‘પરમ સત્ય, તત્વ અથવા પરમાત્માનો સાક્ષાત્કાર જો ના થાય તો શાસ્ત્રોનું અધ્યયન નિષ્ફળ છે. અને જો પરમ સત્ય, તત્વ કે પરમાત્માનો અપરોક્ષ અનુભવ અથવા સાક્ષાત્કાર ના થાય તો એ અવસ્થામાં પણ શાસ્ત્રોનું અધ્યયન નિષ્ફળ છે.’
- શ્રી આદ્ય શંકરાચાર્ય કૃત વિવેકચૂડામણિ, શ્લોક ૬૧.
જ્ઞાનવિજ્ઞાનના ગૂઢ ગ્રંથોનું અધ્યયન કરીને કાંઈક અંશે નિરાશા કે હતોત્સાહ બનેલા માનવોને માટે શ્રી શંકરાચાર્યના ઉપર્યુકત શબ્દો ધાર્યા કરતાં ઘણા જ વધારે મૂલ્યવાન છે. જો આપણે મગજને જ મહત્વ આપીને જ્ઞાનનો સંગ્રહ કરવાની કોશિશ કરીએ તો આપણું મગજ ભારે થાય છે, એની ઉપરનો બોજો વધી જાય છે. અને જેને આપણે સાચેસાચ શોધીએ છીએ તે આત્માનુભૂતિના પરિણામે પેદા થનારો અને અનુભવવા મળનારો આત્માનો વાસ્તવિક આનંદ અનુભવવા નથી મળતો.
આત્મદર્શનના પવિત્ર પંથ પર જે સાચી રીતે આગળ વધે છે તે જાણે છે કે એનો વિકાસક્રમ અનોખો છે. પરમાત્માના પાવન ભંડાર પાસે પહોંચી જઈએ છીએ ત્યારે એ અનુભવાય છે. મહર્ષિનું જીવન એના ઉત્તમોત્તમ ઉદાહરણરૂપ હતું.
એમને આત્માનો પવિત્ર પ્રકાશ પ્રાપ્ત થયો તે પહેલાં એ એમની યુવાવસ્થામાં હિંદુ ધર્મશાસ્ત્રો વિશે કશું નહોતા જાણતા એમ કહીએ તો ચાલે. પાછળથી એ બધું સહેલાઈથી સમજવા લાગ્યા અને એમના અનુભવના આધાર પર શાસ્ત્રોની સાર વાતોનું સ્પષ્ટીકરણ પણ કરવા માંડ્યા. વિકાસની પ્રાકૃતિક પદ્ધતિ એ જ છે. એને સમજવા માટે એક ઉપમા મદદરૂપ થઈ પડશે : જેને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોય છે તેને ફ્રેંચ જેવી બીજી ભાષા વાંચવાનું અશક્ય લાગે છે. ભાષાનો સાચી રીતે ઉપયોગ કરવા માટે તેણે તે ભાષાને શીખવી જ જોઈએ. શાસ્ત્રોના સંબંધમાં પણ એવું જ સમજવાનું છે. એમની અંદર આપણે વાપરીએ છીએ તેવા જ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે તો પણ એમની ભાષા જુદી જ હોય છે.
એનો અર્થ એવો નથી કે વાચન વ્યર્થ છે. જેમ જેમ અંતર્જ્ઞાનનો ઉદય થતો જાય છે તેમ તેમ શાસ્ત્રો આપણા સ્વાનુભવનું સમર્થન કરતાં હોય એવું લાગે છે. એ આપણને આધ્યાત્મિક વિકાસના માર્ગમાં ચોક્કસતા ને પ્રમાણભૂતતા પૂરી પાડે છે. સાધક જેમ જેમ આગળ વધે છે તેમ તેમ એનું મન મૂંઝવણો ને ગૂંચવણોમાંથી મુક્તિ મેળવતું જાય છે અને એના મુખમાંથી આત્માનુભૂતિનાં રહસ્યોનું સરળ સાદા સારગર્ભિત શબ્દપ્રયોગો દ્વારા ઉદઘાટન થતું જાય છે. પહેલાં જે વિષયોને સમજાવવા માટે કઠિન શબ્દપ્રયોગો કરવા પડતા તે જ વિષયોને સરળ ભાષામાં સમજાવવાનું એને માટે સહજ બની રહે છે. ઈશુ, બુદ્ધ, રમણ મહર્ષિ જેવા માનવજાતિના બીજા મહાન સંદેશવાહકોની સરળતાનો પરિચય એમના સદુપદેશો દ્વારા આપણને સહેલાઈથી થઈ શકે છે. એમને પૂર્વ અને પશ્ચિમના વર્તમાનકાળના ફિલસૂફો સાથે સરખાવવાથી સમજાય છે કે સત્ય ક્યાં છે અને સત્યની કેવળ સિદ્ધાંતવિષયક વાતો ક્યાં છે. અંહકારથી ભરેલા વ્યક્તિત્વવાળા માયાવી જીવનથી આગળ વધીને આપણા સાચા સ્વરૂપનો સાક્ષાત્કાર કરવા માટે આપણે સત્યના પવિત્ર પ્રકાશની જ આવશ્યકતા છે, એના એકલા વિદ્વત્તાયુક્ત વર્ણનની આવશ્યકતા નથી; કારણ કે વર્ણનથી આપણને મહત્વની મદદ નહિ મળી શકે.
