एषो ह देवः प्रदिशोऽनु सर्वाः पूर्वो ह जातः स उ गर्भे अन्तः ।
स एव जातः स जनिष्यमाणः प्रत्यङ् जनास्तिष्ठति सर्वतोमुखः ॥१६॥
eso ha devah pradiso'nu sarvah ।
purvo ha jatah sa u garbhe antah ।
sa eva jatah sa janisyamanah
pratyan janastisthati sarvatomukhah ॥ 16॥
તે પરમાત્મા પરમદેવ છે, સમસ્ત જગમાં વ્યાપક છે,
સૌથી પ્હેલાં તે જ પ્રકટિયા, બ્રહ્માંડે પણ તે સ્થિત છે;
તે જ જગતરૂપે પ્રકટ્યા છે, તે જ પ્રકટશે ભાવિમહીં,
સર્વતરફ છે જોનારા તે, જીવોના અંતર્યામી. ॥૧૬॥
અર્થઃ
હ - ખરેખર
એષઃ - એ
દેવઃ - પરમાત્મા
સર્વાઃ - સર્વે
અનુ - દિશા તથા પ્રદિશામાં વ્યાપક છે.
(સઃ) હ - તે જ પરમાત્મા
પૂર્વઃ - સૌથી પહેલાં
જાતઃ - હિરણ્યગર્ભના સ્વરૂપે પ્રકટેલા
સઃ ઉ - તે જ
ગર્ભે - બ્રહ્માંડરૂપી ગર્ભમાં
અન્તઃ - અંતર્યામીરૂપે રહેલા છે.
સઃ - તે
જનિષ્યમાણઃ - ભવિષ્યમાં પણ પ્રકટનારા છે.
જનાન્ પ્રત્યઙ્ - સર્વે જીવોની અંદર
તિષ્ઠતિ - રહેલા છે.
સર્વતોમુખઃ - સર્વત્ર મુખવાળા છે.
ભાવાર્થઃ
આ શ્ર્લોકમાં પરમાત્માના વાસ્તવિક વિશદ વિરાટ સ્વરૂપનું વર્ણન છે. પરમાત્મા સર્વવ્યાપક છે. એવું એકપણ નાનું કે મોટું સ્થળ નથી, અણુ કે પરમાણુ નથી જ્યાં એમનો વાસ ના હોય. કવિએ એટલા માટે જ કહ્યું છે કેઃ
'ભોંયમાં પેંસી ભોંયરે કરીએ કાંઇ વાત,
ઘડીએ મનમાં ઘાટ તે જાણે જગતનો તાત.'
સંસારમાં સૌથી પહેલાં એ જ હતા. એમની પહેલાં કશું હતું જ નહીં. હિરણ્યગર્ભના રૂપમાં એ જ પ્રકટેલા. બ્રહ્માંડના ઉદરમાં એમનો વાસ છે. એ અંતર્યામી છે. ભવિષ્યમાં જે કાંઇ હશે તે એમનું જ રૂપ, એમનો જ આવિર્ભાવ હશે. ભૂતકાળમાં એ જ હતા, આજે એ જ છે, અને આગળ પર પણ એ જ હશે. એમના સિવાય બીજું કશું હતું નહીં, છે નહીં, અને થવાનું પણ નથી. એ સૌની અંદર છે. સર્વત્ર મુખવાળા છે, અટલે સૌને સર્વ તરફથી જુએ છે. જગતમાં જે કાંઇપણ થાય છે એ એમની જાણબહાર નથી હોતું.