य एको जालवानीशत ईशनीभिः सर्वांल्लोकानीशत ईशनीभिः ।
य एवैक उद्भवे सम्भवे च य एतद् विदुरमृतास्ते भवन्ति ॥१॥
ya eko jalavanisata isanibhih
sarvamllokanisata isanibhih ।
ya evaika udbhave sambhave cha
ya etad viduramrtaste bhavanti ॥ 1॥
પરમાત્મા વિશે
જગતજાળને રચે અને તે પર પોતાની શક્તિ વડે,
શાસન કરે, વિવિધ લોકો પર યોગ્યપણે સામ્રાજ્ય કરે,
મદદ વિના કોઈની જે આ સૃષ્ટિ ઘડે ને વિસ્તારે,
તે પ્રભુને જે જાણી લે તે અમર હમેશાંકાજ બને. ॥૧॥
અર્થઃ
યઃ - જે
એકઃ - એક
જાલવાનઃ - જગતરૂપી જાળના અધીશ્વર
ઇશનીભિઃ - એ વિવધ શાસન શક્તિથી
સર્વાન્ - સર્વે
લોકન્ ઇશતે - લોકો પર શાસન કરે છે.
યઃ - જે
એકઃ - એકાકી
એવ - જ
સંભવે ચ ઉદભવે - સૃષ્ટિની ઉત્પત્તિ અને એના વિસ્તાર માટે (સમર્થ છે)
એતત્ - તે પરમાત્માને
યે - જે
વિદુઃ - જાણે છે
તે અમૃતાઃ - તે અમર
ભવન્તિ - બને છે.
ભાવાર્થઃ
સંસારમાં પૂર્ણ, મુક્ત, મૃત્યુંજય અથવા અમર કોણ બને છે ? જે સંસારના વિષયોમાં આસક્ત થવાને બદલે સંસારના અધીશ્વર અથવા સ્વામીમાં પ્રીતિ અથવા આસક્તિ કરે છે, એમને ઓળખે છે, અને એમની સાથે એકતાને અનુભવે છે. એ પરમાત્માની ઓળખાણ આપતાં અહીં જણાવવામાં આવે છે કે એ એક છે, સંસારના સર્જન, સંરક્ષણ, સંવર્ધન તથા વિસર્જનની શક્તિવાળા છે અને સમસ્ત બ્રહ્માંડને પોતાના નિયંત્રણમાં રાખે છે. એમને માટે 'જાલવાન' નામે સરસ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એ જગતરૂપી જાળના કર્તા તથા નિયંતા છે. કરોળિયો પોતાની લાળની મદદથી કોઇપણ બાહ્ય મદદ વિના જાળાને તૈયાર કરે છે તેમ તે પણ સ્વતંત્ર રીતે સંસારને સરજે છે. 'જાલવાન' શબ્દમાં એ સંદેશ સમાયેલો છે. પરમાત્મા જગતરૂપી જાળના અધીશ્વર છે. એટલે જે એમને શરણે જાય છે અને એમને ભજે છે તે એ જાળમાંથી એમની કૃપાથી સહેલાઇથી છૂટી જાય છે એવો સૂર પણ એમાં સમાયેલો છે.

