Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભક્તોની રક્ષા કરવાનું વ્રત શાને લીધું ?
શરણાગતને અભય વચન કાં પ્રથમ થકી દીધું ?
પ્રાર્થે તેને જવાબ દેવા આપ્યો શાને કોલ ?
હજી પ્રકટ ના થાઓ શાને, શાને રહ્યા અબોલ ?

મારાતરફ મદદમાટે જે દ્રષ્ટિપાત કરશે,
મારૂં નામ લઈને પ્રેમે ધ્યાન વળી ધરશે;
જાનજોખમે સંભાળ સદા તેની હું રાખીશ,
ઉપકાર ગણી કૃપાકિરણને તેના પર નાખીશ.

તમારાં બધાંયે કર્મો પર નજર રહે મારી,
ઉગારવાને તમને શક્તિ કામ કરે મારી;
કહ્યા વચન છે તમે જ એવાં થયાં વ્યર્થ તે શું ?
મહાન પુરૂષોની વાણીમાં બળ શું ના જ કશું ?

ત્રિલોકની રક્ષા કરવા છો સદા તમે તૈયાર,
મારા તો હિતની ચિંતાનો લાગ્યો તમને ભાર ?
શક્તિ તમારી કામ કરે ના કેમ મહારેકાજ;
પોકારું તોપણ ના આવો સત્વર શાને આજ ?

અપરાધ બધા ક્ષમા કરીને પ્રકટ બનો સપ્રેમ,
'પાગલ’ બાલક પર મુક્તમને આજ કરી દો રે’મ;
લોચનને જોવાની ઈચ્છા, તૃષ્ણા અન્ય નથી,
એકે ક્ષણ ના બનો વધારે જો જો હવે હઠી.

અનુરાગમહીં આવી વચનો આદરે કહું,
સાંઈનાથ, ઘણાં માની કરી દો કરુણા ચહું.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit