Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

विश्वतश्चक्षुरुत विश्वतोमुखो विश्वतोबाहुरुत विश्वतस्पात् ।
सं बाहुभ्यां धमति संपतत्रै-र्द्यावाभूमी जनयन् देव एकः ॥३॥

visvataschaksuruta visvatomukho
visvatobahuruta visvataspat ।
sam bahubhyam dhamati sampatatrai-
rdyavabhumi janayan deva ekah ॥ 3॥

આંખ બધે છે તેની, તે પ્રભુ સકલ જગતને ભાળે છે,
મુખ છે સઘળે, ભક્ષતણો તે પ્રસાદ સઘળે ચાખે છે;
હાથ બધે છે તેના, સઘળી વસ્તુ બધે તે ગ્રહણ કરે,
આશ્રિતજનને રક્ષે, સઘળે જાય, સૌ સ્થળે ચરણ રહે.
પૃથ્વી ને આકાશતણા રચનારા એક જ પરમાત્મા,
પ્રાણીને બે બાહુ આપતા, પંખીની છે પાંખ થયા. ॥૩॥

અર્થઃ

વિશ્વતચક્ષુઃ - સર્વત્ર આંખવાળા
ઉત - તથા
વિશ્વતોમુખઃ - સર્વત્ર મુખવાળા
વિશ્વતોબાહુઃ - સર્વત્ર હાથવાળા
ઉત - અને
વિશ્વતસ્પાત્ - સર્વત્ર પગવાળા
ધાવાભૂમિ જનયન્ - આકાશ અને પૃથ્વીની રચના કરનારા
(સઃ - તે)
એકઃ દેવઃ - એકમાત્ર પરમાત્મા
બાહુભ્યામ્ - માનવાદિને બાહુથી
સંધમતિ - સંપન્ન કરે છે.
પતત્રૈઃ - (પક્ષી આદિને) પાંખોથી
સં (ધમતિ) - સંપન્ન બનાવે છે.

ભાવાર્થઃ

પરમાત્માના મંગલ મહિમાનું જયગાન આગળ વધે છે. એ જયગાન આનંદદાયક છે. એમને સર્વત્ર આંખવાળા કહેવામાં આવે છે. એનો અર્થ એવો છે કે જગતના સમીપવર્તી અથવા દૂર-સુદૂરના ખૂણામાં પ્રકટ અથવા ગુપ્ત રીતે જે કાંઇ છે ને થાય છે તેને એ જોતા હોય છે. એમનાથી કશુંપણ છૂંપુ રહેતું નથી. એ સર્વત્ર વદનવાળા છે. એટલે દૂર-સુદૂર પણ એમનો અવાજ, સંદેશ અથવા પ્રેરણાસ્વર પહોંચાડી શકે છે ને પહોંચાડે છે. શરણાગતોને પ્રોત્સાહન પૂરું પાડે છે. એમને અર્પવામાં આવતી ભોગસામગ્રીને ગ્રહણ કરે છે. અને જગતમાં જે કાંઇ છે તેને છેવટે સ્વાહા કરી જાય છે. એ કાળના પણ કાળ, મહાકાળ છે. એમને સર્વત્ર હાથવાળા કહ્યા છે. એનો અર્થ એ છે કે એમને ધરવામાં આવતી સામગ્રીને એ સ્વીકારે છે. ભક્તો તથા શરણાગતોને ગમે ત્યાં, ગમે તેવા નાનામોટા સંકટમાંથી ઉગારે છે. આપવા માગે છે તેને હજાર હાથે આપે છે. હજાર હાથે અનુગ્રહની વર્ષા વરસાવે છે. એમને જે પોકારે કે પ્રાર્થે છે એની પાસે સત્વર પહોંચી જાય છે, પહેલેથી પહોંચેલા હોય છે જ. પવન, પાણી, પાવક, પર્વત અથવા બીજું કશું પણ એમના માર્ગમાં અંતરાયરૂપ નથી થતું. એટલે એમને સર્વત્ર પગવાળા ક્હ્યા છે. એ પૃથ્વી અને આકાશ સહિત સમસ્ત સંસારની રચના કરે છે. માનવને બાહુ તથા બાહુબળ આપે છે અને પક્ષીને પાંખ પ્રદાન કરે છે. સૃષ્ટિમાં જે રૂપ, રંગ તથા વૈવિધ્ય દેખાય છે એના કર્તા એ જ છે.