મનુષ્યોયે વચન પાળે, તમે તો દેવ છો ત્યારે,
વળી છો પ્રકટ પરમાત્મા, તરત આવો હવે વ્હારે..... મનુષ્યોયે
દિવસ વીતી ગયા કૈંયે, યુગો જેવા ખરે થૈ ને;
તમારી રાહ જોવાયે, નિરંતર આંસુની ધારે..... મનુષ્યોયે
નવી માળા લઈ નિશદિન, તમારી આશમાં બેસું;
વચનનું ધ્યાન રાખીને જગાવી ગીતને તારે..... મનુષ્યોયે
તમે ના પાળશો વાણી, રહે શ્રદ્ધા પછી શાની;
તમોને કોણ ભજશે માનશે ને પૂજશે પ્યારે ? ... મનુષ્યોયે
ન તલસાવો કૃપાળુ હવે,મને ના અન્ય કૈંય ગમે;
થઈ 'પાગલ’ તમારા નેહમાં નહરાવશો ક્યારે ? ... મનુષ્યોયે
- શ્રી યોગેશ્વરજી