મમતા ખૂબ કરે મહારાજ !
ભક્તજનોને ભીડ પડે તો તરત કરી દે કાજ;
પોતાની જાણીને રાખે, નિશદિન નિજ જન લાજ.....મમતા.
પોતે તરે અન્યને તારે, તારે જેમ જહાજ;
દીનજનોનાં દર્દ હરી લે, સેવે સંતસમાજ.....મમતા.
તપ્ત હૃદયની શીતળ છાયા, ક્ષુધાર્તકાજ અનાજ;
પ્યાસીનું છે પિયૂષ કેવલ, આવે સુણી અવાજ.....મમતા.
દીનહીનને વૈભવ આપે, રંકજનોને રાજ;
ભજે ભાવથી સ્મરે તેમને અપાર આપે વ્યાજ.....મમતા.
કલંક લાગે નહીં કીર્તિને અવનીના અધિરાજ;
'પાગલ’ ને પાળો ને મમતા ખૂબ કરો મહારાજ ! .....મમતા.
- શ્રી યોગેશ્વરજી