Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
આજે મને દેવપ્રયાગના પવિત્ર પ્રદેશમાં થનારા અલકનંદા ને ભાગીરથીના સંગમની સ્મૃતિ થાય છે.
કેટલો સુંદર ને આકર્ષક છે એ સંગમ !
હિમાલયની બે પુત્રીઓ પર્વતોની વચ્ચેથી વહી આવીને એકમેકને આલિંગન કરે છે,
ત્યારે કેટલું સુખદ દૃશ્ય ઉભું થાય છે !
સંગમ આગળ બંનેનું પાણી ખૂબ વેગથી વહેવા ને ઉછળવા માંડે છે.
એ વખતનું દૃશ્ય ખૂબ અદભૂત ને અનેરું લાગે છે.

આપણા બંનેના હૃદય પણ જ્યારે ભેગાં થાય છે
ત્યારે એવી જ અદભુતતા ધારણ કરે છે, ખૂબ અલૌકિકતા ધારણ કરે છે.
રસની એક નવી જ અનેરી દુનિયા તે વખતે ઉત્પન્ન થાય છે.
તન, મન ને અંતર અરે, રોમેરોમ તે વખતે નાચી ઉઠે છે.
તે વખતના આનંદનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી.
અલકનંદા ને ભાગીરથીની જેમ આપણા હૃદય પણ
પ્રેમના પ્રબળ પ્રવાહમાં વહેતાં ને ઉછાળા પર ઉછાળા મારતાં દોડવા માંડે છે.
તેમાંયે જ્યારે એકમેકનું હૈયું મળે છે ત્યારે તો સ્વર્ગસુખથીયે ઉત્તમ સુખ છવાઈ જાય છે.

- શ્રી યોગેશ્વરજી