મહર્ષિએ આત્મવિચારની વર્તમાન પ્રક્રિયાને પૂરી પાડીને પેલા પુરાતન સત્યનું પ્રતિપાદન કર્યું છે કે સાચા સદગુરુના એક જ સદુપદેશનો જો અમલ કરવામાં આવે તો તેથી સાધકનું જીવન ધન્ય કે કૃતાર્થ બની શકે છે.
એક સર્વસમર્થ છતાં અજ્ઞાત શક્તિ આપણામાંના પ્રત્યેકમાં સુષુપ્ત રીતે રહેલી છે. રમણ મહર્ષિ એ વિશે વારંવાર વાત કરતા. એ શક્તિને બહાર કાઢવી જોઈએ, કારણ કે એના સિવાય કાંઈ પણ મેળવી શકાતું નથી. એ શક્તિ જુદા જદા રૂપે પ્રગટ બને છે અને ભક્તોની આગળ પ્રત્યક્ષ બને છે. ભક્તિ, જ્ઞાન બધા સ્વરૂપે એ જ લીલા કરે છે. આપણામાંના થોડાકને ખબર છે કે પરમાત્માની એ પરમ શક્તિનો અનુભવ આપણને થઈ શકે એટલા માટે સદગુરુની કૃપા સિવાય બીજો કોઈ અકસીર ઉપાય નથી. ગુરુની કૃપાનો અનુભવ જે પરમાત્માને જાણવા માગે છે તથા જે સદગુરુની પાસે પહોંચે છે, તેમને સહેલાઈથી થઈ શકે છે.
પરમાત્માની પરમ શક્તિ સાધકને પોતાના મન પર કાબૂ કરવાનું શીખવે છે. અંદરનાં અને બહારનાં કષ્ટોનું મૂળ કારણ એ મન જ છે. વખતના વીતવાની સાથે સાધકની આત્મશ્રદ્ધામાં વધારો થાય છે. અને એને ઊંડી શાંતિનો અનુભવ થાય છે. જે સાધકો પોતાની અંદર એ શક્તિને જાગ્રત કરી શકે છે તે સમજે છે કે એની મારફત પરમાત્માની સાથેની એકતાને અનુભવી શકાય છે, અને અમૃતમય બનાય છે. સાધકને માટે સૌથી ઉત્તમ મદદ એ છે કે એ બહારના સિદ્ધાંતો, આદર્શો અને ઉપદેશોના ભાર નીચે દબાઈ ના જાય. સદગુરુ એ શક્તિની જાગૃતિ માટે એક બીજી સુંદર પદ્ધતિને અજમાવે છે. એ પોતાના મૌન, વચન, સ્પર્શ તથા સંકલ્પ દ્વારા સાધકની સુષુપ્ત શક્તિને જગાડીને એની સમસ્યાઓને શાંત કરે છે. એ પછી એનું જીવન એના પોતાના સ્વાનુભવના સારરૂપ બની જાય છે. માનવના જીવનમાં મુખ્ય મહત્વ એનું જ છે.
મોટા ભાગના માનવોને પોતાના પૂર્વ સિદ્ધાંતો અને પૂર્વ જ્ઞાનમાંથી મુક્તિ મેળવવામાં મુશ્કેલી પડે છે. પરંતુ કેટલાક એમાં સફળ થાય છે. આપણને એમ થાય છે કે જો જ્ઞાનની બહારની ગંદકીને છોડવાની જ હોય તો તેને પહેલેથી શા માટે એકઠી કરવી જાઈએ ?
