શ્વેતાશ્વતર ઉપનિષદ

Chapter 1, Verse 04

तमेकनेमिं त्रिवृतं षोडशान्तं शतार्धारं विंशतिप्रत्यराभिः ।
अष्टकैः षड्भिर्विश्वरूपैकपाशं त्रिमार्गभेदं द्विनिमित्तैकमोहम् ॥४॥

tamekanemim trivrtam sodasantam
satardharam vimsatipratyarabhih ।
astakaih sadbhirvisvarupaikapasam
trimargabhedam dvinimittaikamoham ॥ 4॥

એક ચક્ર છે એવું જેને પ્રકૃતિરૂપી ‘નેમિ’ રહે,
ચક્રતણો આધાર નેમિ*, છે પ્રકૃતિ જગઆધાર ખરે;
નેમિ ઉપર રક્ષાને માટે સાલ ચઢે છે લોઢાનું,
સત્વ અને રજ તમના ગુણથી પ્રકૃતિનું અંગ ઘડાયું.
જુદાજુદા ભાગોને જોડ્યે ચક્રતણી બનતી નેમિ,
આઠ સુક્ષ્મ ને આઠ સ્થૂલ તત્વોથી પ્રકૃતિનેમિ બની.

અંતઃકરણતણી વૃત્તિના પસાચ ભેદ ‘અરા’ માન્યા,
દસ ઈન્દ્રિય ને વિષય પ્રાણ દસ, સહાયક અરા વીસ કહ્યા;
આઠ વસ્તુના છ સમુહો* છે તે ચક્રતણા દેહરૂપે,
અનેકરૂપે બાંધે એવી ફાંસી આસક્તિની છે.

દેવયાન ને પિતૃયાન ને અન્ય યોનિ તે ત્રણ માર્ગો,
નાભિરૂપ અજ્ઞાન જગતના ચક્રતણું તે કેન્દ્ર કહો.
પુણ્યપાપ છે નિમિત્ત જગના ચક્રમહીં ફેરવતાં તે,
આવી રીતે ચક્રરૂપમાં જગનું વર્ણન પૂર્ણ બને. ॥૪॥

અર્થઃ

તમ્ - એ
એકનેમિમ્ - એક નેમિવાળા
ત્રિવૃતમ્ - ત્રણ થરવાળા
ષોડશાન્તમ્ - સોળ આકાવાળા
શતાર્ધારમ્ - પચાસ આરાવાળા
વિશતિપ્રત્યરાભિઃ - વીસ બીજા પેટા આરાથી
ષડભિઃ અષ્ટકૈઃ - છ અષ્ટકોથી
(યુક્તમ્ - યુક્ત)
વિશ્વરૂપૈકપાશમ્ - અનેક રૂપવાળા એક જ પાશથી યુક્ત
ત્રિમાર્ગભેદમ્ - માર્ગના ત્રણ ભેદવાળા
દ્વિનિમિત્તૈકમોહમ્ - બે નિમિત્ત તથા મોહરૂપી એક નાભિવાળા (ચક્રને)
(અપશ્યન્ - એમણે જોયું)

ભાવાર્થઃ

આ શ્લોકમાં વિશ્વનું ચક્રના રૂપે વર્ણન કરેલું છે. સસૃતિચક્રનું પરમાત્માની સ્વરૂપભૂતા પરમ અદભૂત શક્તિનો સાક્ષાત્કાર કરનારા દૈવી ઋષિવરોએ જણાવ્યું કે અમે એક અસાધારણ ચૈતન્યચક્રનું દર્શન કર્યું છે. એ ચક્રનું વર્ણન આ પ્રમાણે છેઃ

એમાં નેમિરૂપે વ્યક્ત જગતના આધાર જેવી અવ્યાકૃત પ્રકૃતિ રહે છે. ચક્રને વ્યવસ્થિત રાખવા માટે નેમિની ઉપર લોઢાનો આંટો રહે છે તેમ, અવ્યાકૃત પ્રકૃતિરૂપી નેમિ પર સત્વ, રજ તથા તમ - ત્રણ ગુણોના ત્રિવિધ આંટા છે. પરમાત્માની પરમશક્તિ ત્રણ ગુણોથી ઢંકાયેલી છે. ચક્રની નેમિ જુદા જુદા ટુકડાઓને જોડીને બનાવવામાં આવે છે. તેવી રીતે પ્રકૃતિરૂપી નેમિના પણ વિવિધ વિભાગો છે. મન, બુદ્ધિ, અહંકાર તથા પંચમહાભૂતનાં આઠ સૂક્ષ્મ તત્વ અને એમનાં જ આઠ સ્થૂળ રૂપ - એ પ્રમાણે વિવિધ વિભાગો છે.

અંતઃકરણની વૃતિના પચાસ ભેદ પચાસ આરા છે. દસ ઇન્દ્રિયો, પાંચ વિષયો અને પાંચ પ્રાણના વીસ પેટા આરા છે.

આઠ આઠ વસ્તુઓના છ અષ્ટક શાંકરભાખ્યને અનુસરીને આ પ્રમાણે છેઃ
ગીતામાં વર્ણવેલી આઠ પ્રકારની અપરા પ્રકૃતિ
ત્વચા, ચામડી, મેદ, માંસ, રક્ત, હાડ, મજ્જા, વીર્ય એ શરીરની આઠ ધાતુ.
આઠ પ્રકારની સિદ્ધિ અથવા યોગની વિભૂતિઃ  અણિમા, મહિમા, લધિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ.
ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય, અનૈશ્વર્ય એ આઠ ભાવ.
બ્રહ્મા, પ્રજાપતિ, દેવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, પિતર, પિશાત - એ આઠ દેવયોનિ.
અને દયા, ક્ષમા, અનસૂયા અથવા અનિંદા, શૌચ, અનાયાસ, મંગલ, ઉદારતા, અસ્પૃહા એ આઠ અલૌકિક ગુણ.

એ ચક્રનો આસક્તિરૂપી બંધ છે. દેવયાન, પિતૃયાન તથા મૃત્યુલોકના ત્રણ માર્ગ છે. પુણ્ય અને પાપનાં અથવા સત્કર્મ અને દુષ્કર્મનાં બે નિમિત્ત છે. એનું કેન્દ્ર અથવા એની નાભિ મોહ અથવા અવિદ્યા છે. એને લીધે જ સંસૃતિચક્ર ચાલ્યા કરે છે. પરમાત્મા એ ચક્રના નિયામક, સૂત્રાધાર, સર્વેસર્વા છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.