पञ्चस्रोतोम्बुं पञ्चयोन्युग्रवक्रां पञ्चप्राणोर्मिं पञ्चबुद्ध्यादिमूलाम् ।
पञ्चावर्तां पञ्चदुःखौघवेगां पञ्चाशद्भेदां पञ्चपर्वामधीमः ॥५॥
panchasrotombum panchayonyugravakram
panchapranormim panchabuddhyadimulam ।
panchavartam panchaduhkhaughavegam
panchasadbhedam panchaparvamadhimah ॥ 5॥
નદી જગતની, જ્ઞાનેન્દ્રિયના પાંચ પ્રવાહ કહ્યા તેના,
સંસારતણું જ્ઞાન પાંચ જ્ઞાનેન્દ્રિય પૂર્ણ કરાવે આ;
પાંચ સુક્ષ્મભૂતોથી ઉપજી જ્ઞાનેન્દ્રિય આ સર્વે છે,
પાંચ સુક્ષ્મભૂતોને તેથી જગતનદીનાં મૂળ કહે.
પ્રવાહ તેનો ખૂબ ભયંકર, ના સમજાયે તેવી છે,
પાંચ પ્રાણનાં તરંગ તેનાં, પાંચ વિષય આવર્ત ખરે.
સર્વ જ્ઞાનનું કારણ મન તે જગતનદીનું મૂળ દિસે,
મનના વિના જણાય ન સૃષ્ટિ, મનથી જ્ઞાન બધુંય ઊગે.
પાંચ દુઃખના વેગ : ગર્ભ ને જન્મમૃત્યુ, વાર્ધક્ય જરા;
પાંચ ભોગ છે : અહં, મૃત્યુભય, રાગદ્વેષ, અજ્ઞાનતણા;
ભિન્ન ભિન્ન છે રૂપ નદીનાં પચાસ અંતરની વૃત્તિ,
એવી નદી જગતની તેને અમે જાણતા તત્વથકી. ॥૫॥
અર્થઃ
પંચસ્ત્રોતાઙમ્બુમ્ - પાંચ પ્રવાહોવાળા વિષયરૂપી પાણીથી ભરપૂર
પંચયોન્યુગ્રવકોમ્ - પાંચ સ્થાનોથી પેદા થઇને ભયંકર અને વાંકી ગતિથી આગળ વધનારી
પંચપ્રાણોર્મિમ્ - પાંચ પ્રાણના તરંગોવાળી
પંચબુદ્ધ્યાદિમૂલામ્ - પાંચ પ્રકારના જ્ઞાનના મૂળ કારણ મનરૂપી મૂળવાળી
પંચાવર્તામ્ - પાંચ ઘુમરીવાળી
પંચદુઃખૌદ્યવેગામ્ - પાંચ દુઃખોના પ્રવાહને વેગવાળી
પંચાશદ્ ભેદામ્ - પચાસ ભેદવાળી
પંચપર્વામ્ - પાંચ પર્વોવાળી (નદીને)
અધીમઃ - અમે જાણીએ છીએ.
ભાવાર્થઃ
આગલા શ્લોકમાં સંસારને ચક્ર સાથે સરખાવીને આ શ્લોકમાં સરિતાની સાથે સરખાવવામાં આવે છે. સ્વાનુભવસંપન્ન સ્વનામધન્ય ઋષિ જણાવે છે કે સંસારરૂપી સરિતાના રહસ્યને અમે જાણીએ છીએ. એ સરિતા કેવી છે ? એમાં પાંચ જ્ઞાનેન્દ્રિયોના પાંચ પ્રવાહો છે. સંસારનું જ્ઞાન એ પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ થતું હોય છે. એ ઇન્દ્રિયો પાંચ સૂક્ષ્મ ભૂતોથી ઉત્પન્ન થઇ હોવાથી એમને એ સરિતાનાં પાંચ પ્રાદુર્ભાવ સ્થાન માન્યાં છે. એ સરિતા જેટલી સમજવામાં આવે છે એટલી સરળ નથી. રહસ્યથી ભરેલી, ભલભલાને ભરમાવનારી, ભયભીત કરનારી અને પોતાનાં પાશમાં બાંધનારી કહેવાય છે. એની ગતિ ઘણી જ ગહન છે. પ્રાણ એ સંસારસરિતની તરંગમાળા છે. કારણ કે સંસારમાં જે કાંઇ નાનીમોટી ક્રિયા-પ્રક્રિયા થતી દેખાય છે તેની પાછળ પ્રાણનું પ્રેરક બળ રહેલું છે. મનને એ સંસાર-સરિતાનું મૂળ કહ્યું છે. કારણ કે મન ના હોય તો કેવળ ઇન્દ્રિયોથી સંસારનો બોધ થતો નથી. મન જ એને અનુભવે છે. મન શાંત થાય તો સંસારનું અનુભવ-દ્વાર પણ બંધ થાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ પાંચ વિષયની પાંચ ધૂમરી છે. એમાં ફસાયેલા જીવ ક્લેશ, દુઃખ, બંધન, અશાંતિનો અનુભવ કરે છે. જન્મ, જરા, વ્યાધિ, મૃત્યુ અને ગર્ભવાસનાં પાંચ પ્રકારના દુઃખ એનાં પાંચ વેગ છે. એ વેગ જીવને પીડા પહોંચાડે છે ને બેચેન બનાવે છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ પાંચ ક્લેશ સંસારરૂપી સરિતાના પાંચ પર્વ કે વિભાગ છે. અંતઃકરણની પચાસ વૃતિઓ એના પચાસ ભેદ છે. એમને લીધે જ સંસારમાં ભેદભાવનું દર્શન શક્ય બને છે. સંસારની એ અદભૂત સરિતાના સાચા સ્વરૂપને કોઇક વિરલ ધીરવીર પુરુષ-વિશેષ જ સમજી શકે છે.