આશ્રમના મારા નિવાસ દરમિયાન મારી સમક્ષ મોટામાં મોટો સવાલ જીવન પ્રત્યેના નવા દૃષ્ટિકોણની સ્પષ્ટ વ્યાખ્યા મેળવવાનો હતો. મારું મન મારી અંદર કેન્દ્ર સ્થાને રહેલા આત્માની આજુબાજુ રમ્યા કરતું. એની આગળ બીજું બધું જ ગૌણ હતું. જીવનનો એ દૃષ્ટિકોણ સ્પષ્ટ, સંપૂર્ણ અને છેવટનો હતો. એ સિવાયનો બીજો કોઈ પણ દૃષ્ટિકોણ અથવા અભિગમ મને સ્વીકારવા યોગ્ય નહોતો લાગતો.
મને મળેલી હજારો વ્યાખ્યાઓમાંથી કોઈ પણ વ્યાખ્યા એને સંપૂર્ણપણે સંતોષી ના શકી. સાપેક્ષ અને સીમિત વ્યાખ્યાઓને મિથ્યા માનીને પડતી મૂકી. જે વ્યાખ્યાઓ અટપટા શબ્દપ્રયોગવાળી અને આચારમાં અનુવાદિત કરી શકાય તેવી નહોતી તે વ્યાખ્યાઓ નિવૃત પ્રોફેસરોના મનોરંજન માટે ઉપયોગી થઈ શકે ખરી, પરંતુ આત્મિક અભ્યુત્થાનના માર્ગે આગળ વધવાનો પ્રયત્ન કરનારને માટે આદર્શ ના બની શકે. એટલે એમને અપનાવવાનો કોઈ અર્થ નહોતો. મારે તો એવી વ્યાખ્યાની આવશ્યકતા હતી જે વ્યાખ્યા મારા અંતરના ઊંડાણને અસર કરે, કોઈ પ્રકારની શંકા કે ટીકાટિપ્પણીનો અવકાશ ના રાખે અને મારા સાધના સંબંધી અંતરંગ અનુભવ સાથે સુમેળ સાધે.
જેમને પણ સત્યનો સાક્ષાત્કાર થયો છે તે ઉત્સાહપૂર્વક એને જ જીવનનો એકમાત્ર આદર્શ બતાવે છે અને જણાવે છે કે બીજુ બધું જ ભ્રમણામય હોવાથી એ આદર્શની સિદ્ધિ માટે સર્વસમર્પણ કરવું જોઈએ. એમના શબ્દો કોઈક અજ્ઞાત વાજિંત્રમાંથી સંભળાતા ચિત્તાકર્ષક સુંદર સ્વરો જેવા લાગે છે. મારી શોધમાં મારે સર્વ પ્રકારનાં નામો ને રૂપોનો ત્યાગ કરીને, અજ્ઞાનના બધા જ પડદાઓને હઠાવીને, સૌનાય જીવન જેવા પરમ ચૈતન્ય પાસે પહોંચવાનું હતું.
ધ્યાનની મદદથી સત્યની શોધની દિશામાં આગળ વધતાં વધતાં મને સમજાયું કે દૃશ્યમાન જગતની વાસ્તવિક્તાનો અસ્વીકાર કરવાથી મારા ધ્યેયની પાસે પહોંચવાનું કામ સરળ બન્યું. એ વિકાસક્રમના તબક્કાઓને વિગતવાર વર્ણવવાનું કાર્ય એકદમ અશક્ય હોવા છતાં એમની સામાન્ય રૂપરેખા આપી શકાશે. મારા આત્માની સાથેના બાહ્ય પદાર્થોના સંબંધનો વિચાર કરતાં ધ્યાનાવસ્થા દરમિયાન શાંતિની એ પળોમાં મને એટલું અવશ્ય સમજાયું કે એમનો આત્મા સાથે સંબંધ નથી. એવે વખતે સર્વ પ્રકારની શરતો તથા સીમાઓથી રહિત એક સર્વતંત્ર સ્વતંત્ર સાર્વભૌમ ચેતનાના અસ્તિત્વની શક્યતાનો વિચાર મારા મનમાં પેદા થતો. એ વિચારદર્શન ધ્યાનની સમયમર્યાદા અને એકાગ્રતાના પ્રમાણમાં વધારે કે ઓછા પ્રમાણમાં થયા કરતું. પરંતુ એમાં મને કોઈ પ્રકારની શંકા નહોતી રહેતી. એના પરિણામે મને વિચાર આવતો કે કેવળ ચેતન જ જીવન છે. એ ચેતના કોઈની સાથે જોડાયેલી નથી હોતી, સર્વત્ર સ્વતંત્ર છે, અને ‘હું છું’ ના સ્થૂળ સ્વરૂપમાં પ્રકટ થાય છે.
એ ‘હું’ નાશવંત શરીરની અંદર ઈન્દ્રિયો સાથે રહેનારું અને કાર્ય કરનારું કોઈ સામાન્ય નાનું સ્વરૂપ નથી હોતું. એ નાના સ્વરૂપને મૂળભૂત વાસ્તવિક સત્ય સ્વરૂપ ના કહી શકાય. એ ‘હું’ અથવા ‘અહં’ ભાવ આધુનિક તત્વજ્ઞાનવિષયક સાહિત્યમાં વપરાતા ‘વૈશ્વિક ચેતના’ અથવા ‘આત્મચેતના’ અથવા ‘પરમાત્મા’ શબ્દપ્રયોગ સાથે સામ્ય ધરાવે છે, તો પણ કાંઈક અંશે ભિન્ન છે. ચેતનાના એ અંતરંગ સૂક્ષ્મ સ્વરૂપને આત્યંતિક કલ્યાણ અથવા પરમાનંદનું અભિધાન પણ આપી શકાય.
- © યોગેશ્વરજી (રમણ મહર્ષિની સુખદ સંનિધિમાં)