શ્વેતાશ્વતર ઉપનિષદ
Chapter 1, Verse 03
ते ध्यानयोगानुगता अपश्यन् देवात्मशक्तिं स्वगुणैर्निगूढाम् ।
यः कारणानि निखिलानि तानि कालात्मयुक्तान्यधितिष्ठत्येकः ॥३॥
te dhyanayoganugata apasyan
devatmasaktim svagunairnigudham ।
yah karanani nikhilani tani
kalatmayuktanyadhitisthatyekah ॥ 3॥
પછી ધ્યાનમાં બેઠા તે સૌ, ત્યારે પ્રભુદર્શન પામ્યા,
ત્રિગુણમયી ને ગુણાતીત તે પ્રભુની શક્તિ બધી પામ્યા;
એ જ એક પરમાત્મા કાલ વિગેરે પર શાસન કરતા,
પંચભૂત ને જીવ સર્વ વર્તે છે તે પ્રભુના વશમાં. ॥૩॥
અર્થઃ
તે - તેમણે
ધ્યાનયોગાનુગતઃ - ધ્યાનયોગમાં પ્રવેશીને
સ્વગુણૈઃ - પોતાના ગુણોથી
નિગૂઢામ્ - ઢંકાયેલી
દેવાત્મશક્તિમ્ અપશ્યન્ - પરમાત્માની પરમશક્તિનો સાક્ષાત્કાર કર્યો
યઃ - જે (પરમાત્મા)
એકઃ - એકલા જ
તાનિ - તે
કાલાત્મયુક્તાનિ - કાળથી માંડીને જીવાત્મા સુધીનાં (પ્રથમ દર્શાવેલાં)
નિખિલાનિ - સમસ્ત
કારણાનિ અધિષ્ઠતિ - કારણો પર શાસન કરે છે.
ભાવાર્થઃ
એવા સૂક્ષ્મ, અતિશય સૂક્ષ્મ વિષયનો નિર્ણય કેવળ બૌદ્ધિક વિચારવ્યાપાર દ્વારા કેવી રીતે કરી શકાય ? એને માટે તો અનુભૂતિના પવિત્ર પ્રદેશમાં પ્રવેશવું જોઇએ. બૌદ્ધિક વિચાર-વ્યાપારની એક મર્યાદા છે. એ મર્યાદામાં રહીને પોતાના તત્વવિષયક પ્રશ્નોના પ્રત્યુત્તર માટે એ ઋષિમુનિઓએ બનતો પ્રયત્ન કરી જોયો. એ પ્રયત્ન આવકારદાયક અથવા પ્રશસ્ય હોવાં છતાં પરિપૂર્ણ ન હતો. છેવટે એમણે એમની જિજ્ઞાસાના સમ્યક્ શમન માટે ધ્યાનમાર્ગનો આધાર લીધો. ધ્યાનની સાધના દ્વારા મન પર કાબૂ કરીને પોતાની અંદરની-દિલની દુનિયામાં ડૂબકી મારીને એમણે પરમાત્માની પરમચેતના- શક્તિનો સાક્ષાત્કાર કર્યો. એ શક્તિ ત્રિગુણાત્મિકા હોવાં છતાં ત્રણે ગુણોથી પર હતી. એ પરમાત્મા જ સમસ્ત જગતના કારણ છે, શાસક કે પાલક છે, સૌના સૂત્રધાર અથવા અધિષ્ઠાતા છે; કાળ, કર્મ, પ્રારબ્ધ, સ્વભાવ, જીવાત્મા, સૌના પ્રેરક, પ્રકાશક અને નિયામક છે; એવો એમનો અનુભવાત્મક નિર્ણય થયો. એમની શંકાનું સુખદ સમાધાન થયું. ધ્યાનયોગની આધ્યાત્મિક સાધનાનું મહત્વનું કલ્યાણકાર્ય પૂરું થયું.
અધ્યાત્મ એવી રીતે એક વિજ્ઞાન છે. વ્યવસ્થિત વિજ્ઞાન. આત્મવિજ્ઞાન. એ માનવને અંતર્મુખ કરી, આત્મભિમુખ બનાવીને, આત્મદર્શન અથવા પરમાત્મદર્શન કરવાની શક્તિ પૂરી પાડે છે. સંસારના મૂળાધાર જેવા એકમાત્ર સર્વોપરી પરમ સનાતન સત્યનો સાક્ષાત્કાર કરાવે છે. એ માનવની અંદરની દુનિયાની શોધ છે. ભૌતિક વિજ્ઞાન પણ સૃષ્ટિની ઉત્પત્તિ વિશે, સૃષ્ટિની પાછળના કારણ વિશે, અને સૌના મૂળાધાર જેવા પરમ સનાતન સત્ય વિશે શોધ કરે છે. એમના રહસ્યને પામવાના પ્રયત્ન કરે છે. પરંતુ એ પ્રયત્નો બહારની દુનિયામાં થનારા બાહ્ય પ્રયત્નો છે એટલે એને બહારની દુનિયાની શોધ તરીકે ઓળખાવી શકાય. આધ્યાત્મિક સાધનાના ક્ષેત્રમાં સફળતાપૂર્વક આગળ વધવા માગનારો સાધક સદાચારી કે પવિત્ર હોવો જ જોઇએ, પરંતુ ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધનારા વૈજ્ઞાનિકના સંબંધમાં એવું નથી સમજવાનું. એ પવિત્ર, સદાચારી, પરમાત્મપરાયણ અને માનવ તરીકે ઉત્તમ હોય અથવા ના પણ હોય. એક વ્યક્તિગત જીવનની પવિત્ર કાયાપલટ કરે અને બીજો ના પણ કરે. જો કે પ્રત્યેક માનવ માનવતાથી મંડિત, પવિત્ર, આદર્શ બને તેવી અપેક્ષા રાખવામાં આવે છે તોપણ આધ્યાત્મિકતામાં એવી અપેક્ષા અધિક અને અનિવાર્ય રીતે રખાતી હોય છે.