Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તમારા અખંડ સમાગમમાં આવનારા
જડ ને ચેતન પદાર્થો પણ મહાભાગ્યશાળી છે એમ મને લાગ્યા કરે છે.
તેમનામાંના એક થવાનું સદભાગ્ય મને સાંપડ્યું હોત તો પણ કેટલું સારું,
એવો વિચાર આવવાથી મારી આંખ ઉભરાઈ જાય છે.

મને એમ થાય છે કે તમારા રાજપ્રાસાદના પવન થવાનું સૌભાગ્ય મને સાંપડ્યું હોત તો કેવું સારું !
તમારા અંગે અંગમાં હું ફરી વળત.
અથવા તમારા સુંદર બાગમાં એકાદ વૃક્ષ બનવાનું મારે ફાળે આવ્યું હોત તો ?
મારા મસ્તકને ઊંચું કરીને તમારા વિશ્વમોહન રૂપને
એકીટસે લેશ પણ થાક્યા વિના રાતદિવસ જોયા કરત.
અથવા તમારા મહેલની પાસેની ફુલવાડી થવાનું ભાગ્ય મળ્યું હોત
તો તમારા કંઠ, તમારી છાતી ને તમારી કબર પર ફુલ બનીને રમ્યા કરત,
ને તેને વધારે સુશોભિત કરત.
તમારો પલંગ, તમારી ચાદર, પથારી ને આંખનું અંજન થવાનું સૌભાગ્ય પણ મને મળ્યું હોત તો ?

બીજું તો ઠીક, પણ તમારા આવવા જવાના રસ્તાની
અથવા તમારા ચરણની રજ થવાનું સૌભાગ્ય મળ્યું હોત
તો પણ તમારા ચરણને રોજરોજ ચુમ્યા કરત :
તો પણ મને અપાર આનંદ થાત.
હવે તો એ બધું બની શકે તેમ નથી.
હવે તો કૃપા કરીને મને તમારો અખંડ સહવાસ આપો,
તો જ મારો મનોરથ પૂરો થઈ શકે.

- શ્રી યોગેશ્વરજી