Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

यो देवो अग्नौ योऽप्सु यो विश्वं भुवनमाविवेश ।
य ओषधीषु यो वनस्पतिषु तस्मै देवाय नमो नमः ॥१७॥

yo devo agnau yo'psu
yo visvam bhuvanamavivesa ।
ya osadhisu yo vanaspatisu
tasmai devaya namo namah ॥ 17॥

અગ્નિમહીં જે પરમાત્મા છે, જલમાં પણ જે વ્યાપક છે,
સમસ્ત વિશ્વે વસી રહ્યા જે, ઔષધિમાંયે વ્યાપક છે;
જે છે વળી વનસ્પતિમાં, તે પરમદેવ પરમાત્માને,
નમસ્કાર પરમાત્માને, તે નમસ્કાર પરમાત્માને ! ॥૧૭॥

અર્થઃ

યઃ - જે
દેવઃ - દેવોના દેવ પરમાત્મા
અગ્નૌ - અગ્નિમાં
યઃ - જે
અપ્સુ - પાણીમાં
યઃ - જે
વિશ્વમ્ ભુવનમ્ આવિવેશ - સમસ્ત બ્રહ્માંડ કે લોકલોકાંતરમાં પ્રવેશેલા છે.
યઃ - જે
ઓષધીષુ - ઔષધિમાં
યઃ - જે
વનસ્પતિષુ - વનસ્પતિમાં છે,
તસ્યૈ દેવાય - એ પરમદેવ પરમાત્માને
નમઃ - પ્રણામ છે.
નમઃ - નમસ્કાર અથવા પ્રણામ છે.

ભાવાર્થઃ

યોગી પહેલાં પરમાત્માને પોતાની અંદર પેખે છે અને એ પછી એનો અનુભવ વિસ્તૃત બનતાં સમસ્ત જગતમાં, જડચેતનાત્મક પદાર્થોની અંદર અને એમના રૂપમાં એમનું દર્શન કરે છે, એમનું દૈવી વિશ્વરૂપદર્શન એને સારુ સહજ બને છે. એ પરમદેવ પરમાત્માને એ અંદર-બહાર, ઉપર-નીચે, આગળ-પાછળ, પાણી-પાવક-પવન-પૃથ્વીમાં, વનસ્પતિ-વૃક્ષ-વલ્લરી, સરિતા સ્ત્રોત તથા સાગરમાં, સૂર્ય-ચંદ્ર-તારકમાં, માનવ અને માનવેતર પ્રાણીમાં, સર્વત્ર જુએ છે. એનું દર્શન એવી રીતે વ્યાપક બને છે. પરમાત્માના વિશ્વદર્શનમાં પરિણમે છે. ઋષિ એ પરમાત્માને પ્રેમપૂર્વક પ્રણામ કરે છે. એ જ ખરેખર પ્રણમ્ય છે. માનવ એમને ઓળખતાં, પ્રેમ કરતાં, અને પ્રણામ કરતાં શીખે તો એનું જીવન ઉજ્જવળ બને, શરીરધારણ સાચેસાચ સફળ કે સાર્થક થાય.