અને ઉપયોગી હોય છે. પરંતુ એનાથી આગળ વધીને સ્વાનુભૂતિના પ્રદેશમાં પ્રવેશવાનું પણ એટલું જ ઉપયોગી હોય છે. મહર્ષિ જેવા આત્મસાક્ષાત્કારી સત્ય પુરુષના સંપર્કમાં આવવાનું સૌભાગ્ય મને ના સાંપડ્યું હોત તો મારાથી એની શક્યતાને ના સમજી શકાત. પરંતુ મારી સામેના જીવંત ઉદાહરણને લીધે મારી આશા ચોક્કસતામાં પરિણમી. એ મહાન દિવ્ય વિભૂતિનો પ્રકાશ ચારે તરફ ફરી વળેલો.
મહોત્સવનો શેષ ભાગ મંદિરમાં પૂરો કરવામાં આવ્યો. ભસ્મ તથા કંકુના જે પાત્રોને ત્યાં લાવવામાં આવ્યાં તે પાત્રોની પવિત્ર સામગ્રીને અમે અમારા કપાળે લગાડી. એના આધ્યાત્મિક અર્થની સમજ ખૂબ જ ઓછા માનવોને હશે.
- © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)