કેટલાક પ્રામાણિક સાધકો એટલા માટે ચિંતા કરે છે કે એ ધર્મો, યોગો, સંપ્રદાયો અને મતમતાંતરોનું પૂર્ણ જ્ઞાન પામી શકતા નથી. એના વિશે મહાયોગ પુસ્તકના લેખકે લખ્યું છે કે બહારના ગ્રંથોનું જ્ઞાન મગજમાં ભરીને જ્યારે પણ આવશ્યકતા પડે ત્યારે બહાર કાઢી શકાય છે અને ઉપયોગમાં પણ લાવી શકાય છે. છતાં પણ મારે કહેવું જોઈએ કે બહારના જ્ઞાનના આકર્ષણમાં અટવાઈને સાધકે આત્માના અલૌકિક અપરોક્ષ અનુભવથી વંચિત રહેવું ન જોઈએ.
*
પરમાત્માની એ પરમ શક્તિનું નામ આપવાનું અત્યારે યોગ્ય નથી. યોગ્ય સમયે એ નામ આપવામાં આવશે ત્યારે એમાં કોઈ ભૂલ નહીં થાય. પરમાત્માની એ શક્તિ અનોખી, અનેરી, એકાકી અને પ્રત્યેક માનવના હૃદયમાં રહેલી છે. કોઈ પણ કાર્યને પૂરું કરવા માટે એનો ભરોસો રાખી શકાય તેમ છે. એ શક્તિનો સ્વાનુભવ આપણા પોતાના પ્રયત્નથી થઈ શકે છે. પરમાત્મા કરતાં બીજું કશું શ્રેષ્ઠ નથી, એમનાથી અલગ એવું કશું નથી. એ આપણા સાચા સનાતન મિત્ર તથા ધ્યેય અને આપણા વ્યક્તિત્વના અવિભાજ્ય અંગ જેવા છે.
મહર્ષિએ એક વાર એક અંગ્રેજને કહેલું કે ‘માનવ જ્યારે પોતાના સાચા સ્વરૂપને પ્રથમ વાર ઓળખે છે ત્યારે એના અંતરના ઊંડાણમાંથી કશુંક પ્રગટ થાય છે. અને એ એના ઉપર પોતાનો અધિકાર જમાવે છે. એ મનની બીજી બાજુએ હોય છે અને અનંત, સનાતન તથા દિવ્ય કહેવાય છે.’
જે જગતને આપણે જોઈએ છીએ તે જગતના પદાર્થો આશ્ચર્યકારક અને અનોખા હોવા છતાં જે સૌથી વધારે આશ્ચર્યકારક તથા ગૂઢ છે અને જગતનું એકમાત્ર મૂળ કારણ છે તે પરમાત્માને આપણે ઓળખાતાં નથી. એ પરમાત્માને લીધે સંસારનો સઘળો વ્યવહાર સુચારુ રૂપે ચાલી રહ્યો છે.
તમારા ધ્યાનને જીવનના પરિવર્તશીલ પદાર્થો, જગત તથા મરણ પ્રત્યે કેન્દ્રિત ના કરશો. ઈન્દ્રિયોના વ્યવહારોનો વિચાર કરવાને બદલે એ વ્યવહારો જેને લીધે થાય છે તે પરમાત્માની પરમશક્તિનો વિચાર કરો. જે સાચેસાચ સૌને જુએ છે તેની ઉપર મનને કેન્દ્રિત કરતાં શીખો. એ તમારી પોતાની અંદર વિરાજે છે. જે જગતને આપણે જોઈએ છીએ તે જગત એક પરમાત્માના પરમ સુંદર સાકાર સ્વરૂપ જેવું છે.
જે સાધક ધ્યાનમાં કુશળ બને છે, તે આંખ અને કાનને ખુલ્લા રાખવા છતાં જે કદી જોતાં કે સાંભળતા નથી તથા જે શારીરિક માનસિક અસરોથી મુક્ત છે તેવા પરમાત્મામાં પોતાના મનને સ્થિર કરે છે.
રમણ મહર્ષિના એ શબ્દો આપણી અંદર રહેલી પરમાત્માની પરમ શક્તિના પરિચારક છે. એ શબ્દોમાં કશું વધારે ઉમેરવા જેવું નથી લાગતું.
- © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)