कालः स्वभावो नियतिर्यदृच्छा भूतानि योनिः पुरुष इति चिन्त्या ।
संयोग एषां न त्वात्मभावा-दात्माप्यनीशः सुखदुःखहेतोः ॥२॥
kalah svabhavo niyatiryadrccha
bhutani yonih purusa iti chintya ।
samyoga esam na tvatmabhava-
datmapyanisah sukhaduhkhahetoh ॥ 2॥
કો’ક કહે છે કાલ જગતનું કારણ સત્ય ખરેખર છે,
કો’ક કહે છે સ્વભાવ કારણ, સ્વભાવથી સૃષ્ટિ બને છે;
કો’ક કર્મને કારણ કે છે, કર્મ પ્રમાણે થાય બધું;
કો’ક કહે છે ભાવિ જ કારણ, પંચભૂત કારણ સહુનું.
જીવાત્માને કો’ક કહે છે કારણ; કારણ કોણ ખરૂં ?
જડ પદાર્થ ના કારણ હોયે, જડ છે આત્માધીન બધું,
સ્વતંત્ર તે કૈં કાર્ય કરે ના; તેમજ આ જે જીવાત્મા,
તે પણ સુખ ને દુઃખ દેનારાં કર્મથકી છે બધ્ધ સદા,
પ્રારબ્ધ રહો સદા ભોગવી, તે તો પૂર્ણ સ્વતંત્ર નથી;
કારણ-તત્વ જગતનું તેથી આમાંથી એકેય નથી. ॥૨॥
અર્થઃ
કાલઃ - કાળ
સ્વભાવઃ - સ્વભાવ
નિયતિઃ - નિશ્ચિત ફળ આપનારું કર્મ
યદ્યચ્છા - આકસ્મિક પરિસ્થિતિ અથવા ઘટના
ભૂતાનિ - પંચમહાભૂત
પુરુષઃ - જીવાત્મા
યોનિઃ - કારણ છે.
ઇતિ ચિન્ત્યા - એનો વિચાર કરવો જોઇએ.
એષામ્ - આ કાલાદિનો
સંયોગ - સમુદાય
તુ - પણ
ન - જગતનું કારણ ના કહી શકાય.
આત્મભાવાત્ - કારણ કે એ ચેતન આત્માને આધીન છે અને જડ હોવાથી સ્વતંત્ર નથી.
આત્મા - જીવાત્મા
અપિ - પણ
(ન - જગતનું કારણ નથી)
સુખદુઃખહેતોઃ - કારણ કે એ સુખદુઃખના કારણરૂપ પ્રારબ્ધને
અનીશઃ - આધીન છે.
ભાવાર્થઃ
ઋષિઓએ જિજ્ઞાસાવૃતિથી પ્રેરાઇને એને સંતોષવા માટે પરસ્પર વિચારવિનિમય કરતાં કહેવા લાગ્યા કે વેદમાં વિવિધ પ્રકારનાં કારણોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જગતના કારણ તરીકે ક્યાંક કાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એને સર્વોપરી સમજીને જગતનાં સર્જન, પાલન અને વિસર્જનરૂપી વ્યાપારનો નિયંતા કહ્યો છે. ક્યાંક સ્વભાવને કારણ કહ્યું છે. વૃક્ષની ઉત્પત્તિ બીજને અનુરૂપ જ થતી હોય છે. વસ્તુમાં રહેલી સ્વાભાવિક શક્તિને લીધે એમાંથી સહજ રીતે પ્રવૃતિનો વિસ્તાર થાય છે. સમુદ્રમાંથી વરાળ બનીને વાદળ બંધાય છે, સમય પર વૃષ્ટિ થાય છે, ને સમુદ્રમાં એનું પાણી ફરી પાછું સમાઇ જાય છે. કર્માનુસાર જુદા જુદા શરીરોની પ્રાપ્તિ થતી હોવાથી ક્યાંક કર્મને કારણ કહેવામાં આવ્યું છે. ક્યાંક આકસ્મિક ઘટનાચક્રનો, પંચમહાભૂતનો કે જીવાત્માનો સૌના કારણ તરીકે નિર્દેશ કરવામાં આવ્યો છે. પરંતુ કામ, સ્વભાવ, કર્મ, ઘટનાચક્ર તથા પંચમહાભૂત જડ હોવાથી આવા વિરાટ જડચેતનાત્મક જગતના કારણ તરીકે કામ કરી શકે નહીં. એ સૌને વિશાળ વિશ્વના કારણ તરીકે માની શકાય નહીં. એ સર્વે ચેતનને અધીન છે. ચેતનની મદદ વિના એમનાથી કાંઇ જ ના થઇ શકે. એ સર્વે અલગ રહીને અથવા સંયુક્ત રીતે પણ સંસારનું સર્જન, પાલન, સંવર્ધન અને વિસર્જન ના કરી શકે. પુરુષ અથવા જીવાત્માની અંદર પણ એવી અસાધારણ શક્તિનું આરોપણ નથી કરી શકાતું. કારણ કે એ પણ સુખદુઃખ, હર્ષશોક, લાભહાનિ, જયપરાજય, અભ્યુત્થાન-પતન અને જન્મમરણની સૃષ્ટિ કરનારા પ્રારબ્ધકર્મને આધીન છે. એ પણ સંપૂર્ણ સ્વતંત્ર રીતે કંઇ નથી કરી શકતો. એની ઇચ્છા પ્રમાણે શરીરમાં નથી રહી શકતો, અને ઇચ્છાનુસાર શરીરને છોડી નથી શકતો. ઇચ્છાનુસાર પાત્રો, પદાર્થો તથા પરિસ્થિતિની પ્રાપ્તિ એને નથી થતી. એ પોતે જ કોઇકના હાથમાં હથિયાર થઇને કઠપૂતળીની પેઠે ફરે છે ને ખેલ કરે છે. એની પોતાની જ પરિસ્થિતિ એવી પંગુ હોય છે કે એ પોતાનું જ સંપૂર્ણ શાસન નથી કરી શકતો તો સમસ્ત સંસારનું તો કેવી રીતે કરી શકે ? એવી અપેક્ષા પણ એની પાસેથી કેવી રીતે રાખી શકાય ?